ભારતીય કવિતાઓમાં મૃત્યુ ચિઁતન – સંકલન : જીગ્નેશ અધ્યારૂ 6


मौत तू एक कवीता है…
मुझसे एक कवीता का वादा है मिलेगी मुझको.

डूबती नब्ज़ों में जब दर्द को नींद आने लगे,
ज़र्द सा चेहरा लिए चाँद उफ़क तक पहुंचे,
दिन अभी पानी में हो रात किनारे के करीब,
न अभी अंधेरा हो न उजाला हो…
न रात न दिन…

जिस्म जब खत्म हो और रूह को साँस आए
मुझसे एक कवीता का वादा है मिलेगी मुझको

મૃત્યુ વિશેની કવિતાઓ અને એ વિશેનું ચિંતન આપણા સાહિત્યમાં અઢળક જોવા મળે છે. મૃત્યુ એ દૈહિક રીતે મર્ત્યાવસ્થા છે, સર્જકો મૃત્યુને જીવનની સફરનો કિનારો, છેડો કે અંત તરીકે નિરૂપતા આવ્યા છે, પરંતુ આ સર્વમાન્ય સ્વરૂપો સિવાય પણ ભારતીય સાહિત્યમાં મૃત્યુ વિશેનું ચિંતન ખૂબ સુંદર અને ભિન્ન સ્વરૂપોમાં જોવા મળે છે. હિન્દી ચલચિત્ર ‘આનંદ’ ની ઉપરોક્ત કવિતા ખૂબ પ્રસિધ્ધ છે અને મૃત્યુ વિશેનો એક તદન અનોખો વિચાર પણ પ્રસ્તુત કરી જાય છે. મૃત્યુને એક કવિતા તરીકે નિરૂપીને કવિ કમાલ કરી જાય છે. સરખામણી થોડીક અલગ છે, પરંતુ સચોટ છે. મૃત્યુની પ્રતીક્ષા, અને આત્માને શ્વાસ લેવાની આખીય વાત અનોખી છે. તો મૃત્યુની પ્રતીક્ષાની આ જ વાત અસમિયા કવયિત્રી નલિનીમાળા દેવી તેમની પ્રતીક્ષા નામની રચનામાં વર્ણવે છે, મૃત્યુની પ્રતીક્ષા કરતા જીવન અને મૃત્યુની વચ્ચેના પ્રદેશના સુનિલ સાગરમાંથી આવતા મંદ ધ્વનિને તેઓ અનુભવે છે, તેમાંથી આવતા વિષાદ સંગીતને તેઓ અનુભવી શકે છે, તેઓ કહે છે કે,

જીવનર મરણર સીમાર માજત,
બૈ આ છે સુનીલ સાગર,
ને દેખા પારર પરા રિનિ ભાહે
જીત ઓટી વિષાદ સુરર”

ઉર્દુ કવિ નઝીર અકબરાબાદી મૃત્યુને એક ખૂબ જ ભવ્ય સવારી તરીકે જુએ છે, તેમના વિચારોમાં અન્ય બધીય દુન્યવી સવારીઓ કરતા ચાર ખભા પર શરીરે કરેલી આખરી સવારી સૌથી ભવ્ય છે, સુંદર છે… મૃત્યુને આવકારતા તેઓ કહે છે,

ક્યા ક્યા જહાંમેં અબ હૈ હમારી સવારીયાં
દિલચશ્બ દિલફરેબ હમારી સવારીયાં

કિસ કિસ તરહકી હમને સંવારી સવારીયાં
પર હમસે કુછ ન કર ગઈ યારી સવારીયાં

જબ ચાર કાંધે પર હુઈ ભારી સવારીયાં
ઝખ મારતી હી રહ ગઈ સારી સવારીયાં

હિન્દી કવિતાઓના અત્યારના કવિઓમાં ઘણાં નવા કવિઓની રચનાઓ ખૂબ ધ્યાન ખેંચે છે, મૃત્યુ વિશેની તેમની વિભાવનાઓ એક અલગ વિશ્વને રજૂ કરે છે, જસવીર અરોડાની એક નાનકડી કવિતા આ પરત્વે ધ્યાન આપવા યોગ્ય છે,

औपचारिकताओं के इस काल में
मौत भी एक सूचना रह गई है
और वो अगर दूर कहीं हो
तो अखबार और टी.वी. में

