ડાઘ – ભગવતીકુમાર શર્મા 4


સ્વસ્થતા જાળવવાના ભરચક પ્રયત્નો છતાં વિષાદ વારંવાર પગમાં ભોંકાતી કાચની કરચોની જેમ હદયમાં ખૂંચી જતો હતો. ઘરમાં – બહાર બધે, આસોપાલવનાં તોરણથી માંડીને બિસ્મિલ્લાખાનની શરણાઇની કૅસેટના સૂરો સુઘી સર્વત્ર ઉત્સવની હવા લહેરાતી હતી. પુષ્પમાળાઓ અને મીઠાઈની સુગંધની સાથે કીમતી વસ્ત્રોની એક ખાસ પ્રકારની વાસ ભળી જતી હતી. અને ઉજાસ ભીડ, કલશોર…ચંદરવાની જેમ એ બઘું બહાર ઝળુંબેલું હતું, પણ ભીતરમાં વેદના અગ્નિની ધુમ્રરેખાજેવો કસણાટ…. જાણે કશુંક ચૂલે ચઢીને બળી-ચચણી રહ્યું હતું ને તેની કડૂચી વાસ… પપ્પા અકારણ ક્રોઘ કરી બેસતા હતા, મમ્મીની આંખો ચૂઈ પડતી હતી. હાથ-પગની ભરચક મેંદીભાત, વજનદાર ઘરેણાં અને રેશમી પાનેતરની સાથોસાથ લજ્જા અને વ્યથાથી લદાઈ ગયેલી નીલી ક્યારેક ક્યારેક જાણે કશોક અપરાધભાવ પણ અરુપરુ છંટકારી બેસતી હતી…અને વિશાખા. હસતી હતી, ગીતો ગાવામાં જોડાતી હતી, મીઠાઈ વહેંચતી હતી; એના વસ્ત્રો અને આભૂષણો પણ અવસર સાથે એકરૂપ થાય તેવાં હતાં; એનું રૂપ અ-પૂર્વ રીતે નીખરી આવ્યું હતું. છતાં થોડી થોડી વારે તેની આંખોમાં, તેની લાંબી આંગળીઓના ધ્રુજતા ટેરવાંઓથી માંડીને તેના ઊજળા પગના નખ પર પ્રતિબિમ્બાતાં રોશનીનાં ચાંદરણાંમાં કશીક અકથ્ય, એથીયે વધુ અદમ્ય શૂન્યતા થરથરી ઊઠતી હતી. સ્વ પરનો કાબૂ જતો રહેશે કે શું તેમ તેને લાગતું. ક્ષણભર મીઠાઈનો થાળ, નવી સાડી, અલંકાર, બઘું જ સાપની કાંચળીની જેમ ફગાવી દેવા તે તલમલી ઊઠતી, શરીર પર ફેલાયેલી અત્તરની નકલી સુગંધને ધોઈ ધસી કાઢી પોતાના એકલવાયા અંધારિયા ડુમાયેલા ખંડના કોઈક ખૂણે પુરાઈ-દટાઈ-ગોંધાઈ ગૂંગળાઈ જવા તેનું અસ્તિત્વ બળ કરી ઊઠતું, પણા એ સર્વને કચડીને ફરીથી સુગંધ અને અજવાળાં અને સુંવાળપ અને હાસ્યોની દુનિયામાં પોતાની જાતને વિખેરી- ફેલાવી દેતી હતી.

પપ્પા ત્રણ-ચાર વાર તેની પાસે આવી કશું બોલ્યા વિના અપલક પણ આંસુની ઝાંયથી તગતગતી આંખોથી તેની સામે જોઈ રહ્યા. પપ્પાની એ અબોલ નજરમાંની વેદના વિશાખા વાંચી શકી, પણ હોઠ ભીડીને તેણે તેમને કશું જ પ્રોત્સાહન ન આપ્યું. ઊલટુ ખસીને તેના અર્ધ-ખુલ્લા મુખમાં મીઠાઈનો ટુકડો મૂકી દીધો.

