ખિસકોલી – ઉમાશંકર જોશી 4


રામ બાંધે સાગરને સેતુ ખિસકોલી
જાણે લંકાનો કો પ્રલયકેતુ ખિસકોલી

કપિ પર્વત ઉપાડી લાવે કાંધે ખિસકોલી
કપિ સેતુ દિવસરાત બાંધે ખિસકોલી

એક નાની શી આમતેમ કૂદે ખિસકોલી
કાંઠો સિંધુનો આખો દી ખૂંદે ખિસકોલી

જરા વેળુમાં જઈ એ આળોટી ખિસકોલી
જઈ ખંખેરી સેતુએ રજોટી ખિસકોલી

સહુ વાનર ને રીંછ હસે જોઈ ખિસકોલી
ઘણો દરિયો પૂરવાની વાલામોઈ ખિસકોલી

જોઈ ગમ્મત ત્યાં રામ આવી જુએ ખિસકોલી
આંખે હરખનું આંસુ એક લૂએ ખિસકોલી

મારો સૌથી નાનેરો સૈનિક તું ખિસકોલી
હવે પામીશ સીતાને ખચીત હું ખિસકોલી

એમ કહીને પસવારી હાથ મીઠે ખિસકોલી
પામી પટ્ટા તે દા’ડાથી પીઠે ખિસકોલી

– ઉમાશંકર જોશી

લોક રામાયણમાં આવતા આ નાનકડા પ્રસંગ પરથી કવિશ્રી ઉમાશંકર જોશીએ આ સુંદર ગીત રચ્યું છે. નાનકડું કાર્ય પણ જો પૂરી નિષ્ઠા અને ખંતથી થાય તો સફળતા અવશ્ય મળે જ છે. ખિસકોલીની ધૂળમાં આળોટી જ્યાં વાનરો રીંછો વગેરે લંકા જવા માટે સેતુ બનાવી રહ્યા છે ત્યાં જઈ ખંખેરવાની વૃત્તિ પ્રભુકાર્યમાં યોગદાન માટેની તેની અડગ ભાવના બતાવે છે. પ્રભુ તેને પોતાનો નાનકડો સૈનિક કહે છે અને એવા નિષ્ઠાવાનને લીધે જ તેઓ સીતાને મેળવશે તેવો આત્મવિશ્વાસ પણ તેઓ પ્રગટ કરે છે. પ્રભુ ખીસકોલીની પીઠે હાથ ફેરવે છે ત્યારે તેની પીઠે પટ્ટા પડ્યા છે તેવો સુંદર ખુલાસો પણ તેઓ કરે છે. ગીતાના “ફળની ઈચ્છા વગરના કર્મની વાત અહીં ખૂબ સુંદર રીતે વણી લેવાઈ છે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

4 thoughts on “ખિસકોલી – ઉમાશંકર જોશી