હોસ્ટેલનો ટેલીફોન – જીજ્ઞેશ અધ્યારૂ 12


{ અમારી હોસ્ટેલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક નાનકડી ગોખલા જેવી જગ્યામાં એક ટેલીફોન રહેતો. એ ટેલીફોન પણ અન્ય વસ્તુઓની જેમ એક જડ પદાર્થ જ હતો, પણ તેનું મહત્વ અન્ય વસ્તુઓથી થોડુંક વધારે હતું, કારણકે એક નિર્જીવ પદાર્થ બે સજીવોને સાંકળતો, તેમના મનોભાવો, લાગણીઓ એક બીજા સુધી પહોંચાડતો, અને પ્રેમીઓ માટે તો એ એક આશિર્વાદ હતો, જો કે એ ફોન પર કલાકો ચોંટી રહેનાર બીજા માટે તો એ ચોંટડુકને મનમાં ગાળો આપ્યા સિવાય કોઈ ઉપાય ન રહેતો. આવી જ એ ફોન વિશેની ઘણી ખાટી મીઠી યાદો અને વિચારો અત્રે પ્રસ્તુત કર્યા છે. }

બાબા આદમના જમાનામાં જેને લેટેસ્ટ કહેવાતો હશે તેવા, ફક્ત રીસીવર જ બહાર આવી તમારી જોરથી બોલવાની અને ધીમું સાંભળવાની ક્ષમતાની કસોટી લે તેવો, ઠેર ઠેર સેલોટેપના વસ્ત્રોમાં વીંટળાયેલો એ “ટેલીફોન” (જેનું નવું નામ હવે ડબ્બો છે) જ્યારે જ્યારે રણકે છે ત્યારે તેને સન્માનથી જોનારા, તેના રીસીવરને હળવેથી ઉપાડી પોતાના કર્ણપટલ પર ધરી અને “હલો” નો ટહુકો કરનારા કોઈ બચ્યા નથી. કારણકે એ ફોન છે અમારી યુવાન છોકરાઓની હોસ્ટેલના મુખ્ય દરવાજા પાસે લાકડાના પિંજરામાં કેદ ટેલીફોન.

તેના ભવ્ય ભૂતકાળ અને અદભુત દોરદમામની શી વાત કરવી? કોઈ રાજા રજવાડાને પણ આંટી મારે એવી તેની સરભરા થતી. અમારા છાત્રાવાસના એન્જીનીયરીંગ ભણતા ૩૦૦ થી વધુ વિદ્યાર્થી રહેવાસીઓ વચ્ચે એ ફક્ત એક જ લાડકો ફોન. વાત એ જમાનાની છે જ્યારે મોબાઈલ કોઈક પાગલના મનના તરંગી વિચાર જેવી વસ્તુ હતી અને ટેલીફોન એક મહાન, સાક્ષાત્કારી અને સગવડની પરાકાષ્ઠા રૂપ વસ્તુ ગણવામાં આવતી. જ્યારે હોસ્ટેલના દરવાજા પાસે તેને નવા નક્કોર ટેબલ પર મૂકવામાં આવ્યો તે દિવસે બધા વિદ્યાર્થીઓએ ફાળો ભેગો કરી પેંડા વહેંચેલા, માતા પિતાને પોસ્ટકાર્ડ લખી હોસ્ટેલના ફોન નંબર મોકલ્યા અને પોસ્ટઓફીસથી તેમને ફોન કરવાનું કહેલું. ફોન દ્વારા વાત કરનારો પોતાની જાતને ઉંચી ગણતો, ગર્વથી તેની ડોક અધ્ધર થઈ જતી. જેને કોઈ ફોન ન કરતું એ નીચું જોઈ એ ટેલીફોન પાસેથી પસાર થઈ જતા. છાત્રાવાસનો એ પટાવાળો જે બીજુ કાંઈ સાફ ન કરતો, તે ફોનને દર કલાકે સાફ કરી, ચમકતો રાખતો. જો કે પહેલા જ મહીને બધાંએ ફોન કરી કરીને એટલું બધું બિલ લાવી દીધું કે વોર્ડનને ફરજીયાત તેને એકમાર્ગી કરવાની ફરજ પડી. હવે તે સત્તત રણકવાનો જ હતો, અંકો રૂપી અવયવો ઉપર ફરતા ચકરડાને ફેરવવાથી કણસવાનો નહોતો, કારણકે તેની ક્ષમતા હવે ફક્ત જવાબ આપવાની જ રહી હતી.