गिनती-संख्‍या ही बस।
कितने मरे , कितने दबे…….
लो एक लाश और आ गई ।

કવિ મૃત્યુની ઘટનાની લોકો માટે સામાન્ય થઈ ગયેલી, એક સમાચાર માત્ર બનીને રહી ગયેલી વિભાવનાને પ્રગટ કરતા આજના જમાનાની સચ્ચાઈ વર્ણવે છે, ક્યાં કેટલા લોકો કઈ ઘટનાથી મર્યા એ જોઈને, સાંભળીને પણ આપણે હવે ટેવાઈ ગયા છીએ. એટલા કે એ હવે બે ક્ષણ સાંભળીને ભૂલી જવા લાયક સમાચાર જ બની રહ્યા છીએ. મૃત્યુની નિરર્થકતા, શરીરના નાશની ઘટનાની સ્વીકારી લેવાયેલી સામાન્ય વૃત્તિ સહજતાથી કહેવાઈ છે, તો આવી જ એક અજ્ઞાત કવિની રચના છે…

રેલ્વેના પાટા
અને તેની પર પડેલી બે લાશ
કોને ઉપાડે, કોને તપાસે

એક માણસ અને એક જાનવર
બેય કપાઇ ગયા સંજોગોવશાત
કપાઇ ગયા અને જોડાઇ ગયાં
લોકો દૂરથી જોતા
આવતા અને જતા રહેતા

સમયનું પરિવર્તન થયું
ભૂખનું બિભત્સ નર્તન થયું
ભીડ આગળ વધી
લાશ ઉપાડવા
ભીડ માણસોની હતી
લડતી રહી
લાશ માણસની હતી
સડતી રહી…

લોકોએ માણસની લાશનું
આમ પણ શું કરવાનું હતું
કારણકે એનાથી
કોનું પેટ ભરવાનું હતું?

જીવન એ શાશ્વતાવસ્થા નથી પરંતુ ક્રમે ક્રમે ઢળતી જતી જીર્ણાવસ્થા છે, જે વસ્તુતઃ મૃત્યુનો ઢોળ જ લાગતો હોય છે. આપણા કવિ શ્રી ઉમાશંકર જોશી કહે છે,

આયુષ્ય કોણ આપી શક્યું છે …. ?
પણ પ્રેમ …. !

માનવ જીવ જો પ્રેમ જ ન કરે તો ભલેને દેહ હોય કે જીવ, છે તો એ મૃત્યુ જ. ‘પરમ સખા મૃત્યુ’ માં કાકા કાલેલકર નોંધે છે,

ગાંધીજી કહેતા કે જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સૂકાઇ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુ:ખ કે ત્રાસ ન આપતાં ખરી પડીને વૃક્ષથી અલગ થઇ જાય છે. તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગો ન રાખતાં આ જગતની વિદાય લેવી જોઇએ.

થાકેલો મજૂર વિસામો ઇચ્છે છે, દિવસભર નાચીકૂદીને ખૂબ થાકી ગયેલું બાળક ઉંઘની સોડમાં ભરાય છે. પાકેલું ફળ પોતેજ નીચે પડી જમીનમાં દટાઇ જઇને નવો પ્રવાસ શરૂ કરવા માટે વૃક્ષ – માતાનો સંબંધ છોડી દે છે તે જ પ્રમાણે માણસે પોતાંનું જીવન પૂરું કરીને તે પછી અનાસક્તભાવે તેનો ત્યાગ કરવાનું શીખવું જોઇએ. અને નવી તક માટે પરવાનારૂપ થનાર મરણનું ઉત્સાહથી સ્વાગત કરવું જોઇએ. માણસ પાસે પ્રસન્નતા હોય તો તેને જેવી ઉત્તમ રીતે ઉત્સાહપૂર્વક જીવતાં આવડે તેવી જ રીતે શાંતિ અને શોભાથી તેને જીવન પૂરું કરતાં પણ આવડતું જોઇએ. આ જ વાતને પ્રસ્તુત કરતા કવિ શ્રી ચંદુલાલ ઓઝા મૃત્યુની વ્યાપ્તતાને રોજીંદા બનાવો જેટલીજ સાહજીકતાથી બનતી ઘટનાઓને સુસંગત બતાવતા કહે છે કે,

મૃત્યુ
અખબાર છે,
વહેલી સવારે તમારા ઘરમાં ઘૂસી શકે છે.

મૃત્યુ લજ્જા વગરની લલના છે,
એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે.

મૃત્યુ
ખુદાબક્ષ મુસાફર છે,
વગર ટિકિટે મનફાવે ત્યાં જઈ શકે છે.

મૃત્યુ રીઢો ગુનેગાર છે
ગમે તે સ્ટેશને તમારી જિંદગીનો સામાન લઈને
ગમે ત્યારે ઊતરી શકે છે

શાયર બેફામ મૃત્યુ ને પણ અવસર માને છે, તદન સ્વાભાવિક પ્રસંગ જેટલુ જ મહત્વ તેઓ મૃત્યુ ને પણ આપે છે અને કહે છે,

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણ થી
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી !

મૃત્યુને આવકારતા પ્રભુને સવાલો કરતા કવિ શ્રી ચંદ્રકાંત શેઠ પૂછી લે છે…

ક્યાં છે મારૂં મૌત, ખુદાતાલા ?
ક્યારે છે મ્હારૂ મૌત ?
જરા આ બન્દા પર રહેમ કરી
કાઢી તો આપો મ્હારી કાળોત્રી
બન્દેનવાઝ ! કેમનું છે મ્હારૂં મૌત ?

મૃત્યુ વિશે અક્ષરનાદ પર આ પહેલા ઘણી વખત ચિંતન કરેલું છે, કદાચ એ એક વિષય એવો બચ્યો છે જેના માટે આપણા બધાંનો અનુભવ સરખો છે, બનવા જોગ છે કે પ્રેમ વિશે, લાગણીઓ વિશે કે અનુભૂતીઓની અભિવ્યક્તિ વિશે અનુભવો અને આવડત ઓછી વધુ હોય, પરંતુ જીવન પછીના જીવન વિશે વિચારો જ માત્ર સાધન છે, એ ઘટનાને ડરથી જોવાની બદલે અભિભૂત થઈને, આવકારીને જોવાની જરૂરત છે. આ વિષય પર અંતે મારી રચેલી થોડીક પંક્તિઓ ટાંકવાની લાલચ રોકી નથી શક્તો.

મૃત્યુ એટલે
ઝરણોનું ભળવું સાગરમાં
અને સાગરનું
વાદળ થઈ ગાગરમાં

મૃત્યુ અંત નથી,
વર્તુંળનો છેડો છે.
એ એક અનંત પ્રકાશ છે,
ઉલ્લાસનો ઉજાસ છે

કદાચ એટલે જ હવે
ચિતાનો અગ્નિ
વહાલો લાગે છે….
સોનાની અશુધ્ધિ દૂર કરતા
પાવક શુધ્ધોદક સમો….

ચિઁતન મનન આવકાર્ય છે….

સંકલન – જીગ્નેશ અધ્યારૂ

આભાર સહ સંદર્ભ

કવિલોક સામયિક નવેમ્બર ડિસેમ્બર ૧૯૯૫
લયસ્તરો
અક્ષરનાદ કૃતિ – પરમ સખા મૃત્યુ – કાકા કાલેલકર
અક્ષરનાદ કૃતિ – મુશાયરો – વિષય છે મૃત્યુ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ભારતીય કવિતાઓમાં મૃત્યુ ચિઁતન – સંકલન : જીગ્નેશ અધ્યારૂ

  • Lata Hirani

    હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ
    જગત છોડી ગયો હું, એ પછી થઇ છે જગા મારી

    અણગમતો આવાસ તજીને ચાલી નિકળો
    જીવ્યાનો આભાસ તજીને ચાલી નિકળો
    ક્યાં લગ રહેશું આ રીતે મોહતાજ હવાના
    ચાલો અહીંથી શ્વાસ તજીને ચાલી નિકળો…………..ઉમેશ ઉપાધ્યાય

    ગુસ્તાખી કરેંગે હમ જિંદગીમેં એક બાર
    આપ સબ પૈદલ ચલેંગે, હમ જનાજે પે સવાર…………ચતુરલાલ

    મૌત હી ઇંસાન કી દુશ્મન નહીં
    જિંદગી ભી જાન લેકર જાયેગી…………… જોશ મલસિયાની

    મૌત કિતની હી શાનદાર સહી
    લેકિન જિંદગી કા જવાબ નહીં……………..

    મુસીબત ઔર લમ્બી જિંદગાની
    બુઝુર્ગોં કી દુઆને માર ડાલા…………મુખ્તર ખૈરાબાદી

    ઉમરે દરાજ માંગ કે લાયે થે ચાર દિન
    દો આરઝૂ મેં કટ ગયે, દો ઇંતઝાર મેં
    દિન જિંદગી કે ખત્મ હુએ, શામ હો ગઇ
    ફૈલા કે ટાંગ સોએંગે, કૂંજે મજાર મેં…………બહાદૂરશાહ જફર

    લતા હિરાણી

  • jjugalkishor

    તમે સરસ સંકલન લઈ આવ્યા છો. કાકાસાહેબનેય યાદ કરીને ‘પરમ સખા મૃત્યુ’નો સંદર્ભ પણ મળ્યો. જોકે આ વિષયનો વ્યાપ એટલો છે કે ગમે તેટલું લખીએ તોય ઓછું પડે.

    અસમિયા રચનાનો સાર અપાયો હોત તો ઠીક રહેત. તમારા પોતાના શબ્દો તો ખૂબ ગમી ગયાઃ
    મૃત્યુ એટલે
    ઝરણોનું ભળવું સાગરમાં
    અને સાગરનું
    વાદળ થઈ ગાગરમાં…

    અભિનંદન.