એક વાર તે કશું ક લેવા માટે અંદરના ઓરડામાં ગઈ ત્યાં મમ્મી તેની પાછળ આવી. વિશાખા સહમી ગઈ. ભીડથી ઊભરતા મકાનના આ ઓરડામાં એ ક્ષણે મા-દીકરી એકલાં જ હતાં. વિશાખાને ભય લાગ્યો. જે પળની ફડક હતી તે આવી પહોંચી હતી ફે શું તેવી આશ્ંકાથી તે રવરવી ઊઠી. મમ્મીએ તેની નિકટ આવી તેને ખભે હાથ મૂકી એક જ ઉદગાર કાઢ્યોઃ ‘વિશુ….’ અને મમ્મીની ઝીણી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યાં. વિશાખાએ વધારે બળપૂર્વક ભીડ્યા, પછી ફિક્કા ચાંદરણા જેવું હસીને કહ્યું;’ મમ્મી, આજે મંગળ અવસર છે સાચવી લેવાનો. નીલી ને માઠું ન લાગવું જોઈએ.’ મમ્મીની આંખોમાં વધારે ભીનાશ ઊમટી. તેના સજલ શબ્દો માંડ વહી આવ્યાઃ ‘પણ દીકરી, તારું જીવતર…..’ વિશાખાને વધારે બિન્દાસપણે હસવું પડ્યું. તેણે એટલું જ કહ્યું ; ‘ડૉન્ચ્યુ વરી મમ્મી! હું એમ.એ ની આ છેલ્લી ટર્મ પૂરી કરીશ -પી. એચ.ડી. થઈશ. પછી નીલીના વરથીયે સારો છોકરો શોધી…’ ફરીથી હાસ્ય અત્તર જેવું, સુંગંધીત, છતાં….

તેનાથી સહેજ અળગી થઈ મમ્મીએ ગંભીર સ્વરે કહ્યું; ‘હસીને તુ ભલે વાત ઉડાવી દે, પણ તારાથી નાની નીલીનાં આજે લગ્ન છે અને તું… ને વળી આ મુરતિયો…’

એને વચ્ચે રોકતાં વિશાખા બોલીઃ ‘હવે આ બઘુ નિરર્થક છે મમ્મી ! અવસર આવ્યો છે – સારી વાત છે. હુ પુખ્ત છું, વિચાર કરી શકુ છું. જે બન્યું તેનાથી સભાન છું. ન હું અંધારામાં છું, ન મેં કોઈને અંધારામાં રાખ્યું છે. મારા વિશે તને ગૌરવ -‘

‘થાય છે વિશુ, પણ વાસ્તવિકતા….’

‘સત્ય કરતાં તે ચઢિયાતી નથી મમ્મી!’

‘તોય વિશુ, મારો – માંનો જીવ ….તારું આ રૂપ, ભણતર….. એક ડાઘની આવી સજા? ચન્દ્રમાં પણ એક ડાઘ તો -‘

‘જાતે સ્વીકારેલી સજાનું દુઃખ કેવું મમ્મી?’

‘ડાઘ આડે વાદળ….’

‘મમ્મી, પ્રત્યેક ડાઘ સૂર્ય હોય છે!’ કહી મમ્મી ને એ ખંડમાં એકલી છોડીને વિશાખા ત્યાંથી બહાર નીકળી ભળી ગઈ – ભીડમાં, સુગંધમાં, ઝળાંહળાં ઉજાસમાં, કલરવમાં …

પછી એ કલરવ વધી પડ્યો. ફૂલોને સ્થાને જાણે આખું ઉપવન વહી આવ્યું. પ્રકાશ સૂર્યનો હરીફ બન્યો. ભીડ સમુદ્ર-સી લાગતી હતી.

