છ ઝેન બોધકથાઓ – સંકલિત 11


ઝેન કથાઓની મુખ્ય વિશેષતા એ છે કે તે ખૂબ નાનકડા વિસ્તારમાં ખૂબ મોટી વાત કહી જાય છે. ઝેન કથાઓ ઘણી પ્રચલિત છે. ઝેન ગુરૂઓએ શિષ્યો સાથે થયેલા વિવિધ પ્રસંગો તથા સંસારની વિવિધ વસ્તુઓ અને વિષયો પર ટૂંકાણમાં પણ ખૂબ માર્મિક રીતે ચોટદાર અભિવ્યક્તિ ધરાવતી આવી ઝેન કથાઓ આપી છે જે ખૂબ પ્રખ્યાત છે અને બોધપ્રદ પણ બની રહે છે. આવીજ છ સંકલિત ઝેન વાર્તાઓ અત્રે પ્રસ્તુત છે.

1.)   ધનવાનનું આમંત્રણ

એક ધનવાન માણસે એક વખત ઝેન ગુરૂ ઇક્ક્યુને જમવાનું આમંત્રણ આપ્યું. તેમના માટે સોનાના બાજઠ અને ચાંદીની થાળીઓની વ્યવસ્થા કરાવી. ઇક્ક્યુ પોતાના ફાટેલા અસ્તવ્યસ્ત વસ્ત્રો અને લઘરવઘર દેખાવ સાથે જમવા ગયા. ઓળખી ન શકવાથી તેમને ભિખારી સમજીને એ ધનવાન માણસે તેમને ધુત્કારીને ભગાડી મૂક્યા. ઇક્ક્યુ હવે પોતાના રહેવાની જગ્યાએ પાછા આવ્યા, આ વખતે તેમણે સુંદર મોંઘુ વસ્ત્ર પહેર્યું, વાળમાં સુગંધી દ્રવ્યો નાંખ્યા અને પગમાં મોંઘી મોજડી પહેરી. ખૂબ સરસ રીતે અનેક વસ્તુઓથી તૈયાર થઇને તેઓ ધનિકના ઘરે ગયા. ધનિકે આ વખતે એમની ખૂબ આગતા સ્વાગતા કરી, તેમને સોનાના બાજઠ પર બેસાડ્યા.

ઇક્ક્યુએ પોતાના વસ્ત્રો અને મોજડી ઉતારીને બાજઠ પર મૂકી દીધી. તે ધનવાનને ઉદ્દેશીને બોલ્યા, “તેં મને નહીં આ વસ્ત્રો અને મોજડીને જમવા બોલાવ્યા છે, તેમને પહેલા ભોજન કરાવો.”

2.)   ઇશ્વરની જરૂરત

એક સન્યાસી નદી ના કિનારે ધ્યાનમગ્ન હતો. એક યુવક અચાનક ત્યાં આવ્યો અને એ સન્યાસીને કહેવા લાગ્યો : “મારે તમારો શિષ્ય થવું છે, મહેરબાની કરીને મારા ગુરૂપદને શોભાવો.”

સન્યાસીએ પૂછ્યું : “કેમ?”

યુવક થોડીક વાર વિચારીને બોલ્યો : “કારણકે મારે ઇશ્વરને મેળવવા છે, મારે ઇશ્વરની જરૂરત છે.”

સન્યાસી કાંઇ બોલ્યા નહીં, તેઓ ફક્ત એ યુવકને નદી પાસે લઇ ગયા, અચાનક તેનું માથું પકડીને તેમણે પાણીમાં ડુબાડી દીધું. તેમની પક્કડ ખૂબ મજબૂત હતી, યુવકે છૂટવા ઘણાં ધમપછાડા કર્યા પણ તે ફાવ્યો નહીં, થોડીજ ક્ષણોમાં તેનો શ્વાસ ચઢવા લાગ્યો, અને એ પછી સન્યાસીએ તેને છોડી દીધો. ખૂબ ખાંસી અને મહામહેનતે શ્વાસને કાબૂમાં કર્યા પછી તે સન્યાસીની સામું જોઇ રહ્યો. સન્યાસીએ તેને પૂછ્યું, “જ્યારે તારું મોં પાણીમાં ડૂબાડી દીધું ત્યારે તારે સૌથી વધુ શાની જરૂરત હતી?”

“હવાની” એ યુવક બોલ્યો.

“તો તું અત્યારે ઘરે જા અને જ્યારે ઇશ્વરની પણ એટલીજ ઉત્કટતાથી જરૂરત અનુભવાય ત્યારે મને મળજે, ત્યાં સુધી તારે ઇશ્વરની જરૂરત નથી.” સન્યાસીએ તેને કહ્યું.

3.)  વિશ્વની વસ્તુઓ

સુકરાત મહાન દાર્શનિક હતા, પણ તેથી વધુ તેઓ એક ઉચ્ચ કોટીના સંત હતા અને તેમનું જીવન અત્યંત સાદગીપૂર્ણ હતું. તેઓ ઓછામાં ઓછી વસ્તુ સાથે જીવતા. ત્યાં સુધી કે તેમને ફક્ત એક જ જોડી વસ્ત્રો હતા અને તેઓ પગમાં જોડા પણ ન પહેરતાં. પણ તેઓ બજારમાં ઘણી વખત જતા અને વિવિધ વસ્તુઓને જોઇ રહેતા અને ખુશ થતા.

એક મિત્રએ આ જોઇને તેમને એનું કારણ પૂછ્યું, સુકરાત બોલ્યા : “હું એ જોઇને ખુશ થાઉં છું કે વિશ્વમાં કેટલી બધી વસ્તુઓ છે, જેના વગર પણ ખુશ રહી શકાય છે.”

4.)  લેખક બનવાની ઇચ્છા

મહાન નવલકથાકાર સીંક્યુલર લૂઇસને એક વખત લેખક બનવા માંગતા વિદ્યાર્થીઓને લેખનની પધ્ધતિ અને તેના વિષયક અન્ય વાતો સમજાવતું લાંબુ ભાષણ આપવાનું હતું. તેમણે ભાષણની શરૂઆત એક પ્રશ્નથી કરી,

“તમારા માંથી કેટલા મિત્રો લેખક બનવા માંગે છે?”

બધાએ પોતાના હાથ ઉંચા કર્યા,

“એવું હોય તો” લૂઇસ બોલ્યા, “મારી તમને સલાહ ફક્ત એ જ છે કે તમે અત્યારે જ જાઓ અને લખવાનું શરૂ કરી દો” અને આમ કહીને તેઓ ખંડ છોડીને જતા રહ્યા.

5.)  આગંતુક

એક સંતની ઝૂંપડીમાં એક વેપારી આવ્યો. તેણે ઝૂંપડીમાં બધે પુસ્તકો અને હસ્તપ્રતો જોઇ, બેસવા માટે ફક્ત લાકડાની એક ખુરશી હતી. એ જોઇને વ્યાપારી સંતને પૂછી બેઠો, “મહારાજ, આપના રહેવાસમાં કોઇ રાચરચીલું કેમ નથી?”

“તમારું રાચરચીલું અહીં કેમ નથી?” સંતે સામો પ્રશ્ન કર્યો.

“મારું?” તે આશ્ચર્યથી બોલ્યો, “હું તો અહીં ફક્ત આગંતુક છું.”

“હું પણ” સંત સ્મિત સાથે બોલ્યા.

 


11 thoughts on “છ ઝેન બોધકથાઓ – સંકલિત

Comments are closed.