બાબો કે બેબી? – પ્રતિભા અધ્યારૂ 9


આજના 21મી સદીના સમાજમાં સ્ત્રી પુરૂષને સમાન હક્ક અને હોદ્દો મળે છે. આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રી પુરૂષને સમોવડી થવા જઇ રહી છે. સમાજમાં સ્ત્રીનું એક આગવું સ્થાન છે, પણ તે સ્થાન પામવા, ઉંચુ કરવા સ્ત્રીઓએ ઘણું સહન કરવું પડ્યું છે. આ પુરૂષપ્રધાન સમાજ હંમેશાથી સ્ત્રીઓની ઉપેક્ષા કરતો આવ્યો છે. આ ઉપેક્ષાની અવગણના કરીને સ્ત્રીઓ આગળને આગળ આવતી ગઇ છે. પરંતુ આ બધી પ્રગતિ છતાં શું આપણા સમાજના માનસમાં જામેલા 18મી સદીના વિચારો બદલાયા છે ખરાં? તમે શું તમારા જીવનમાં આવા 21મી સદીના વિચારો મૂકી શક્યા છો ખરાં?

આજના સમાજના લોકો જાહેરમાં કહેતા ફરે છે કે સ્ત્રી અને પુરૂષને સમાન હક્કો મળ્યા છે. અમારા દીકરાના ઘરે દીકરો આવે કે દીકરી બંને સરખાં, પણ એ કેટલું સત્ય છે? 21મી સદીની ગૃહીણી પણ જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે તેના મનમાં એક જ આશા હોય કે દીકરો જન્મે તો સારું. ભલે તમે જાહેરમાં એમ કહો કે દીકરો હોય કે દીકરી કોઇ ફરક પડતો નથી, કે દીકરી આવે ત્યારે જલેબીની બદલે પેંડા વહેંચો, પણ મારા હીસાબે 100 માંથી એકાદ વ્યક્તિ એવી હશે જે આ વાત સાથે ખરેખર તાદામ્ય સાધી શક્તો હશે. ડોક્ટર ગર્ભવતી સ્ત્રીની જ્યારે સોનોગ્રાફી કરે છે ત્યારે તેનો હેતુ હોય છે બાળક સ્વસ્થ છે કે નહીં તે જોવું, પણ મોટે ભાગે લોકો ડોક્ટરને એમ જ પૂછે છે કે છોકરો છે કે છોકરી? ભલેને કાયદો એ વાતની મનાઇ કરે કે આવી તપાસ ગેરકાયદેસર છે. શું બેબી ખરાબ હોય છે?

દીકરીના જન્મ પર આટલો બધો નકારાત્મક પ્રતિભાવ, આટલો વિરોધ કેમ? દીકરી મોટી થઇને સાસરે જાય અને બીજાના વંશને વધારે એટલે એ આપણને શું કામની એમ? દીકરો બાપના નામને આગળ વધારે? વંશને વધારે? 18મી સદીની એક માન્યતા છે કે દીકરો હોય તો વૃધ્ધાવસ્થામાં મા બાપની લાકડી બની ને રહે, જો આ વાત સાચી હોત તો વૃધ્ધાશ્રમોની જરૂરત ન પડતી હોત. ઘણાંય, હવે તો અસંખ્ય એવા દાખલા મળશે કે મા બાપને પુત્રએ તરછોડ્યા અને દીકરીએ તેમની અવસ્થાએ લાકડીની ગરજ સારી, તોય દીકરી આવે તેની કોઇ ખુશી નહીં?

કોઇ ઘરમાં એક દીકરી હોય અને બીજી આવે તો ઘરનાં લોકો તરત કહેશે, “અરે બાપરે, બીજી છોકરી?”, એ નાનકડા જીવના આગમનનો હરખ કોઇને રહેતો નથી. પણ એ લોકો એમ વિચારતા નથી કે આ વાતમાં એ નાનકડી બાળકીનો શો વાંક? ઘરના સભ્યો, અરે તેની માંની નજરમાંય તે તરછોડાયેલી રહે છે. અમે જોયું છે કે લોકો ઘરની વહુ ગર્ભવતી હોય ત્યારે દીકરો આવે તેવી આશાએ દવાઓ, ઇંજેક્શનો, બાધા, માનતા બધુંય કરી છૂટે છે. ડોક્ટરોને ફોડી છે, જેથી સોનોગ્રાફીથી ખબર પડે કે ગર્ભમાં બાબો છે કે બેબી, જો કે હવે ડોક્ટરો આવા વિષય પર મૌન જ રહે છે, એ પ્રસંશનીય બાબત છે, પણ સવાલ માનસીકતાનો છે. ફલાણા બાબાની ભસ્મ કે ફલાણી જગ્યાની માનતા કે અમુક તમુક ડૉક્ટરની સારવાર કરાવવાથી બાબો જ આવશે એવી માન્યતા અને ધારણા ધરાવતા લોકો 18મી સદીના નહીં તો ક્યાંના?