વિશાખાએ ઝરૂખેથી જોયું. દીપ સાચે જ સોહામણો લાગતો હતો – હફની, સુરવાલ અને મોજડીમાં સજ્જ, પૌરુષસભર, આંખોમાંથી તેજ છલકાવતો, આસપાસના સર્વ પર વિજય મેળવવાનો હૈયે શ્રદ્ઘા ઊછળતી હોય તેવો. હાથમાં શ્રીફળ હતું. કંઠે પુષ્પમાળા, હોઠ પાનથી રતુમડા.

એકાદ મહિના પહેલાં વિશાખાએ તેને પહેલી વાર જોયો હતો. અહીં જ આ ઘરના ડ્રોઈંગરૂમમાં ત્યારે તેણે લાઈટ ગ્રે કલરનો સફારી પહેર્યો હતો અને હિલવાળા, કાળાબૂટ…કોઈ યુવાન એક્ઝીક્યુટિવ જેવો લાગતો હતો.

અને અત્યારે? આ ક્ષણે? વિશાખાને પ્રશ્ન થયો.

કવિ જેવો? રાજકુમાર જેવો?

નિઃશ્વાસ- ઉતરતા ઉનાળાના ઉકળાટ જેવો.

બી.કોમ. પછી એમ.એ. કર્યુ હતું – કોઈક ફર્મમાં ડેપ્યુટી મેનેજર હતો કે એવું કંઈક.

ચારે તરફ મિત્રો, સ્વજનોથી વીંટળાયેલા દીપની સાથે અત્યારે ડ્રૉઈંગરૂમના સોફા પર માત્ર એના પપ્પા હતા-શાણા અને સદગૃહસ્થ જેવા લાગતા હતા.

અને પરિચિત દ્રશ્ય ફરીથી ભજવાયું હતું – ચાની ટ્રે, નાસ્તાની ડિશો, ઔપચારિક શબ્દોની આપ-લે, પોકળ હાસ્યો, અને વિશાખા. કોરાને સોનેરી વાળમાં એણે મોગરાનાં બે ફૂલ નાખ્યાં હતાં. સુવાસ વળગી પડે તેવી હતી. હલકા આસમાની રંગની સાડી. દીપની આંખો તેના તરફ જ નોંધાયેલી હતી – વિશાખાએ તે પામી લીધું.

આવ્યું યોજના પૂર્વકનું એકાન્ત. થોડું મૌન. થોડા પ્રશ્નો – મુખ્યત્વે દીપના. વિશાખાના સંયમિત ઉત્તરો. અનૌપચારિક બનાવના દીપના કળાઈ આવે તેવા પ્રયત્નો. દીવાલની ધડિયાળનું લોલક અવિરત હાલતું હતું. બે’ક ચકલીઓ બારીમાં ફરફરીને ઊડી ગઈ. અને મધમાં ઝબોળાયેલા સ્વરે આવી પડ્યો દીપનો પ્રશ્ન; ‘વિશાખા, હું તમને પસંદ કરું તો તમને ગમશે?’

અચાનક ખંડમાં ભારેસલ્લ નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ. દિપના શબ્દો હજી તો જાણે પતંગિયાની જેમ ઊડાઊડ કરતા હતા, ત્યાં આ મૌન…

પેલી – પેલી જ – પૂર્વ પરિચિત- અતિપરિચિત કણેકણથી જાણીતી- કેટલીક વાર સાકાર થઈ ચૂકેલી ક્ષણ આવી પહોંચી હતી- વજનદાર, તીણા નહોરવાળી, કરપીણ, ખાઉધરી…

ખરેખર આવી પહોંચી હતી? વિશાખાને મનોમન પ્રશ્નો થયોઃ એને ટાળી ન શકાય? ટાળી દઉં? ટાળી જ દઉં? અંધકાર ઊંડા કૂવામાં ધરબી દઉં?

