( દિકરીઓ વિશે ) સમાજને એક પત્ર – કવિત પંડ્યા 4


પ્રિય સમાજ,

તને વંદન,

ઘણાં સમયથી મારે તને પત્ર લખવાનો રહી જતો હતો, પણ આજે અવસર મળ્યો તો લખી શક્યો, એ જે મારે તને કહેવું હતું.

નારીસ્વાતંત્ર્ય એ માનવસ્વાતંત્ર્ય માટેની લડત છે અને માનવ સ્વાતંત્ર્ય, નારી સ્વાતંત્ર્ય વગર અશક્ય છે. આજે સમાજમાં સ્ત્રીનું સ્વાતંત્ર્ય વિકસે અને તેમની ગરિમા અને ગૌરવ વધે એ માટે સમગ્ર દેશ પ્રયાસ કરી રહ્યો છે ત્યારે આજના આ પત્રનું આયોજન સ્ત્રીઉત્થાન માટે કેટલું મહત્વનું બની રહેશે એ શું તું વિચારી શકે છે?

આપણી ભારતીય સંસ્કૃતિમાં માતાનું આગવું સ્થાન છે. ‘નારી સૃષ્ટિની જનની છે’ ‘નારી શક્તિ અનન્ય છે – અજોડ છે’ ‘નારી તું નારાયણી’ – એમ કહી પરાપૂર્વથી આપણે ત્યાં સ્ત્રીનું ગૌરવ કરવામાં આવ્યું છે. પણ વિકાસ અને પરિવર્તનની એકવીસમી સદીમાં આજે “ઔરત તેરી યહી કહાની, પેટમેં ભૂખ ઔર આંખોમેં પાની” જેવી સ્થિતિ કેમ ? એવો સ્ત્રીજાતિનો અસ્તિત્વગત સળગતો પ્રશ્ન આપણને દસ્તક દઈ રહ્યો છે. આગવી સાંસ્કૃતિક પરંપરાઓ, રીતરિવાજો, માન્યતાઓ અને મૂલ્યો ધરાવતાં તારા આ પુરૂષપ્રધાન સમાજમાં કુટુંબજીવનની મહત્વની ધરી સમાન નારીની સલામતી, ઉત્તરોતર ચિંતાનો વિષય બની ગઈ છે ત્યારે મારા પ્રિય સમાજ, આજે આપણી વેદકાલીન સમાજવ્યવસ્થા મને યાદ આવે છે. ત્યારે પણ સ્ત્રીઓના જન્મને આવકાર તો ન્હોતો જ ….! પણ તેમ છતાં શિક્ષણ, ધર્મ, જાહેરજીવન, ગૃહસ્થ જીવન, લગ્નજીવન વગેરેમાં સ્ત્રીઓ ઉંચો દરજ્જો ભોગવતી હતી. વેદોમાં તો નારી ગૌરવનું ઘણા પ્રકારનું વર્ણન જોવા મળે છે. ‘ગૃહિણી જ ઘર છે’ (ઋગ્વેદ), ‘સુધીલ પત્ની ગૃહલક્ષ્મી છે’ (ઋગ્વેદ), ‘નારી કુટુંબની પાલક છે’ (અથર્વવેદ), ‘નારી કુટુંબની પાલનહાર છે’ (યજુર્વેદ), ‘સ્ત્રી અબળા નહીં સબળા છે’ (અથર્વવેદ) આવા અનેક વર્ણનો દ્વારા ઋષિમુનિઓએ નારીનું સન્માન કર્યું છે. ચાણક્યએ તો ‘માતા મનુષ્યજીવનનું ગંગાજળ છે.’ એમ કહીને સ્ત્રીની મહત્તા ક્યાં નથી આંકી..! ‘સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે.’ એમ કહેનાર મનુએ તો ‘મનુસ્મૃતિ’ માં

ઉપાધ્યાન્દશાચાર્ય આચાર્યાણાં રાજં પિતા
સહસ્ત્ર્ં તુ પિતૃન્માતા ગૌરવેણાં તિરિચ્યતે.