જૂના જમાનાંમાં એમ કહેવાતું કે એક દીકરો તો જોઇએ જ. દીકરાની લાલચમાં ઘણાંને ત્યાં છ છ દીકરીઓ આવ્યાનાંય દાખલા છે. છ દીકરીઓ પછી આવેલા એક દીકરાને મેળવીને તમે ધન્યતા અનુભવી શકો? શું એ છએય દીકરીઓ નકામી છે? આપણે ત્યાં કહેવાય કે દીકરી તો લક્ષ્મીનો અવતાર છે કે દીકરી તુલસીનો ક્યારો. જો તમે ઘરમાં તુલસી ઉગાડી શકો તો દીકરીને કેમ ન રાખી શકો? જો તમે એક કહેતા હોવ કે દીકરી બે કુળને તારે તો તેના આગમન પર શોક કેમ? ગર્ભની જાતિ જાણી, દીકરી હોવા બદલ તેનો ગર્ભપાત કેમ? એ ગુનો ખૂનનો ન કહેવાય? ક્યારેય એવા દાખલા કેમ નથી કે દીકરી જોઇતી હોય અને દીકરો આવે એટલે કોઇનાં ભવાં ચઢે કે દીકરો ગર્ભમાં છે જાણી કોઇએ ગર્ભપાત કરાવ્યો હોય કે દીકરાને દૂધપીતો કર્યો હોય? પોતાની જાતિ બદલ દીકરી જવાબદાર છે?

સમસ્યાના મૂળમાં આખો સમાજ નથી, ફક્ત નારી જાતિ છે. જ્યાં સુધી સ્ત્રીઓ પોતે આ વાતનો વિરોધ નહીં કરે, ત્યાં સુધી આવું તો ચાલ્યા જ કરવાનું. સ્ત્રી કોઇ પણ સ્વરૂપે હોય, સાસુ, વહુ, દીકરી કે માં, જ્યાં સુધી સ્ત્રીઓ જ સ્ત્રીઓને હલકી ગણીને અવગણના કરતી રહેશે ત્યાં સુધી સમાજ પુરૂષપ્રધાન જ રહેવાનો. જો તટસ્થ મનથી વિચારીએ તો જે રીતે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરૂષોને પછાડીને આગળ જઇ રહી છે એ જોતા સ્ત્રીઓને તરછોડવાનો ભાવ, પુત્રીજન્મ પ્રત્યે આવી હીન લાગણી રાખવી જોઇએ જ નહીં.

મારા ગર્ભમાં બાબો કે બેબી એવું પૂછતાં પહેલા દરેક સ્ત્રી એવું વિચારે કે જો તમારી માતાએ પણ આવું જાણવાનો પ્રયત્ન કર્યો હોત તો કદાચ આજે તમારું અસ્તિત્વ ન હોત, તમારી હયાતી ન હોત. દીકરી સમાજનો પાયો છે, એ એક જમીન છે જેમાં બીજ પાંગરે છે અને વૃક્ષ બનીને સમાજને શાતા આપે છે, એટલે જમીન વગરના વૃક્ષની કલ્પના કરવી જેટલી વ્યર્થ છે એટલી જ અવાસ્તવિક છે. દીકરીનો જન્મ અટકાવશો તો આ સમાજ અને આવતી પેઢીઓ કદાચ તમને ક્યારેય માફ નહીં કરી શકે.


Leave a Reply to AKHIL sutariaCancel reply

9 thoughts on “બાબો કે બેબી? – પ્રતિભા અધ્યારૂ

  • M.D.Gandhi, U.S.A.

