માતા – બરકત વીરાણી ‘બેફામ’ 8


માં ! મેં તારી એક પણ કવિતા નથી લખી.
કહે છે કે કવિ જન્મે છે –
તો તેં જ તો મને જન્મ આપ્યો છે.
પણ ત્યારે તને જાણ નહીં હોય કે હું કવિ થઇશ.
તારે તો મને માનવી બનાવવો હતો –
એક સુખી માનવી, હસતો માનવી,
અને એ માટે તેં કેટલા બધાં દુ:ખો સહ્યાં ?
કેટલા અશ્રુઓ સાર્યાં ?

ત્યારે તેં કશા બદલાની આશા નહોતી રાખી.
અને હું તને બદલો પણ શો આપું?
બદલો આપવા જેવું મારી પાસે છે પણ શું ?
કદાચ ઇશ્વર પાસે પણ કશું નથી.
હા, ઇશ્વર પાસે
તને આપવા માટે એક વસ્તુ છે,
તારા આત્માની શાંતિ,
ઇશ્વરે તને સ્ત્રી ઘડી હતી.
અને ઇશ્વરને જે પ્રાણ અત્યંત પ્યારો હોય છે,
એને જ એ સ્ત્રીનું રૂપ આપે છે.
તું ઇશ્વરને અત્યંત પ્યારી હતી,
એટલે એણે તને સ્ત્રીનો જન્મ આપ્યો,
તું ઇશ્વરને અત્યંત પ્યારી હતી,
એટલે જ એણે તને મૃત્યુ પણ આપ્યું.

તું અલ્લાહને પ્યારી થઇ ગઇ,
અલ્લાહે તને પોતાની પાસે બોલાવી લીધી.
પણ સ્ત્રી મરે છે, માતા મરતી નથી.
તું જીવે છે, જીવતી હતી એમ જ.
અને તું જીવતી હોવા છતાં તને મરેલી માનું ?
અરે, જેણે મારા હાલરડાં ગાયાં,
એના હું મરશિયા ગાઉં ?
છતાં યે ગાઉં-
પણ જે જન્મ આપે છે, એ મરી જ કેમ શકે?

હું કવિ થયો છું એટલે જાણું છું;
કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે;
ચિત્રકાર કલાકૃતિની નીચે પોતાનું નામ લખે છે;
પણ ઇશ્વર ?
ઇશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી –
એ માનવીને સર્જે છે,
પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો;
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે,
પણ માતાય ઇશ્વરની મહાનતાનું પ્રતીક છે,
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.
માં ઉદરમાં નવ મહીના
એના બાળકનો ભાર વેઠે છે….
માત્ર એ નવ મહીનાનો બદલો આપવા ધારું તોય
મારા નેવું વરસ પણ કોઇ વિસાતમાં નથી.

છતાં મને શ્રધ્ધા છે –
તારા એક સો દસ વરસની વયે પણ
તેં તારા અંતરમાં
મારા નેવું વરસનોય ભાર વેઠ્યો હોત.
પણ હું નેવું વરસનો નથી.
તું એક સો દસ વરસની નથી;
તારા અને મારા સંબંધ વચ્ચે
સમયનું અસ્તિત્વ જ નથી –
અસ્તિત્વ છે માત્ર તારું
અને તારે લીધે મારું.
અને એ પણ માતા અને બાળક જેવું જ

માતા કદી મરતી નથી
અને બાળક કદી મોટો થતો નથી.
માં ! હજી હું કવિતા લખી શકું એટલો મોટો નથી થયો,
હજી હું પારણામાં પોઢેલો પુત્ર છું.
અને હું પારણામાં પોઢીને તારે માટે કવિતા લખું,
એને બદલે પારણાની દોરી ખેંચીને
તું જ મારે માટે હાલરડું ગા –
ઇશ્વર તારા આત્માને શાંતિ આપશે,
અને તારું હાલરડું મારા આત્માને શાંતિ આપશે.

– બરકતઅલી ગુલામહુસેન વીરાણી ‘બેફામ’

પોતાની સ્વર્ગસ્થ માંને યાદ કરીને કવિ શ્રી બરકત વીરાણી તેમને ઉદ્દેશીને માતાની મહત્તાનું ખૂબ ભાવનાસભર વર્ણન કરે છે. માતા એક બાળકને જન્મ આપે છે, પણ બાળકની પાછળ નામ તેના પિતાનું લાગે છે, આમ પ્રભુ જેમ તેના સર્જનની પાછળ પોતાનું નામ લખતો નથી તેટલી જ મહાનતા માતા પણ બતાવે છે. માતાની સામે પોતે સદાય નાનાં, સદાય વામણા છે તેમ કહેતા ખૂબ હ્રદયસ્પર્શી રીતે કવિ માતાને આ સુંદર કાવ્યમય ભાવાંજલી આપે છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “માતા – બરકત વીરાણી ‘બેફામ’