કાં સાહ્યબા ! – દાન વાઘેલા 4


આપણે ને આપણી બે છત હતી, કાં સાહ્યબા !
ત્રાંસી નજરે પણ મળ્યાની લત હતી, કાં સાહ્યબા !

આમ તો બહુ દૂર ન્હોતા, તો ય જોજન લાગતાં;
બેઊ બાજુ આ પીડા, અંગત હતી કાં સાહ્યબા !

રેશમી આ ઓઢણી ઉડી અને ત્યાં આવતી;
સ્પર્શમાં તો આટલી નિસ્બત હતી કાં સાહ્યબા !

આટલાં વર્ષો પછી પણ એ જ શરમાવાનું છે;
બાહ્ય-ભીતર એ જ તો રાહત હતી કાં સાહ્યબા !

દ્રશ્ય ઝરમરતાં લઈ ટેકો થથરતો ‘દાન’માં;
પણ અષાઢી વાત ગીરોખત હતી કાં સાહ્યબા !

બે પ્રણયભીના હૈયાઓ વચ્ચેની ઉત્કટતા, એમની સાહજીક નિકટતા અને છતાંય અણગમતી દૂરી વચ્ચેના મનોભાવનું તાદશ્ય અને સચોટ આલેખન એટલે શ્રી દાન વાઘેલાની આ સુંદર ગઝલ, ‘કાં સાહ્યબા !’. આસપાસના બે ઘરોમાં વસતા પ્રણયભીના હૈયાઓ ત્રાંસી નજરે એક બીજાનો દીદાર કરે છે, અને મળ્યાનો સંતોષ માણે છે. આવી નહીવત દૂરી પણ જાણે જોજનો દૂર હોય એવી લાગતી અને તોય એ બંને હૈયાની આ પીડા, એ બંને સિવાય બીજા કોઈને અનુભવાતી નહીં, આમ આ પ્રણયભીના હૈયાઓની અંગત અનુભૂતી હતી, છાની લાગણી હતી. પ્રિયતમાની ઓઢણીના સાધારણ સ્પર્શે પણ તેનો સ્પર્શ થયાની લાગણી અનુભવાતી. એમની જુદાઈને હવે વર્ષો વીતી ગયા છે. ચોથા શે’રમાં ગઝલકાર આજની વાત વર્ણવે છે. આટલા વર્ષો પછી જ્યારે બંને મળે છે તો પણ એ જ શરમાવાનું છે, અંદર અને બહાર એ જ હાલત અનુભવાય છે, પ્રણયની ઉત્કટતા પર સમયની કોઈ અસર થઈ નથી, કોઈ જૂના પુસ્તક પરથી જેમ ધૂળ ખરે અને રંગો સ્પષ્ટ થઈ જાય તેમ પ્રણયના રંગો તાજા જ રહ્યાં છે. જે ઝરમરતાં વરસાદમાં પ્રણયથી ભીંજાવાનો અનુભવ તેમણે લીધો હતો, તે દ્રશ્યોના સહારે આજે ઘડપણમાં જીવન વ્યતીત થઈ રહ્યું છે. અને એ અષાઢી રાત તેમના જીવનનું ગીરવે મૂકેલું સત્ય છે.

પ્રણયના ભીના રંગે રંગાયેલી આ સુંદર ગઝલ બે ઉત્કટ પ્રેમી હૈયાઓની વાત ખૂબ સુંદર અંદાઝમાં રજૂ કરે છે. જવાનીના દિવસોમાં અનુભવાયેલી ઉત્કટતા, વૃદ્ધત્વનો સહારો બની રહે છે, અને એ અગમ્ય ખેંચાણ, એ હા અને ના વચ્ચેનું નાનકડું અંતર, અને એ મિલન પછીની જુદાઈ, આ બધાંજ અનુભવોનો એક સુંદર પ્રાદુર્ભાવ એટલે શ્રી દાન વાઘેલાની આ ગઝલ. અને આ સુંદર ગઝલના દરેકે દરેક શે’ર બેનમૂન છે, “કાં સાહ્યબા !” આ રચના અક્ષરનાદને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ શ્રી દાન વાઘેલાનો ખૂબ ખૂબ આભાર.


Leave a Reply to Kirti AcharyaCancel reply

4 thoughts on “કાં સાહ્યબા ! – દાન વાઘેલા