    આજે આ લેખ વાંચ્યો. બહુ ઉમદા સમજ આપતો લેખ છે. આજના જમાનામાં દીકરા કરતાં દીકરીજ માબાપનું ધ્યાન વધારે રાખે છે. અને અમેરીકામાં તો આપણા ભારતીઓના દીકરાઓ પણ માબાપથી જુદાજ રહેવામાં માનતા થઈ ગયા હોય છે, એટલે દીકરીજ માબાપથી વધુ નજીક હોય છે. અને શ્રી ભુપેન્દ્રભાઈની વાત તો એકદમ સાચીજ છે અને આપણી આજુબાજુ આવું આપણે જોતાંજ હોઈએ છીએ

  • Bhupendrasinh Raol,Piscataway,Newjersey.usa.

    બાબો કે બેબી ? સાચી અને વેરી સિમ્પલ અને એકદમ તાજી બનેલી બે વાતો.મારા એક મિત્ર છે,ત્રણેક વર્ષ થી અમેરિકા આવ્યા છે અમદાવાદ થી.મારી સાથે જોબ કરે છે.અહી ડ્રાયવીંગ ના રોડ ટેસ્ટ માં પેરેલલ પાર્કિંગ નાં ટેસ્ટ માં ભલભલા નાપાસ થાય.પેલા મિત્ર ના દીકરા ને અમે મોટા ગ્રાઉન્ડ માં શીખવતા હતા,વેધર ખરાબ હતું,અમે બહાર ઉભા ઉભા ઠંડી અને એકદમ ધીરા વરસાદ માં થથરતા હતા.કલાકેક પ્રેક્ટીસ કરીને એ લોકો વિદાય થયા.પછી ટેસ્ટ માં એ દીકરો પાસ થઇ ગયો.હવે એ જ મિત્ર ની દીકરી આ ટેસ્ટ માં નાપાસ થઇ એટલે મારી યાદ આવી અને આજે એ મિત્ર ને એમની દીકરી આવ્યા અને અમે એજ ગ્રાઉન્ડ માં પેરેલલ પાર્કિંગ ની પ્રેક્ટીસ કરાવવા લઇ ગયા.આજે પણ ધીમો વરસાદ ઠંડો પવન હતો.નોર્થ અમેરિકા ની ઠંડી તોબા તોબા.આજે પણ અમે બહાર થરથરતા બહાર ઉભા ઉભા શીખવતા હતા.થોડી વાર થઇ ને મિત્ર ની દીકરી કહે અંદર આવી જાઓ અંકલ બહાર બહુ ઠંડી છે.અમે નાં પડી પણ ધરાર ના માની ને અમે અંદર કાર માં બેસીને પ્રેક્ટીસ કરાવી.વાત બહુ સામાન્ય છે.પેલા દીકરાને આવો વિચારજ ના આવ્યો કે હું અને એના પપ્પા બહાર ધ્રુજીએ છીએ.એમાં હું એનો દોષ નથી કાઢતો. હવે મારી જ સ્ટ્રીટ માં અંબાલાલ કાકા રહે છે.વૃદ્ધ છે.બે દીકરા ને એક દીકરી છે.હવે એમને લુકેમિયા છે.રોજ થેરાપી લેવા જવું પડે છે.એક દીકરો સાથે જ રહે છે.બીજો જરા દુર રહે છે.દીકરી પણ પરણેલી છે ને દુર રહે છે.રોજ સવારે એમની દીકરી કાર લઈને આવે છે,હોસ્પિટલ લઇ જાય છે અને થેરાપી કરાવી ને પછી મૂકી જાય છે.આ ક્રિયા રોજ હું મારા ઘર માંથી જોઉં છું.હજુ મેં બંને દીકરા માંથી કોઈને કાકા ને હાથે પકડીને હોસ્પિટલ લઇ જતા જોયા નથી.આપણે કોઈનો દોષ કાઢવો નથી.આપણે તો ફક્ત આ બંને દીકરીઓની અંદર રહેલી માતાના દર્શન કરવા છે.એક દીકરી જ માબાપ ની કાળજી “માં” બનીને રાખે છે.દીકરી એના બાળકોની તો માં હોયજ છે પણ ઘરડા માબાપ ની પણ માતા બની જાય છે.

  • Bhupendrasinh Raol,Piscataway,Newjersey.usa.