(ઉપાધ્યાય આચાર્યથી દસગણાં, આચાર્યથી પિતા સો ગણાં અને પિતાથી માતા હજારગણી પૂજ્ય છે.)

– એમ કહી માતા પ્રત્યે પૂજ્યભાવ વ્યક્ત કર્યો છે. અરે, એટલું જ નહીં, ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ’ એમ કહીને મનુએ સ્ત્રીને સમાજમાં ઊંચામાં ઊંચુ સ્થાન આપ્યું છે તે તું ક્યાં નથી જાણતો, પણ અઢારમી સદીના અંતથી આ બધાં ખ્યાલો ધીમે ધીમે બદલાતાં ગયાં. સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ અને અસમાન વ્યવહાર શરૂ થઈ ગયાં. પરિણામે માણસે બાળકીને દૂધપીતી કરવી, સતીપ્રથા, વિધવા પુનર્વિવાહ પર પ્રતિબંધથી છેક સ્ત્રી ભૃણ હત્યા જેવાં જઘન્ય દુષ્કૃત્યો કરતાં પણ સહેજે ખચકાટ ન અનુભવ્યો. માનવતાની આ ક્રુરતા તો જો …! પહેલાના સમયમાં તો તેં બાળકીને જન્મવાંય દીધી, ‘ઊંવાં, ઊંવાં’ નો અવાજ પણ કરવા દીધો, પણ આજે તો બાળકી પાસેથી તેં એ હક પણ છીનવી લીધો છે. દીકરીઓને ગર્ભનાં અંધકારમાં જ ગૂંગળાવીને મારી નાખવાનું ક્રૂર કૃત્ય તે આદર્યું છે, જે એકવીસમી સદીના સમાજની સૌથી મોટી કમનસીબી છે. એટલે દેખીતી રીતે તને સ્ત્રીનાં સામાજિક સ્થાનમાં ભલે પરિવર્તન લાગે, પરંતુ વાસ્તવિકતા આ છે … ! આજના આધુનિકીકરણની સાથે સાથે સ્ત્રીનું, સ્ત્રીની જિંદગીનું વધુ ને વધુ અવમૂલ્યન થતું જાય છે. પરાપૂર્વથી સીતમો અને શોષણોનો ભોગ બનતી, બંધનયુક્ત જીવન જીવતી આ સ્ત્રી આજે દ્વિતિય કક્ષાનું નાગરિકત્વ ભોગવતી થઈ ગઈ. તે માટે આપણી રૂઢીગત પરંપરાઓ સિવાય કોને જવાબદાર ગણાવી શકાય? આજે પણ આ પરંપરાઓએ સ્ત્રીઓના માર્ગમાં અવરોધક બનવાનું છોડ્યું નથી. જેથી આજે પણ સ્ત્રીઓએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલે મારા પ્રિય સમાજ, મારે તને એટલું જ કહેવું છે કે તારા દરબારમાં સ્વતંત્રતા બાદ સૈદ્ધાંતિક રીતે સ્ત્રી – પુરૂષ સમાનતાને સ્થાન મળ્યું છે ખરું, પણ માત્ર મળવા ખાતર. વાસ્તવિક ચહેરો તો સાવ નોખો છે. કેટકેટલા મહાપુરૂષોએ સ્ત્રીઓને આ સ્થિતિમાંથી બહાર લાવવાનાં પ્રયત્ન કર્યાં છે, કેટકેટલી સંસ્થાઓ આજે પણ પ્રયત્નો કરી રહી છે, પણ તારા દરબારમાં બધું જ વ્યર્થ. વિજ્ઞાનની આજની હરણફાળમાં તેં ભલે બધાં ક્ષેત્રોમાં પ્રગતિ કરી હોય પણ સ્ત્રીને પુરૂષ સમાન ગણવામાં આવતી નથી, એ માટે તારી પ્રવર્તમાન માનસિકતા સિવાય બીજું કોણ જવાબદાર હોઈ શકે? ‘દિકરો કુળનો દીપક, ઘડપણની લાકડી અને દીકરી પારકી થાપણ કે સાપનો ભારો’ – આવી વિકૃત અને અસંતુલિત માન્યતા ધરાવતાં મારા કહેવાતા ડાહ્યા સમાજ, તુ કેમ ભૂલી ગયો કે સ્ત્રી અને પુરૂષ બંને જીવનરથના બે ચક્રો છે, એના વિના ગતિ સંભવી જ કેમ શકે?