હચમચી ઊઠી વિશાખા- હયાતીના મૂળ સુધી. અત્યાર સુધી હર વખતે વિજેતા બનતી આવી હતી એ ક્ષણ- અને પોતે પરાજિત…

કે પોતે જ સાચી વિજેતા હતી? અને પેલી ક્ષણ પરાજિત હતી?

વિશાખાની સભાનતા જાગી ઊઠી. કદાચ એ એનું સ્વ-ભાન હતું. ધીમે ધીમે એ ભીતરી અંધકારમાંથી બહાર આવી – કશીક સ્વચ્છ સપાટી પર મૌનને એણે સહજપણે થોડી વાર વહેવા દીધું, પછી સ્ફટીક શા સ્વરે કહ્યું ;

‘દીપ મારે એક સ્પષ્ટતા કરવાની છે.’

નિઃશબ્દ, પ્રશ્નસૂચક દીપ.

તેની આંખોમાં આંખો પરોવી, કશી જ પ્રસ્તાવના – પૂર્વભૂમિકા – અગૌરવ વિના વિઉશાખાએ જીવંત સ્ફૂલિંગ શા ગણતરીના શબ્દો તરતા મૂક્યાઃ

‘મારા શરીરના ન જોઈ શકાય એવા ભાગ પર ડાઘ છે – કોઢનો’

અને વાતાવરણના ક્યારથી યે અધ્ધર તોળાઈ રહેલા શ્વાસ વિખરાઈ ગયા.

ખાસ્સી વારે દીપ પોતાનામાં પાછો ફર્યો. તે એક જ શબ્દ બોલ્યોઃ ‘આભાર.’ થોડી વારના મૌન પછી ઉમેર્યું; ‘અને ધન્યવાદ!’ સ્વગતની જેમ તે ગણગણ્યોઃ ‘આ..આ વિરલ છે… સમથિંગ રૅર..’ વળી ક્ષણોનો વિરામ, વળી ફુસફુસાતો શબ્દઃ ‘અવિસ્મરણીય પણ છે.’

લાઈટ ગ્રે કલરના સકારી સૂટમાં સજ્જ થયેલા દીપ અને કફની, સૂરવાલ, મોજડી, શ્રીફળ, પાનથી રમતુડા હોઠ સાથેના આજના દીપ વચ્ચે અંતર હતું ખરું – વિશાખાનું ભીતર અનુત્તરીત રહેવા સર્જાયેલા પ્રશ્ન પૂછતું હતું. બિઝનેસ એક્ઝિક્યુટિવ અને કવિ, રાજકુમાર- વાસ્તવ ક્યાં હતું ? હતું ખરું ? ફરી નિરુત્તરતા.

ભીડ વચ્ચે અફાટ એકલતા અનુભવતી હતી વિશાખા. પાર વગરની વિધિઓમાં ગુંથાવાની વ્યસ્ત પળો વચ્ચે પણ ત્યાંથી નાસી છૂટી ઓરડામાં ભરાઈ જવાનું. મોકળાશથી રડી લેવાનું મન થી આવતું હતું તેને તે કરંડિયામાં નાગને પુરાય તેમ ઢબૂર્યા કરતી હતી. તેને બદલે તે શરણાઈના સૂરોમાં અને ખુશ્બૂદાર હવામાં અને તોરણની લીલાશમાં વહેવડાવી દેવાની મથામણ કરતી હતી.

