અંધકાર – હરિન્દ્ર દવે 3


અંધકાર ગરવાનો રૂખડો બાવો,
કે અંધકાર વાંસવને વાયરાનો પાવો.

અંધકાર ગરબામાં જોગણીના ઠેકા,
કે અંધકાર ડુંગરામાં મોરલાની કેકા.

અંધકાર મેલડીના થાનકનો દીવો,
કે અંધકાર આંખડીની પ્યાલીથી પીતો.

અંધકાર સૂતો સૂરજની સોડે,
કે અંધકાર જાગ્યો ઉજાગરાની જોડે

અંધકાર પાટીમાં ચીતરેલ મીંડુ,
કે અંધકાર સોનાના ખેતરમાં છીંડુ.

અંધકાર વ્હેલા પરોઢિયાનું શમણું,
કે અંધકાર નમતું તારોડિયું ઊગમણું.

અંધકાર જોગીની ધુણીની રખિયા,
કે અંધકાર પાણીના પો પરે બખિયાં.

અંધકાર બાળકને હાથ ફરે ગરિયો,
કે અંધકાર દાદાની વાર્તાનો દરિયો.

– હરિન્દ્ર દવે.

શ્રી હરિન્દ્ર દવે આપણી ભાષાના રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમણે કેટલીક ખૂબ સુંદર અને મરમી રચનાઓ ગુજરાતી સાહિત્યજગતને આપી છે. અંધકાર વિશેની આ રચના પણ એવીજ એક ખૂબ સુંદર કૃતિ છે. અંધકારને વિવિધ સ્વરૂપોમાં, વિવિધ સમયોના દર્પણમાં, અનેકવિધ કલ્પનાઓ રૂપે તેમણે આભાસ આપ્યો છે. અને છેલ્લે અંધકારને દાદાની વાર્તામાં આવતા દરિયા તરીકે કલ્પીને તેમણે કમાલ કરી દીધી છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “અંધકાર – હરિન્દ્ર દવે