આપણી કહેવતો – કણિકાઓ = સંકલિત 15


અતિશય તાણ્યે તૂટી જાય

અધૂરો ઘડો છલકાય ઘણો

અન્ન તેવો ઓડકાર

અન્ન પારકું છે પણ પેટ પારકું છે?

અંબાડીએ ચડી છાણાં ન વીણાય.

આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય

ઉજ્જડ આમમાં એરંડો પ્રધાન.

ઉતાવળે આંબા ન પાકે

ઉંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો

એક હાથે તાળી ન પડે.

કમળો હોય તેને પીળું જ દેખાય

કરમીની જીભ અને અક્કરમીના ટાંટીયા

કાજી દૂબલે ક્યોં તો કહે સારે ગામ કી ફીકર

કોઇનો બળદ, કોઇની વેલ્ય, બંદાનો ડચકારો

કોલસાની દલાલીમાં હાથ કાળા થયા.

ખાળે ડૂચા ને દરવાજા મોકળા

ગધેડા સાથે ઘોડું બાંધ્યું, ભૂંક્યૂ નહીં પણ આળોટતા શીખ્યું.

ગોર પરણાવી દે, ઘર માંડી ન દે.

ગાજ્યા મેઘ વરસે નહીં

ગોળ નાખો એટલું ગળ્યું થાય.

ઘરના ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો

ઘી ઢોળાયું તો ખીચડીમાં જ ને!

ઘરડી ઘોડી ને લાલ લગામ.

ઘેર ઘેર માટીના ચૂલા

ચતુરની ચાર ઘડી, મૂરખનો જન્મારો

છીંડે ચડ્યો તે ચોર

જાગ્યા ત્યારથી સવાર

જે ગામ જવું નહીં તેનો મારગ શેં પૂછવો?

જર, જમીન ને જોરું; ત્રણે કજિયાના છોરું.

ઝાઝા હાથ રળીયામણાં

ઝાઝી સૂયાણીએ વેતર વંઠે

ઝીણો પણ રાઇનો દાણો

ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા

ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝાં

ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે

ડૂંગર દૂરથી રળીયામણાં

તરત દાન ને મહાપુણ્ય

તેજીનો ટકોરો ને ગધેડાને ડફણાં

દાઝ્યા ઉપર ડામ

દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી

દીવા તળે અંધારું

દેવું ત્યારે વાયદો શો ?

દેશ તેવો વેશ

દુ:ખે પેટ ને કૂટે માથું

દુકાળમાં અધિક માસ

ધરતીનો છેડો ઘર

ધીરજનાં ફળ મીઠાં

ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો

ન બોલ્યામાં નવ ગુણ

નકલમાં અક્કલ નહીં

નમે તે સૌને ગમે

નવરો બેઠો નખ્ખોદ વાળે

નાગાને લૂંટાયાનો ભો શો?

પટોળે પડી ભાત, ફાટે નહીં પણ ફીટે નહીં

પરાણે પ્રીત થાય નહીં

પાઘડીનો વળ છેડે

પાડાને વાંકે પખાલીને ડામ

પારકાં છોકરાંને જતિ કરવા

પારકી માં કાન વીંધે

પોદળો પડ્યો તો ધૂળ લઇને ઉખડે

ફરે તે ચરે

બકરાંના વાડા હોય, સિંહના નહીં

બાર ગાઉએ બોલી બદલાય

બોલે તેના બોર વેચાય

બહેરો બે વાર હસે

ભાવતું હતું ને વૈદે કીધું

ભેંસ આગળ ભાગવત

મણનું માથું જાય પણ નવટાંકનું નાક ન જાય

મનમાં પરણ્યાં ને મનમાં રાંડ્યા.

મસાણેથી મડદાં પાછાં ન આવે

યથા રાજા તથા પ્રજા

રાજાને ગમે તે રાણી, ભલે છાણા વીણતી આણી

રોજ મરે એને કોણ રોવે

લપસ્યા તોયે ગંગામાં

લાપસી પીરસવી જીભે, તો મોળી શી પીરસવી?

વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો

વાર્યા ન વળે તે હાર્યા વળે

શેઠની શીખામણ ઝાંપા સુધી

સંઘર્યો સાપ પણ કામનો

સંપ ત્યાં જંપ

સંગ તેવો રંગ

સિંહ ભૂખો મરે પણ ખડ ન ખાય

સૂકા ભેગું લીલું બળે

સીંદરી બળી ગઇ પણ વળ ન ગયા

સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો

હાથના કર્યા હૈયે વાગે

હિંમતે મર્દા તો મદદે ખુદા

હોઠ સાજા તો ઉત્તર ઝાઝા

હોય ત્યારે ઇદ, ન હોય ત્યારે રોજા

(ખૂબ નાના હતા ત્યારથી અમારા દાદી અમને વાત વાતમાં કહેવતો અને રૂઢીપ્રયોગો ટાંકતા. ક્યારેક તેમના અર્થ ખબર પડતા, ક્યારેક નહીં. પરંતુ એ સાંભળવાની મજા આવતી. હવે તેઓ મારાથી લગભગ પાંચસો કિલોમીટર દૂર બેઠાં છે. અસ્સલ ગામઠી સોરઠી ભાષામાં એ જ લહેકાથી વાત વાતમાં કહેવતો ટાંકવાની ટેવ મારા સહકાર્યકર અને મિત્ર શ્રી શૈલેષ પાંડવને છે. આ સંકલન તેમને આભારી છે. આપણી કહેવતો અને રૂઢીપ્રયોગો આપણી મૂડી છે. આપણામાંથી કેટલાને આ સંકલનમાંથી અડધાથી વધુ કહેવતો ખબર છે? આપણી ભાષાના મૂળ સમાન, બીજ સમાજ આ વાક્યો ફક્ત એકાદ વાક્ય નથી, કેટલીય પેઢીઓના માનસમાં વિવિધ સમયે ઉદભવેલી એ વિચારવીથીકાઓ છે. લોકમિલાપ ટ્રસ્ટના શ્રી મહેન્દ્ર મેઘાણી તથા શ્રી ગોપાલ મેઘાણી દ્વારા સંપાદીત અને પ્રકાશિત ખીસ્સાપોથી, “કહેવતોની સ્મરણિકા” માંથી ઉપરોક્ત સંકલન કરવામાં આવ્યું છે.)


15 thoughts on “આપણી કહેવતો – કણિકાઓ = સંકલિત