છોગાળા, હવે તો છોડો! – દલપત પઢિયાર 13


( ગુજરાતી સાહિત્યની કેટલીક શ્રેષ્ઠતમ કૃતિઓ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ નાનપણથી વિદ્યાર્થીઓને માણવાનો, સમજવાનો અવસર આપે છે. બાળકાવ્યો અને બાળવાર્તાઓ બાળકોને મનોરંજન સાથે જ્ઞાન આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. શાળા સમયથી મને શ્રી દલપત પઢિયારની સસલીબાઇ અને છેલછોગાળા સસલાભાઇની આ બાળવાર્તા “છોગાળા હવે તો છોડો!” ખૂબ ગમતી. હમણાં વર્ષો પછી એ ફરી વાંચવા મળી, કેટલાક સ્મરણો ખૂબ આનંદદાયક હોય છે, આપ સૌ સાથે આ વાર્તા વહેંચી રહ્યો છું.)

વાડની ઓથે એક બખોલ. એમાં રહે સસલાભાઇ ને સસલીબાઇ. એમનાં બે બચ્ચાં. નાનાં ને રૂપાળાં. ધોળાં તો જાણે રૂ ના પોલ.

દી ઉગે ને સસલો – સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાંને રાખે બખોલમાં. નીકળતી વખતે બચ્ચાંને કહે, “આઘાંપાછાં થશો નહીં, બખોલની બહાર નીકળશો નહીં”. પણ બચ્ચાં, એકલાં પડ્યાં નથી કે બહાર નીકળ્યાં નથી. નાચે, કૂદે ને ગેલ કરે.

એક વાર બચ્ચાં રસ્તા વચ્ચે રમે, ત્યાંથી નીકળ્યા હથીભાઇ. હાથીભાઇ શાણા. થોડી વાર બાજુ પર ઉભા રહી ગયા, તોય બચ્ચાં ખસે નહીં. હાથી કહે, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે?”
બચ્ચા કહે, “શું કામ છે?”
હાથી કહે, “હોય તો બે બોલ કહેતો જાઉં.”
બચ્ચાં કાંઇ બોલ્યા નહીં. હાથીભાઇ તો ચાલતા થયાં. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ…..

બચ્ચાં તો રોજ રસ્તા વચ્ચે રમે. હાથીભાઇએ ફરી પૂછ્યું, “છોકરાં, તમારી માં ક્યાં છે? હોય તો બે બોલ કહેતો જાઉં. ”
બચ્ચાં બોલ્યાં નહીં, હાથીભાઇ ચાલતા થયાં. આવું ઘણાં દી ચાલ્યું. એક દહાડો બચ્ચાંએ હાથીવાળી વાત માને કરી, સસલીબાઇ તો ખિજાયાં, “એ મગતરા જેવડો હાથી સમજે છે શું? કહેવા દો તમારા બાપાને. જુઓ પછી એની શી વલે કરે છે!”
એટલામાં આવ્યા સસલાભાઇ. સસલીબાઇ કહે, “છેલછોગાળા રાણાજી !”
સસલાભાઇ કહે, “શું કહો છો છેલછબીલાં રાણીજી?”
સસલીબાઇએ માંડીને વાત કરી, સસલાભાઇનો ગયો મિજાજ. “સમજે છે શું એ હાથીડો? આવવા દે એ મગતરાને. એની વાત છે.”

સસલાભાઇ તો આખી રાત ઉંઘ્યાં નહીં. પથારીમાં પડખાં ઘસ્યા કરે. સવાર થયું. સસલાભાઇ ઉઠ્યા. હાથીભાઇને વશ કરવાની વાત મનમાં બરાબર બેસી ગઇ. વાડમાંથી એક લાંબો જાડો વેલો ગોતી કાઢ્યો. એનો બનાવ્યો ગાળિયો. ગાળિયાનો એક છેડો વાડના થોર સાથે બાંધ્યો. ગાળિયો નાખ્યો રસ્તા વચ્ચે ને બેઠા એ તો હાથીની આવવાની રાહ જોતાં. ‘હમણાં આવશે, હમણાં આવશે, ને આ ગાળિયામાં એનો પગ ફસાશે. પછી એને એવો ઠમઢોરું કે ખો ભૂલી જાય.’ પણ વળી સસલાભાઇ સફાળા ઉઠ્યા. થોરે બાંધેલો ગાળિયાનો છેડો છોડ્યો ને બાંધ્યો એને બાવળનાં થડે. રખે ને થોરિયો ઉખડી પડે ! વળી એને થયું કે હાથી આગળ બાવળિયાની શી વિસાત! આથી પાછો થડેથી ગાળિયો છોડવા લાગ્યાં.

સસલીબાઇ ક્યારનાંય બખોલની બહાર આવીને સસલાભાઇ શું કરે છે એ જોતાં હતાં. “કેમ વળી પાછું શું થયું?”
“અરે, આ બાવળિયાનો ભરોસો શો?” સસલાભાઇએ મૂછ પર તાવ દેતાં કહ્યું, “આ છેડો હું મારા પગ સાથે જ બાંધી દઇશ.” સસલાભાઇએ ખોંખારો ખાધો. પોતાનો ડાબો પગ પાંચ વાર ભોંય પર પછાડ્યો. ‘થોર બાવળનો ભરોસો નહીં. ખરે ટાણે દગો દે. પારકું એ પારકું.’ એમણે તો ગાળિયાનો છેડો ડાબા પગે મજબૂત બાંધ્યો. ખોંખારો ખાધો અને મૂછ પર તાવ દીધો. સસલીબાઇ કહે, “વાહ, મારા છોગાળા રાણાજી !”
સસલાભાઇ તો છાતી કાઢીને બેઠા. એવામાં દૂરથી હાથી દેખાયો. ધમ ધમ ચાલે છે. ધરતી કંપાવે છે. સસલાભાઇએ હિંમત ભેગી કરવા માંડી. ‘આવી જા, મગતરા, જોઇ લે આ છેલછોગાળા રાણાજીનો વટ!”

હાથીભાઇ તો મસ્તીમાં ને મસ્તીમાં ચાલતા હતાં. એમના પાછલા પગમાં ગાળીયો ભરાયો. હાથીભાઇને તો એની ખબરેય ન હડી. એ તો ચાલે છે ધમ ધમ. હવે તો સસલાભાઇ તણાયા. એ તો જાય તણાયા, જાય તણાયા. એમના હોશ કોશ ઉડી ગયા.

સસલીબાઇ તો બચ્ચાંને લઇને દોડતાં ત્યાં પહોંચી ગયાં. સસલાભાઇ હાથીને છોડતા નથી એ જોઇને એમને હાથીભાઇની દયા આવી. બિચારો હાથી ! સસલીબાઇ નરવે ગરવે સાદે બોલ્યાં, “છોગાળા, હવે તો છોડો !”
હતું એટલું જોર ભેગું કર્યું ને સસલાભાઇ બોલ્યા, “છોગાળા તો છોડે, પણ સૂંઢાળા ક્યાં છોડે છે !”


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “છોગાળા, હવે તો છોડો! – દલપત પઢિયાર