નવું પ્રભાત, નવી આશાઓ….. – સંપાદકીય 1


પ્રિય મિત્રો,

વિક્રમ સંવત 2066 નું નવું વર્ષ શરૂ થઇ ગયું છે. દિપાવલીની ઉજવણી થઇ ગઇ, ફટાકડા ધૂમાડો થઇને વાયુમંડળમાં ભળી ગયા, મિઠાઇઓ ખવાઇ ગઇ અને નવું વર્ષ આમ જ સહજ રીતે શરૂ થઇ ગયું. બે ચાર દિવસ પછી ફરીથી ધંધા રોજગાર શરૂ થઇ જશે. નોકરી વાળા તો કામ કરવા પણ લાગી ગયા. ગયા વર્ષના લેખા જોખા પણ કરાઇ ગયા, ને આવનારા વર્ષના ભવિષ્ય પણ ભખાઇ ગયા. નવું વર્ષ ઘણી નવી આશાઓ સાથે, અપેક્ષાઓ સાથે આવ્યું છે. પણ આ અપેક્ષાઓ ફક્ત એક તરફી નથી હોતી. કાંઇક મેળવતી વખતે કાંઇક કરવાની પણ તૈયારી રાખવી જોઇએ. દેશ પ્રત્યેની આશાઓ, રાજકારણ અને અર્થકારણ પ્રત્યેની આશાઓ, સામાજીક સંબંધો વિશેની અપેક્ષાઓ અને મિત્રો – શુભેચ્છકો તરફની પણ આશાઓ, અપેક્ષાઓ.

આવતા વર્ષ માટે બધાંએ કાંઇક ને કાંઇક નિર્ણયો, આયોજનો, વિચારો કર્યા છે, અપેક્ષાઓ રાખી છે. ઉત્સવના દિવસોમાં મળતો આ સમય, પરિવાર સાથે, મિત્રો સાથે વીતાવવા મળતો સુંદર સમય ભવિષ્યના વિચારો અને આયોજનો કરવાનો સુંદર અવસર પણ આપે છે. ઉત્સવોનો આ સમય નવો ઉત્સાહ, ઉમંગ અને એક અનોખી તાજગી બક્ષે છે. આ પ્રસંગે ઘણાં વખતથી વિચારી રાખેલા કેટલાક અવ્યક્ત આયોજનો વિશે વાત કરવાની તક ઝડપી લઉં છું.

અક્ષરનાદ.કોમ વેબસાઇટ માટે વાત કરવાનો પ્રસંગ ઘણાં સમય પછી આવ્યો. નવાં ઘણાં આયોજનો અંગેના વિચારો અને એ અંગેની ચર્ચાઓ થતી રહી છે, ઘણી નવી સુવિધાઓ ઉમેરવાની અપેક્ષાઓ છે. મુખ્ય રીતે “અધ્યારૂ નું જગત” બ્લોગ દ્વારા ગમતી કૃતિઓ અને રચનાઓ વહેંચવાનું, સ્વરચિત કૃતિઓ મૂકવાનું, નવા અનુવાદો અને અખતરાઓ કરવાનું અને નવા ઉગતા લેખક મિત્રોને, વાંચકોને લખવા માટે આમંત્રણ આપવાનું જે કામ થતું હતું તે કામ સદાય તેના મૂળભૂત સ્વરૂપમાં થતું જ રહેશે. પણ આ સિવાય નવી સુવિધાઓ ઉમેરવી અને વેબસાઇટને રોજ પ્રકાશિત થતા લેખો વાંચકો સુધી પહોંચતા રહે તે માટે કાર્યક્ષમ તથા અસરકારક રાખવાની જવાબદારી પણ છે. કુલ 1,30,000 થી વધુ ક્લિક્સ સાથે અને તેથી વધુ અથાગ પ્રેમ મેળવતાં, અપેક્ષાઓનું વહન કરતા રહેવા સાથે આગળ વધતાં રહેવું એ જ મુખ્ય આશા છે. અક્ષરનાદ માટે વિચારાયેલા કેટલાક મહત્વના આયોજનો આ મુજબ છે :

લાંબા સમયથી વિચારાધીન યોજના છે વાંચક મિત્રોને વેબસાઇટ પરથી દર મહીને એક ડાઉનલોડ પેકેજ આપવું, સામાન્ય રીતે અક્ષરનાદ તથા મિત્રો દ્વારા બનાવાયેલા વોલપેપર, બુકમાર્ક્સ, સ્ક્રિનસેવર તથા ઇ-પુસ્તકોમાંથી પસંદગીની વસ્તુઓ આ ડાઉનલોડ પેકેજમાં મૂકવાની અપેક્ષાઓ છે. આ અંગેની વધુ યોજનાઓ અંગે અન્ય બ્લોગર મિત્રો સાથે ચર્ચા વિચાર ચાલી રહ્યા છે.