    સાચી વાત છે.ઓન લાઈન દિવ્યભાસ્કર માં શ્રી કન્તીભટ્ટ નો એક લેખ આવેલો કે ધાર્મિક કથાઓ સ્ત્રીઓ માટે આંશુ ઉપચાર કથાઓ.એમનું કહેવું હતું,સ્ત્રીઓને સીતાજીની જેમ સફર થવું ગમે છે.પતિ ગમેતેટલું હેરાન કરે સ્ત્રીઓને એનેજ પ્રેમ કરવાનું ગમે છે.ટૂંક માં પુરુષ પ્રધાન માનસિકતા હતી એમાં.મેં ખુબજ કડક પ્રતિભાવ આપેલો અને દિવ્યભાસ્કરે એને સિટીજન જર્નાલીજ્મ વિભાગ માં છાપેલો પણ.આપણે આપણા મહાપુરુસોની ભૂલોને કદી જોઈ શકતા નથી.સ્ત્રીઓને ફક્ત વસ્તુ તરીકેજ જોવામાં આવે છે.મારા બ્લોગ માં મેં આ બાબતે ઘણું બધું લખ્યું છે.મોટાભાગે મારી વાતો,વિચારો કહેવાતા ધાર્મિક લોકોને ગમે નહિ.મારા બ્લોગ માં જઈને ઓક્ટોબર પર ક્લિક કરશો તો મારા તમામ લેખો વાચવા મળશે જે મોટા ભાગે દિવ્યભાસ્કર માં આર્ટીકલ અથવા પ્રતિભાવો તરીકે છાપેલા છે.એક નાનું બાળક સાંભળે છે,ચાખે છે,સ્પર્શ કરેછે,જુએ છે અને નકલ કરે છે,અને એમજ એની કોરી હાર્ડડીસ્ક લોડ થાય છે અને એનું ઘડતર થાય છે.એવી રીતે લોકો,સમાજ એના રાજાઓ,નેતાઓ,ધર્મગુરુઓ,મહાપુરુષો ને જુએ છે,સાંભળે છે,એમના વાણી વર્તન ને ચાખે છે અને એ રીતે સમાજ નું ઘડતર થાય છે.બાળકો પહેલા માં બાપ ની નકલ કરે છે.સમાજ એમના મહાપુરુષોની નકલ કરે છે.આપણા મહાપુરુશોજ અગ્નિપરિક્ષાઓ,પેટમાં એમનાજ ટ્વીન્સ હોય છતાં ત્યાગ,જુગારમાં મૂકી દેવું,વસ્તુ હોય તેમ બધા પાંચે ભાઈઓ વચ્હે વહેચીને ભોગવવું,તાડન કી અધિકારી,નારી નરકની ખાણ આની આજ કથાઓ હથોડા ની જેમ હજારો વર્ષો થી લોકોના બ્રેન પર ઠોકાતી હોય,ત્યાં વર્ષા અડલજા પણ હમેશા પૂછે કે આ અગ્નિપરિક્ષાઓ ક્યારે બંધ થશે? ક્યાંથી બંધ થાય.કથાકારો ટીવી સીરીયલ મેકરો પાછા આવી વાર્તાઓને સુંદર રીતે મરોડી નાખે,કે એતો પતિનું ખરાબ ના દેખાય માટે જાતેજ વનમાં ગયેલા,કે પડછાયો હતો,કે ધરતીમાં સામાય ગયા.જળસમાધી લીધી.બધા રૂપાળા શબ્દો.સ્ત્રીઓજ આવું બધું માનતી હોય છે.શ્રી કાંતિ ભટ્ટ સાચુજ કહે છે,સ્ત્રીઓજ કથાઓમાં વધારે હોય છે,અને સીતાજીની કથાની રાહ જોતી હોય છે અને સીતાજીની જેમ એમનેજ્ સફર થવું,પીડાવું ગમતું હોય તો પુરોષો તો તૈયાર જ છે.