હે સમાજ, આવી અસમાનતા શા માટે? આવા ભેદભાવ શા માટે? આ તારી પુત્રઘેલછા? તારી પુત્રેષણાને સંતોષવા આમને આમ માંના ગર્ભમાંથી દીકરીઓને હણતો રહીશ અને દીકરાઓને જીવાડતો રહીશ તો અંતે શુ થશે? વિચાર્યું છે ખરું? સ્ત્રીઓનો દુકાળ નહીં પડે? સમાજ વ્યવસ્થા ભાંગી નહી પડે? તારી પુત્રલાલસા અને પુત્રીઉપેક્ષાની માનસિકતા આમજ ચાલુ રહેશે અને પુત્રી પ્રત્યે ઓરમાયુ વર્તન થતું રહેશે તો વિકટ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેજે. જો વિકટ પરિસ્થિતિઓ ન આવવા દેવી હોય તો પહેલેથી ચેતી જા! સ્ત્રી પુરૂષની સમાનતાનો સ્વીકાર કર. ભૂલી ન જા કે સ્ત્રી પુરૂષમાં લિંગભેદ કુદરતી છે, નૈસર્ગિક છે, પણ સામાજીક જાતિભેદ તો તેં ઉભો કર્યો છે. તારી પુત્રીઓને ભણાવ, એને શિક્ષણ આપ, એને સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક મૂલ્યોનું જ્ઞાન આપ, અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, રૂઢિચુસ્તતા, પરાવલંબીપણાંમાંથી મુક્ત કર. ભૂલી ન જા કે શિક્ષણ એ સામાજિક જાગૃતિ, માનસિક વિકાસ અને આર્થિક સ્વાવલંબન લાવે છે. જીવનલક્ષી અને જરૂરીયાતલક્ષી શિક્ષણ આપીને એને સામર્થ્યવાન બનાવ. તેને વિકાસની નવી તકો આપ, પણ સમાન તક, રાજકારણ, અર્થકારણ, જાહેરજીવન, કુટુંબ, લગ્ન એમ તમામ ક્ષેત્રે એનું સન્માન અને ગૌરવ જળવાય એ તારી ફરજ છે.

