હીરાના વેપારીને – દુલા ભાયા કાગ 3


Dula Bhaya Kaagવીરા! તારે હીરાનો વેપાર જી …
હીરાનો વેપાર તું ઝવેરાતનો જાણકાર જી.

કંઈક મફતિયા ફરે બજારે, બેસશે રોકી બાર જી
મોઢું જોઈને ખોલજે, તારી તિજોરીના દ્વાર

મૂડી વિનાના માનવી સાથે, કરીશ મા વેપાર જી
નફો ન મળશે, ઘરનું ટળશે, હાંસલમાં તકરાર

આંગણે તારે કોઈ ન આવે, હીરાનો લેનાર જી
(પણ) શેરી ઝવેરીની છાંડી ન જાને બકાલી ને બજાર

ફાંટ બાંધી એની ફેરી ન દેજે, દલાલોને દ્વાર જી
વેચવા ગ્યા એ પંડે વેચાણાં, જગતને બજાર જી

હૈડા કેરી હાટડી ખોલી, બેસી રે તારે બાર જી
‘કાગ’ ઝવેરી કોઈ મળી જાશે, તારો બેડો થાશે પાર

– દુલા ભાયા કાગ

ભગતબાપુ અહીં હીરાના વેપારીનું ઉદાહરણ લઈને ખૂબ મર્મસભર વાણીમાં સમજાવે છે કે હૈયાની હાટડીએ જ્યારે તમને ઓળખનાર ઝવેરી મળી જશે ત્યારે તમારો બેડો પાર થશે, પરંતુ ત્યાં સુધી કઈ કઈ વાતોથી, લોકોથી તેણે સાવચેત રહેવાનું છે એ અહીં તેમણે સમજાવ્યું છે.

પદ્મશી કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગ, ‘ભગતબાપુ’ ની તેંત્રીસમી પુણ્યતિથિ કાગધામ, મજાદર, જી. ભાવનગર ખાતે ગત. તા. ૧૮-૦૨-૨૦૧૦ ના રોજ ઉજવાઈ ગઈ. સંત શ્રી મોરારીબાપુના સાનિધ્યમાં અને શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી, કવિશ્રી દાદ અને શ્રી લખુભાઈ લીલાની ઉપસ્થિતિમાં  કાગબાપુનું જીવનદર્શન અને કાગવાણીના ભક્તિ શૌર્ય સભર કાવ્યોને યાદ કરી પૂજ્ય ભગતબાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુ દ્વારા સ્વ. શ્રી ગગુભાઈ લીલા, શ્રી મહેશદાન મીસણ, શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી દોલત ભટ્ટને કાગબાપુ લોક સાહિત્ય એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગની આમંત્રણ પત્રિકાના એક પાને છપાયેલી રચના અહીં લીધી છે.


Leave a Reply to sajan gadhvi Cancel reply

3 thoughts on “હીરાના વેપારીને – દુલા ભાયા કાગ