ચિત્ત તું ચિંતા શીદને કરે… – દયારામ 4


(કૃષ્ણલીલા વર્ણવતા અને કૃષ્ણપ્રેમના વિવિધ ભાવોને આલેખતા સર્જનો જેવા કે ગરબીઓ, પદો વગેરે માટે જાણીતા આદિકવિ દયારામ ઇ.સ.1777માં ચાંદોદ ખાતે જનમ્યા હોવાનું મનાય છે. તેઓ કૃષ્ણપ્રેમની અનન્ય રચનાઓ માટે મધ્યકાલીન કવિઓમાં અનન્ય સ્થાન ધરાવે છે. ભક્તિપોષણ અજામિલ આખ્યાન, રસિકવલ્લભ, રૂક્મિણી વિવાહ, પ્રબોધ બાવની વગેરે તેમની અમર કૃતિઓ છે.

પ્રસ્તુત રચનામાં કવિ ચિત્તને ઉદ્દેશીને કૃષ્ણને સમર્પિત થવા સમજાવે છે. જીવનમાં જે કાંઇ થાય છે તે પ્રભુની મરજીથી જ થાય છે એમ પોતાના મનને સમજાવતા તેઓ વિવિધ ઉદાહરણો આપે છે. તત્વજ્ઞાનની ગૂઢ વાતો ખૂબ સરળ અને રસપ્રદ શૈલીમાં તેમણે અહીં વણી લીધી છે.)

ચિત્ત તું ચિંતા શીદને કરે, કૃષ્ણને કરવું હોય તે કરે…

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે,
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે,
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. કૃષ્ણને

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. કૃષ્ણને

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે,
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. કૃષ્ણને

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે,
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે,
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. કૃષ્ણને

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે,
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. કૃષ્ણને

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે .. કૃષ્ણને

– દયારામ


4 thoughts on “ચિત્ત તું ચિંતા શીદને કરે… – દયારામ

 • Harish Dhruv

  એમ્ લગ્યુ કે ગિતાના શબ્દો દયારામે કવિતા સ્વરુપ કહિ સભલાવ્યા.આભાર્
  હરિશ ધ્ર વ લોસ એન્જ્લસ્

 • pathak

  કાવ્‍યમાં જળ ચેતનની કથાનું પુનરાર્વતન છે. આભાર
  પાઠક

 • Kedarsinhji M.Jadeja

  શીદને ફુલાય

  શીદ ને ફરે ફૂલાઇ ને, હું હું કર્યા કરે
  આપેલ સઘળું ઇશ નું, મારૂં મારૂં કર્યા કરે…

  આપી બુધ્ધિ અધિક છે, કે ભાવે ભજન કરે
  પણ-અવળિ કરે આરાધના, ભાવિ ભૂલ્યા કરે…

  આપી છે વાણી વિઠ્ઠલે, તોએ હરિ ના ભજ્યા કરે
  ભસતો ફરે છે ભાષણો, જગને ઠગ્યા કરે…

  ધન દોલત સુખ સ્સહ્યબી, આપ્યાં હરિવરે
  કહેતો કમાણી હાથ ની, એવા ભરમે ભમ્યા કરે…

  રડતાં હજારો બુધ્ધિ જન, મૂરખા મજા કરે
  ધનવાનો ના ધામ માં, ક્યાંક નિર્ધન ફુલ્યા ફરે…

  જલચર સ્થલચર નભચરો, નિજ નિજ ની ક્રિયા કરે
  પણ-કહેવું પડેછે માનવી ને, કે-માનવ બન્યા કરે..

  આપ્યું અધિક કાં એક ને, શું કૂદરત કપટ કરે ?
  પણ તેને-બનવું પડેછે માનવી, ત્યારે નડ્યા કરે..

  આપે અધિક જો ઇશ તું,આ દીન પર દયા કરે
  “કેદાર” કેરી કામના, તને પલ પલ ભજ્યા કરે..

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

Comments are closed.