તાળી હંમેશા બે હાથે જ પડે છે. સ્ત્રી પુરૂષ તારા બે હાથ છે એ ભૂલતો નહીં. દહેજ આપવાનું બંધ કર, દહેજ ખાતર સ્ત્રીઓને સળગાવી દેવી એ તો તારી કેવી ક્રૂરતા? સ્ત્રીઓનું શારિરીક શોષણ તારા દરબારમાં તો ન જ થવું જોઈએ, યૌન શોષણ ખતમ કર, ને ભાઈ, તારાં રાક્ષસી કૃત્ય એવી ભ્રૂણહત્યાથી તો તોબા. સ્ત્રીભ્રૂણ હત્યા જેવું ઘૃણાસ્પદ કૃત્ય કરનારાં – તને ધિક્કાર છે. આવું પાપ તારાથી થઈ જ કેમ શકે? આજ સુધી બાળકીને દૂધપીતી કરતો રહ્યો, પતિના મૃત્યુ પાછળ ચિતા પર ચડાવતો રહ્યો, તેમ છતાં કોઈએ તારી સામે અવાજ પણ ઉઠાવ્યો નહીં. જેણે અવાજ ઊઠાવ્યો એ મહાપુરૂષોનું તો તેં કદી સાંભળ્યું નહીં. આજે તો બાળકીનો જન્મવાનો અધિકાર પણ છીનવી લીધો. ગર્ભમાં તેને ખતમ કરવાનું હીચકારું કૃત્ય કરતાં પણ હે સમાજ, તું ખચકાતો નથી. કોઈનો જીવ લેવાનો અધિકાર તને કોણે આપ્યો? ગર્ભમાં રહેલી સંતાનની જાતિ જાણવાની ઉત્કંઠા તને ક્યાંથી જાગી? વિજ્ઞાનનો આવો ઘોર દુરૂપયોગ? તું એક વાત સમજી લે, ભ્રૂણહત્યા એ ઘાતકી કૃત્ય છે, અમાનવીય છે, સમગ્ર માનવજાત માટે કલંક છે. પુત્રની પ્રતિકૃતિ સમાન પુત્રી સાથે આવો ક્રૂર વ્યવહાર કરતાં તને કેમ સહેજ પણ સંકોચ ક્ષોભ કે હિચકીચાટ નથી થતો? વ્હાલના દરિયા સમાન દીકરીના જીવનને ગર્ભમાં ટ્ંપો આપનાર સમાજ, જો આ હીનપ્રવૃત્તિ બંધ નહીં કરે તો પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે એ સમજી લેજે. ગર્ભસ્થ બાળકીની જીંદગી તારી નૈતિક જવાબદારી છે. જવાબદારી સમજ…. વહેલામાં વહેલી તકે આ પાપમાંથી મુક્ત થા અને દેશની પ્રગતિ અને વિકાસ માટે તારું ઉત્તરદાયિત્વ નિભાવવા તું પ્રતિબદ્ધ થા. તું તો સમજુ છો, સુસંસ્કૃત છો, તને તારી જવાબદારીનું ભાન કરાવનાર હું કોણ? તને કહેવાનું સામર્થ્ય મારામાં નથી, પણ તું તો સમાજ છે, તારા માટે શું અશક્ય છે?

બીજુ તો હું શું કહું? બસ આટલું જ …

તારો શુભચિંતક

– કવિત પંડ્યા.

શ્રી કવિત પંડ્યા વ્યવસાયે ભાવનગરની શ્રી એન સી ગાંધી મહિલા કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક છે. આ સિવાય તેઓ નાટકનો જીવ છે, પાંચ નાટકોમાં અભિનય, પંદરથી વધુ નાટકોનું દિગ્દર્શન તેઓ કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ માટે તેઓ નાટ્યતાલીમ વર્ગો ચલાવે છે.

પ્રસ્તુત કૃતિ દિકરીઓ વિશે સમાજને એક ખુલ્લો પત્ર છે, અહીં સ્ત્રીઓને લગતાં પ્રશ્નો વિશે તેમની ચિંતા સ્પષ્ટપણે ઝળકે છે, ખાસ કરીને તેઓ સમાજને સ્ત્રીભ્રૂણ હત્યા અને તેમને મળતા અસમાન અધિકારો અને તેમના સામાજિક દરજ્જાની સમાનતા વિશેની ચિંતાઓ સમાજને ઉદ્દેશીને લખે છે. વિકાસ અને પરિવર્તનની સદીમાં આજે સ્ત્રીજાતિનો અસ્તિત્વગત સળગતો પ્રશ્ન આપણને દસ્તક દઈ રહ્યો છે. આગવી સાંસ્કૃતિક પરંપરાઓ, રીતરિવાજો, માન્યતાઓ અને મૂલ્યો ધરાવતાં તારા આ પુરૂષપ્રધાન સમાજમાં કુટુંબજીવનની મહત્વની ધરી સમાન નારીની સલામતી, ઉત્તરોતર ચિંતાનો વિષય બની ગઈ છે. તેઓ આ પત્ર મારફત સમાજને આ વિષય પરત્વે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા કટીબદ્ધ થવાની વાત કરે છે. શ્રી કવિત પંડ્યાની કલમે આપણને આવી સુંદર વધુ કૃતિઓ મળતી રહે તેવી શુભકામનાઓ સાથે ખૂબ ધન્યવાદ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “( દિકરીઓ વિશે ) સમાજને એક પત્ર – કવિત પંડ્યા