ત્યારે ફોન કરવો એટલે જાણે પ્રિયતમા સમક્ષ પ્રેમનો એકરાર કરતા પહેલા જેટલી મૂંઝવણ થાય એવી લાગણી થતી, ફોન લાગે એટલે પટાવાળો ફોન ઉપાડી ખૂબ પ્રેમથી બોલે, સિધ્ધરાજ જયસિંહ હોલ… સામે વાળા કહે ચિંતન…. પણ એ પહેલા ફોનની આસપાસ પોતાનો કોલ આવવાની રાહ જોઈ રહેલા દસ બાર વિદ્યાર્થીઓમાંથી ચિંતન એ ફોનનું રીસીવર ખેંચી વાત કરવા લાગી જાય. એ ફોનની આસપાસ કાયમ ટોળટપ્પા ચાલતા રહેતા, ક્યારેક કોઈકના ઘરેથી કોઈ સારા સમાચાર આવતા, કોઈ પ્રસંગના કે શુભ કાર્યના ખુશખબર આવતા તો એ ફોન તેમની ખુશીઓમાં સૌથી સબળ પરિબળ બની સંદેશાવાહકનું ઉચ્ચતમ કાર્ય કરતો, તો જ્યારે કોઈકના ઘરેથી દુઃખદ સંદેશ આવતો તો ફોન પણ તેમની આ અસહ્ય ઘડીમાં અબોલ થઈ જતો, (ડેડ થઈ જતો). અને જાણે ઘરનું કોઈક સ્વજન મૃત્યુ પામ્યું હોય તેમ ફોન ડેડ(મૃત) થવાથી શોકની કાલિમા પથરાઈ જતી, કલબલાટ અને શોરબકોર બંધ થઈ જતો. અને જ્યારે સરકારી અધિકારી તેનું પુનઃ ગઠબંધન કરતા તો ઘરમાં નવી વહુના આવવાથી થતી ઉજવણી ની જેમ ઉત્સાહ અને ઉમંગ છવાઈ જતા.

સમય પસાર થતો રહ્યો, વપરાશકારો બદલાતા રહ્યા. નવા સંશોધનો અને શોધો થતી રહી, ફોનની મહત્તા ઘટતી રહી, પરંતુ હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે હજુ પણ સંદેશ મેળવવાનું શ્રેષ્ઠ સાધન તે જ હતું. જો કે સમયના માર અને વિદ્યાર્થીઓ બેદરકાર, એટલે ફોનને લાકડાના પિંજરામાં પૂરવો પડેલો, જેને તાળુ મારીને રખાતું. હવે ફોનની આસપાસ કોઈ રહેતું નહીં, પણ જ્યારે ફોન રણકે ત્યારે આસપાસથી પસાર થયેલા વિદ્યાર્થીઓ તેને ઉંચકી લેતા, જવાબ આપવાની ઈચ્છા થાય તો દરકાર લેતા, નહીંતો છોડી દેતા. ફોન રણક્યો, કોઈએ ઉંચક્યો અને જો સામેથી કોઈ કોમળ, યુવતિનો સ્વર સંભળાય તો વાતાવરણમાં અચાનક ચેતન પ્રસરી જતું. જે નસીબદાર વ્યક્તિનો એ ફોન હોય તેમને બૂમ પાડવામાં આવતી. “૧૦૫ સંદી……પ……” અને તેની થોડીક ક્ષણો પછી સામેથી સાક્ષાત ગંજી બરમૂડાધારી સંદીપ પ્રગટ થતો…. જો કે ચાલમાં જરાય ઉતાવળ નહીં, જાણે મોર્નિંગ વોક કરવા નીકળ્યા, પણ જ્યારે કોઈક કહે, “અરે, જલ્દી કર, કોઈક છોકરીનો છે….” તો એ ઝડપ દસ બાર ગણી થઈ જતી, ફોન પાસે આવી, પેલા આર્કિટેક્ચર વાળા મનનના હાથમાંથી ફોન છીનવી લઈ તેના તરફ તુચ્છકારથી જોઈ, ફોનમાંથી આવતા મધુર સ્વર તરફ ધ્યાન આપી, અવાજમાં ચાસણી ભેળવી “હાં, હલો…. સંદીપ બોલું છું…” બોલતો, અને સામેવાળી જે જવાબ આપતી હશે તેની કલ્પનાઓથી આસપાસવાળા, તેના તુચ્છકાર છતાં ફોન પૂરો થાય ત્યાં સુધી એક જ જગ્યા પર ધ્રૃવ વ્રત કરતા. લાંબા લાંબા, સૂકા સૂકા નિઃશ્વાસ નાખતા અને પોતપોતાના રૂમ તરફ, અલબત્ત ફોન પૂરો થયે, અને પોતાને પણ એવો જ ફોન એક દિવસ આવશે એવી આશાએ, જતા રહેતાં.