નખશિખ નવોઢા બનીને નીલી મંડપમાં આવી ગઈ હતી.દીપના હાથમાં તેનો નાજુકડો હાથ મુકાઈ ગયો હતો. આઇસક્રિમના બાઉલ મંડપમાં ફરતા હતા. નીલી હસતે મૂખે મિત્રો- અવજનોની બેટ સ્વીકારતી હતી. કૅમેરાની ફૅલેશગન વારંવાર ઝબૂકતી હતી . વિશાખા ત્યાં હતી છતાં ન હતી. એક પળે તે ચૂપચાપ સરકી આવી અને પોતાના ખંડની સાંકળ ચઢાવીને અંદર ભિડાઈ ગઈ. ઓરડામાં ઉજાસ સાવ ઓછો હતો. સ્વિચ ઑન કરીને તેણે બત્તી જલાવી. તેણે આંખો મીંચી દીધી. ફરી અંધકાર. તેજ -છાયાની આ સંતાકૂકડી…. આંખો ઉધાડી એકાએક તે ઊભી થઈ અને ડ્રેસિંગ-ટેબલ પાસે આવી. પૂરા કદના દર્પણમાં તેનું પ્રતિબિમ્બ ઝિલાયું. એક સૌદર્યમંડિત આકૃતિ સામે ઊપસી આવી. તેણે પોતાની પ્રતિબિમ્બ પર બારીક નજર ફેરવવા માંડી. બઘું જ અનવદ્ય! અચાનક તેના લોહીમાં સળવળાટ થયો. તેણે ધીમેધીમે, લગભગ અવશપણે, પોતાના શરીર પરથી એક પછી એક વસ્ત્રો દૂર કર્યા. અરીસો હવે માત્ર નિરાવૃત્ત શરીરની છબીને ઝીલતો હતો. બધું જ સુડોળ, સૌષ્ઠવપૂર્ણ – માત્ર ક્યાંક, કોઈક બિન્દુ પર એક ડાઘ….! સુન્દર ચિત્ર પર શાહીનું બેડોળ ડબકું જ માત્ર, છૂપાવી શકાય, સાથળની આડશમાં ગોપવી શકાય, પણ….

ઊતરડી નાખું; ચામડીના એટલા ભાગને બાળી નાખું, કુરેદી નાખું ; વિશાખાના લોહીના કણેકણમાંથી આક્રોશ ફૂટી નીકળ્યો, પણ માત્ર એક વજનદાર ડૂસકું વછૂટીને રહી ગયું. દર્પણ પાસેથી તે ખસી ગઈ. કપડાં પાછાં શરીર પર ચઢાવી દીધાં, પાંદડા પાછળ છુપાતા એક સંકલન જેવો પેલો ડાઘ પણ….

તે પલંગમાં ઊંધ -મૂંધ પડી. સ્થળ કાળની સભાનતા ધુમ્મસ જેવી બનતી ગઈ.

બારણે ટકોરા પડ્યા. ધુમ્મસી ઓથાર વિશાખાના મન પરથી હળુ હળુ સરક્યો. ઊભા થઈ તેણે બારણું ઉઘાડ્યું. સામે નીલી અને દીપ; તેની સાથે જ તાજાં જ લગ્નના અવસરની ગુલાબી આભા…

‘આવો,’ એક શબ્દથી વિશાખાએ બન્નેને ઓરડામાં લીધાં.

‘અમે તમને શોધતા હતાં, છેવટે તમે અહીં મળ્યાં.’ નીલીએ હસીને કહ્યું.

‘હું મારા ખંડમાં જ હોઉં ને?’ વિશાખાએ કંઠમાં શક્ય એટલી સ્વાભાવિકતા સાચવી.

‘મોટીબહેન, અમે તમારાં આશીર્વાદ માટે…’ લજ્જાના ભારથી નીલી પૂરું ન બોલી શકી.

‘હા, વિશાખાબહેન ! તમારી શુભેચ્છાઓ અમારી સાથે હોવી જ -‘ દીપના અવાજમાં ઠાવકાઈ હતી કે ઔપચારિકતા?

બંન્ને નીચે નમ્યાં.

