ઢાળી દે છે – પ્રવિણ શાહ 12


છંદ- ગાગાગાગા ગાગાગાગા

બીબા ઢાળે ઢાળી દે છે,
પગલું એનું બાંધી દે છે.

ઊડવા આખું અંબર આપી,
ઊડવું એનું કાપી દે છે.

મસ્તી ને ભરતી દૈ એને,
પાણી પાછું વાળી દે છે.

પા પા પગલી માંડે ત્યાં તો,
પીઠે દફ્તર લાદી દે છે.

સપનું એનું સપનું રહે છે,
આંખોથી છલકાવી દે છે.

પ્રવિણ શાહ

અક્ષરનાદના વાંચકમિત્ર શ્રી પ્રવીણભાઈ શાહ વડોદરા રહે છે અને પદ્ય રચનાઓ તેમનો પ્રિય વિષય રહ્યો છે. પ્રસ્તુત રચનામાં તેઓ એક વિદ્યાર્થીની વેદના અને તેના ભવિષ્ય વિશેની આપણી જડ મનોવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરતા જણાય છે. ડોક્ટર, ઈન્જીનીયર વગેરે ઢાળોમાં, બીબાઓમાં તેને ઢાળવાનો પ્રયત્ન તેના પ્રથમ ડગલાથી જ શરૂ થઈ જાય છે. તેની વિકસવાની શક્યતાઓ પર કાતર ફેરવી દેવામાં આવે છે, તેની ક્ષિતિજ ખૂબ સંકુચિત થઈ જાય છે. અને તેના સપનાઓ સપના રહે છે અને તે બીજાઓના સ્વપ્ન માટે, તેમની આકાંક્ષાઓ માટે મંડ્યો રહે છે. ચીલાચાલુ વિષયથી સહેજ હટીને એક સચોટ વાત કહેતો આ ગઝલરચના નો પ્રયત્ન ખૂબ જ સુંદર છે. પ્રવીણભાઈને એ માટે ખૂબ શુભેચ્છાઓ.


12 thoughts on “ઢાળી દે છે – પ્રવિણ શાહ

Comments are closed.