આ ફોને જાતજાતના વાર્તાલાપોને એકથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડ્યા છે. “પૈસા ખલાસ થઈ ગયા છે”, “રિઝલ્ટ આવી ગયું છે, મને ગ્રેસ (કૃપાગુણ) મળ્યા એટલે પાસ થઈ ગયો છું”, “કાલે ઘરે આવું છું.”, “ગમતું નથી, ઘર બહુ યાદ આવે છે” કે કોઈક મનભાવન સુંદરી, સ્વપ્નમૂર્તિના “હવેથી તું મને ફોન ન કરતો” જેવા કેટલાક વાર્તાલાપ કે સૂચનાઓ એ ફોન માટે રોજીંદા થઈ પડેલા.

વેલેન્ટાઈન ડે કે ફ્રેન્ડશિપ ડે જેવા દિવસોએ ફોનની માંગમાં જબ્બર ઉછાળો આવતો અને જેની વાત થઈ રહી હોય તે ક્યારે ફોન મૂકે અને પોતાનું પ્રિય પાત્ર ક્યારે ફોન કરે તેવી રાહમાં જ કલાકો વીતતા રહેતા. એ ચોવીસ કલાક ફોન શ્વાસથી પણ મોટી જરૂરત બની જતી. પ્રેમની લાગણીઓ, ઉર્મિઓ, ભાવનાઓ અને સંભાવનાઓ, એ ફોનના તારના દોરડાઓમાં અવરિત વહેતાં, ફોન જડ સ્વરૂપ છે કે ચેતન એ નક્કી કરવું મુશ્કેલ થઈ જતું. ઘણાંના જીવન એ ફોને બનાવ્યા છે, તો ઘણાંને ત્યાંજ ઉભીને રડાવ્યા પણ છે, પણ આ બધીય ઘટનાઓમાં એક નિર્લેપ, અવ્યાધિ ઋષિની જેમ ફોન વણ સ્પર્શ્યો રહેતો. પ્રેમની કેટલીય વાતો એ ફોન ક્યાંયથી ક્યાંય પહોંચાડતો રહ્યો, પ્રેમી હૈયાઓને એક બીજાની સાથે જોડતો રહ્યો, બંધનો તોડતો રહ્યો.

સમય હજી પણ પોતાની ગતિથી પસાર થતો રહ્યો, હવે લોકોના હાથમાં મોબાઈલ આવતા રહ્યા, અને તેની સાથે ફોનની મહત્તા ઘટતી રહી. કહે છે કે વાયરથી બંધાયેલો ફોન એક કુટુંબને પણ બાંધી રાખતો, અને હોસ્ટેલ એક અનોખુ કુટુંબ જ હતી. હવે મોબાઈલના આગમનથી લોકોની જરૂરતો અને લાગણીઓ પણ મોબાઈલ થઈ ગઈ. પ્રેમની વ્યાખ્યા તો એ ની એ જ રહી, પણ સમય બંધન ઘટતા રહ્યા, જન્મો જનમનાં બંધનો હવે છ થી આઠ મહીના માંડ ચાલતા, પણ ફોન હજુ પણ પોતાનું કામ કરતો રહેતો, મહેનત મજૂરી થી પોતાના પુત્રને એન્જીનીયરીંગ ભણવા મોકલનાર માતા પિતા હજુ પણ પોતાના પુત્રને, અને એના દ્વારા હકીકત પામી રહેલા પોતાના સ્વપ્નોને એ ફોનના માધ્યમથી જ મળતા. ઓછી જરૂરત છતાંય ફોન પોતાનું કામ કર્યે જ રાખતો, પણ હવે તેની ઉંમર થઈ હતી, ક્યારેક એક છેડેથી બોલાયેલા શબ્દો બીજે ન પહોંચતા તો ક્યારેક અધવચ્ચે જ તે અવસાન પામી જતો અને સરકારી કર્મચારીઓ તેને પુનર્જીવન આપતા. આમ ને આમ તેનું આખુંય શરીર સેલોટેપથી લપેટાઈ ગયું, ઘસાઈ ગયું.

હજીય વર્ષો પહેલાના વિદ્યાર્થીઓ જ્યારે આ હોસ્ટેલની મુલાકાતે આવે છે ત્યારે પોતાના ઓરડા અને અન્ય વસ્તુઓની સાથે આ ફોનને અચૂક યાદ કરે છે. પોતાની પ્રેમીકાની સાથે થયેલી એ મીઠી પ્રેમાળ અને સુંદર વાતોને યાદ કરી એ સુંદર દિવસોમાં લટાર મારી આવે છે. જો કે નવા વિદ્યાર્થીઓ માટે આ ફોનની કિંમત ખૂણામાં ખખડતા ડબ્બાથી વધુ કાંઈ નથી. પણ તેમને શું ખબર આ ફોન શું ફોન હતો !!!


12 thoughts on “હોસ્ટેલનો ટેલીફોન – જીજ્ઞેશ અધ્યારૂ

Comments are closed.