વિશાખાએ બંન્નેને બાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. હાથ દીપના પૌરુષી ખભાને સ્પર્શ્યો – અજાણી લાગણી પણછની જેમ તેનાં રોમેરોમમાં ખેંચાઈ આવી. પેલી ક્ષણ તરફ આંખો મીંચી દઈ શકાઈ હોત તો અત્યારે દીપ સામે નહિ, સાથે હોત તે…

‘ઑલ ધ બેસ્ટ… ઑફ બોથ ધ વલ્ડ્રર્ઝ….’ અવા જ કશાક શબ્દોને લગભગ શ્વાસોચ્છવાસની જેમ વહાવી ગઈ. નીલી તેની છાતી સરસી આવી ગઈ. દીપ વેગળો ખસી ગયો. ખંડમાં નિઃશબ્દતા મૃત્યુશય્યા પરના શ્વાસની જેમ ઘૂંટાતી હતી. ન સહી શક્યો એ દીપ- બહાર નીકળી ગયો. વિશાખા અને નીલી એકમેકની સામે જોઈ રહ્યાં. ચારેય આંખો ભીનાશનું બીજું નામ બની ગઈ હતી. અશબ્દ રહી વિશાખાએ નીલીને પલંગ પર બેસાડી, પઇ પોતાની આંગળીએથી વીંટી ઉતારી તેની આંગળીમાં પહેરાવી દીધી. નીલી ધ્રુજી ઊઠી. વળી મૌન. પછી નીલીએ કહ્યું; ‘શી જરૂર હતી આની મોટીબહેન?’

‘આપવું જ જોઈએ. ઇટ’સ નથિંગ.’

‘તમે શું મને નથી આપ્યું?’

‘ઍબ્સોલ્યુટ્લી નથિંગ.’

‘તમે મને આખો દીપ આપી દીધો!’

‘ફરગેટ ઈટ. એ તારો છે- તારો જ છે.’

‘મને ક્ષમા કરશો?’

‘શા માટે? જા નીલુ, દીપ બહાર તારી રાહ જુએ છે.’

‘ભલે જોતો.’ નીલીએ બેપરવાહીથી કહ્યું, પછી ઉમેર્યું ; હું તમારી ગિલ્ટી છું વિશાખા બહેન !’

‘નીલુ, પ્લીઝ…’

‘ના, શાખા બહેન!’

‘જિદ ન કર નીલુ, ડાઘ મને હતો- છે – દીપ મને શા માટે પસંદ કરે? તું જ તેને લાયક છે – સંપૂર્ણપણે બૅસ્ટ ઑફ લક નીલુ ! ગૉડ બ્લૅસ’ કહી વિશાખાએ નીલીની બાથમાંથી છુટવાનો પ્રયત્ન કર્યો, પણ નીલી ચસકી નહિ.

છેવટે વિશાખાએ પૂછ્યું ; ‘તારે કંઈ કહેવું છે નીલુ?’

‘હા.’

‘સ્પીક આઉટ ધેન!’

‘બહેન, તમે જે છુપાવી ન શક્યાં, તે મેં છુપાવીને-‘

‘શું?’

‘ડાઘ!’

‘નીલુ! તું… તને?’ વિશાખાના શબ્દો રૂંધાઈ ગયા-આંસુઓના પરદા આડે.

{ અમુક રચનાઓ લેખકના જીવનમાંતો સીમાસ્તંભ રૂપ કૃતિ હોય જ છે, પરંતુ સાહિત્યની એક અખંડ પરંપરા માટે પણ તે એવો જ એક જાળવી રાખવા જેવો ખજાનો હોય છે. શ્રી ભગવતિકુમાર શર્મા આપણા આવાજ એક આદરણીય અગ્રગણ્ય રચનાકાર છે જેમની કૃતિઓ ખૂબ ઉમંગથી વંચાય છે, માણી શકાય છે. આજે પ્રસ્તુત છે તેમની એક સદાબહાર સુંદર ગદ્યકૃતિ. આ વાર્તા એક સમાજજીવન અને તેની રૂઢીઓનું પ્રતિબિંબ પાડે છે. સુંદર પ્રસંગવર્ણન, ધારદાર શરૂઆત, વાર્તાતત્વની વિશેષતા અને એવો જ સુંદર અંત આ ગદ્યકૃતિની વિશેષતા છે. }


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ડાઘ – ભગવતીકુમાર શર્મા