  • Neela Gohil

    ખુબજ સરસ લેખ પ્રતિભાબેન, તમને નથિ લાગતુ કે આજ ના જમાનામા પુત્ર કરતા પુત્રી ને વધરે સહન કરવુ પડે છે? આજ ના જમાનામા કેટલાય તેવા બનાવ બને છે કે આપણને આપણી દીકરી ના ભાવિ ની ચિન્તા થાવા લાગે છે. ભલે આજ ના સમાજમા સ્ત્રી અને પુરૂષને સમાન હક્ક અને હોદ્દો મળે છે પણ શુ પુરૂષ નુ તેના તરફ નુ વલણ અને દ્ર્શ્ટી બદલાયા છે ખરા ? ? એક બહેન માટે સમાજ તરફ થી ભાઈ ની આશા શુ કામ રખાય છે? Dr. maulik shah નો અભિપ્રય ખરેખર સાચો છે.

  • dr. maulik shah

    એક નવજાત શિશુ નિષ્ણાત તરીકે હું હજારો ડીલીવરીના સમયે શિશુને જરુરી સારવાર માટે હાજર રહ્યો છુ. નવાઈની વાત છે પણ શિશુ જન્મ પછી 90 ટકાથી વધુ માતાઓનો પહેલો સવાલ હોય સાહેબ બાબો છે કે બેબી જ્યારે મારી ઈચ્છા હોય છે કે પૂછે કે શિશુ કેમ છે સારુ છે ને !! વધુ નવાઈ એ વાતની કે આમાની કેટલીય મા એવી હોય છે કે જેમને ઘણી મહેનત બાદ આ સદભાગ્ય સાંપડ્યુ હોય છે અને તેમને તો શિશુ માત્રથી વધુ કોઈ રસ ન હોવો જોઈએ…!
    આવુ કેમ કદાચ તેનો જ હમણા જ વાંચેલા ડો.હંસલ ભચેછ ના પુસ્તકમાં મળે છે – કદાચ સ્ત્રીની જીંદગી સૌથી અઘરી છે. દરેક સ્ત્રી પોતાના જીંદગી ભરના દુ૰ખ કે અસંતોષ પછી બીજા ભવે કયારેય સ્ત્રી થવા નથી ઈચ્છતી અને એટલેજ પોતાની ભાવિ સંતતિમાં પુત્ર પ્રાપ્તિનો મોહ નથી છોડી શકતી….!

  • કાંતિભાઈ કરસાળા,

    જય ગુરુદેવ,

    ઈશ્વરે જે બાબો કે બેબી તમને આપ્યાં છે તે અનેક જન્મોના વરદાન અને ઉપહાર સ્વરૂપે પ્રાપ્ત થયાં છે.
    એમને પરમેશ્વરનો અનુગ્રહ માની સ્વીકારવા જોઈએ.

    દીકરો – દીકરી એકસમાન :
    ઘરમાં પુત્ર અને પુત્રી વચ્ચે વર્તવામાં આવતો ભેદભાવ , સન્માન ન મળવુ, તિરસ્કાર, ન છોકરીઓને તુચ્છ
    દ્રષ્ટિએ જોવી કે ન છોકરીઓ પોતાની જાતને હીન સમજે. દીકરાઓ કમાણી અને વંશવેલો ચલાવે અને દીકરીઓ પારકા ઘરનો કચરો અને ઉછીની ઉપાધિ હોય છે, એવું માની બાળકોમાં ભેદભાવ રાખવો, એ વાલી કહેવડાવવાને પણ લાયક નથી, આપણે આવા પ્રકારના ભેદભાવને મનમાંથી કાઢી નાખવા જોઈએ.

    પુત્ર જન્મની ખુશી અને પુત્રીના જન્મ પર શોક મનાવવો એ મનુષ્યતાની શાન પર એક કલંક છે.

    સાવધાન, આવનારી સદી નારી સદી છે,

  • પ્રવિણ કે.શ્રીમાળી

    પ્રતિભાબેન, તમે સરસ મુદા પર લેખ લખ્યો છે. અને એકદમ સાચી વાત લખી છે. આપણે ગમે તેટલાં આગળ વધી ગયા હોઈએ કે ગમે તેટલાં શિક્ષિત હોઈએ, પરંતુ માનસિક રીતે તો ગર્ભ ધારિત સ્ત્રી પાસે આખા કુંટુંબ ની માનસિક માંગણી છોકરાના જન્મની જ હોવાની !…હજુ સુધી આપણે દિકરીને અને તેના જન્મને માનસિક રીતે સ્વીકારતા નથી, આ ખુબ જ ખોટી વાત છે. હજુ પણ આપણે દિકરાને જ મહત્વ આપીએ છીએ.