તમે ટહૂક્યાં ને….. – ભીખુ કપોડિયા 4


તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું ….
ટહૂકારે એક એક ફૂટી પાંખોને હવે,
આખું ગગન મારે ઝોલે ચડ્યું…

લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ,
જેમ ઊજળી કો સારસની જોડ
પાંખોનો હેલાર લઈ પાંપણિયે ઉર મારું,
વાંસળીને જોડ માંડે હોડ…
તરસ્યા હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું…

મોરનાં તે પીંછામાં વગડાની આંખ લઈ,
નીરખું નીરખું ન કોઈ ક્યાંય
એવી વનરાઈ હવે ફાલી
સોનલ ક્યાંય તડકાની લ્હાય નહીં ઝાંય
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં..ય
વન આખું રે લીલેરા બોલે મઢ્યું…

– ભીખુ કપોડિયા

શ્રી કૃષ્ણની વાંસળીના સૂર વહેતા થયા અને જાણે આખુંય આકાશ તેના સૂરમાં ગુલતાન થઈને ઝોલે ચઢ્યું એમ વર્ણવતું આ સુંદર ભાવગીત એક ગોપીની મનોભાવના પર આધારીત છે. લીલી કુંજમાંથી સારસની જોડ જેવા વેણ વહે અને આંખો કા’નને જોવા અધીર થઈ રહે છે. ઝરણાંને જોઈને જેમ તરસ્યું હરણું દોટ મૂકે તેમ વાંસળીના સૂર સાંભળી કૃષ્ણને જોવા મન દોટ મૂકે છે એમ ગોપીના મનોભાવ કહે છે. મોરના પીંછાની મધ્યે આલેખાયેલા ર્ંગોને આંખ તરીકે કલ્પીને કવિએ કમાલ કરી છે. તેઓ કહે છે કે એ આંખે આખુંય વન નીરખ્યા કરવાનું મન થાય છે. આમ કૃષ્ણની વાંસળીના એક જ ટહુકારે આખુંય આભ પણ પ્રેમભર્યા મનને ઉડવા માટે ઓછું પડે છે. “શાંત તોમાર છંદ” માંથી સાભાર લેવાયેલું આ ભાવગીત ખૂબ ઉર્મિસભર અને પ્રેમભર્યું છે.


4 thoughts on “તમે ટહૂક્યાં ને….. – ભીખુ કપોડિયા

 • YOGESH CHUDGAR

  ભીખુભાઈને રજુ કરીને કૃષ્ણને માણવાની તક આપવા માટે આભાર.
  કૃષ્ણની વાંસળીને મન મૂકીને વહેતી કરવા છતાં આખા આ ગીતમાં
  ક્યાંય કૃષ્ણનું નામ નહિં લખવા ની હિંમત તો ભીખુભઈ જ કરી શકે.

  ભીખુભાઈ ધન્યવાદ.

  યોગેશ ચુડગર.

 • himanshu patel

  મારો મિત્ર અને મારો કવિ, બહુ જૂની યાદો ફ્લોરા ફાઊન્ટન અને બેંન્ક ઓફ ઈન્ડિયામાં અને બહાર ચાની દુકાનોમાં રહી ગઈ,આભાર ભીખુભઈને રજૂ કરવા બદલ.

Comments are closed.