અક્ષરનાદ પર છેલ્લા બે મહીનાઓમાં નવા લેખો, નવી રચનાઓ અને કૃતિઓનું પ્રમાણ વધ્યું છે. એક વાંચકને લેખક બનતો જોવાની પ્રક્રિયા માણવાલાયક ઉત્સવ હોય છે, અને અક્ષરનાદ આ જવાબદારી વધુ ને વધુ નિભાવવા આતુર છે. છેલ્લા કેટલાક સમયથી ઉલ્લેખનીય યોગદાનોમાં શ્રીમતી ડિમ્પલબેન આશાપુરી, શ્રી જીગ્નેશભાઇ ચાવડા તથા શ્રી જયકાંતભાઇ જાની ની કૃતિઓ સમયાંતરે મળતી રહી છે, અને તેમની કૃતિઓ પ્રસિધ્ધ કરવાનો આનંદ અનેરો હોય છે, ક્યાંક તીખા કટાક્ષ તો ક્યાંક પ્રેમભર્યા હ્રદયની સંવેદનાઓ. તો મિત્ર વિકાસ બેલાણી અને તરૂણભાઇ મહેતાની વિવિધ વિષયોને આવરી લેતી ઇન્દ્રધનુષી રચનાઓ પણ સદા આકર્ષે છે. આવી વધુ નવનિર્મિત કૃતિઓ પીરસતા રહેવાની, વહેંચતા રહેવાની નેમ છે.

નવા વર્ષે અન્ય ભાષાઓના સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કરવાની પ્રવૃત્તિને વેગ આપવો છે. વ્યવસાયીક સંપર્કોને લીધે થોડી ઘણી શીખવા મળેલી બંગાળી, મલયાલમ અને પંજાબી ભાષા વધુ વાંચવી અને તે ભાષાની કેટલીક પ્રસિધ્ધ કૃતિઓનો અનુવાદ કરવો અને અક્ષરનાદ પર આપવો એ એક ઇચ્છા ઘણાં સમયથી છે.

મારી કાવ્ય રચનાઓ  છંદમાં નથી બેસતી કે ગેય નથી હોતી એવી વાતને લીધે ગઝલ કે કવિતાના મૂળભૂત સત્વ તત્વ વિશે શીખવું ને સમજવું એ પણ એક મુખ્ય ઇચ્છા છે. ભૂલોમાં આંગળી ચીંધવા માટે ઘણાં કવિ ગઝલકાર બ્લોગર મિત્રોના સહયોગની જરૂરત પડશે, જે સદા મળતો રહ્યો છે અને તે માટે અગાઉથી સર્વેનો આભાર વ્યક્ત કરવા નવ વર્ષનો  દિવસ મળ્યો છે એ વાતનો આનંદ છે.

સામાજીક ઉત્કર્ષ માટે કાર્યરત કે સમાજ પ્રત્યે પોતાની જવાબદારી વિશેષત: નિભાવતા સજ્જનોનો પરિચય અને તેમની પ્રવૃત્તિઓ વિશેની માહીતી આપવાની ઇચ્છા અને તેમને ઉત્સાહ તથા તેમના કાર્યને સન્માન આપવાનો ઉમંગ સદા રહ્યો છે. ગત વર્ષે શ્રી ડો. પ્રફુલ્લભાઇ શાહ સાથેની મુલાકાતનો અહેવાલ આવી જ એક અત્યંત સંવેદનશીલ અવિસ્મરણીય કૃતિ હતી. આવા સજ્જનો અને સંગઠનોને વધુ પ્રકાશમાં લાવી શકાય તેવી મહેચ્છા પણ ખૂબ છે.

નવા વર્ષે ગુજરાતી ભાષાના વાંચનનો વ્યાપ વધે, નવી રચનાઓ અને નવનિર્મિત કૃતિઓ સર્જનોથી અનેકો બ્લોગ છલકાય અને સર્વને સહજતાથી ઉપલબ્ધ આ માધ્યમનો મહત્તમ લાભ ભાષાના મૂળભૂત સ્વરૂપને જાળવવા અને તેના વિકાસ માટે થઇ શકે એવી અપેક્ષાઓ અસ્થાને નહીં ગણાય. નેટ એટલે જાળ, આ જાળમાં સ્વેચ્છાએ બંધાયેલા માછલાં એટલે આપણે સૌ, આમ જ એક તાંતણે બંધાયેલા રહી શકીએ, વધી શકીએ, વિસ્તરી શકીએ એવી શુભકામનાઓ સાથે નવા વર્ષે વિચારોનો આ પ્રથમ લેખ અહીં પૂર્ણ કરું છું.

અને એક ફેરફાર, જે કદાચ તમે નોંધ્યો હશે, અક્ષરનાદ મુખપૃષ્ઠ પર મથાળે ફરતા શે’ર – કાવ્યકણિકાઓ સાથેના ચિત્રોનું નવું સંકલન મૂક્યું છે. આશા છે આપને ગમશે.

સૌને નવા વર્ષની અનેક શુભેચ્છાઓ.

જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “નવું પ્રભાત, નવી આશાઓ….. – સંપાદકીય

  • vikas belani

    નવા વર્ષમાં અક્ષરનાદ આભને આંબશે એવી શ્રધ્ધા સાથે….

    મારી અંતરની શુભેચ્છાઓ.