જીવન થોડું રહ્યું… (ભજન)


તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,
કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.

એના દીધેલા કોલ તમે ભૂલી ગયાં,
જૂઠી માયાના મોહમાં ઘેલા થયાં,
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન…. જીવન થોડું રહ્યું.

બાળપણ ને યુવાની માં અડધું ગયું,
નહીં ભક્તિના મારગમાં ડગલું ભર્યું,
હવે બાકી છે એમાં દયો ધ્યાન…. જીવન થોડું રહ્યું.

પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં,
લોભ વૈભવ ને ધનનો, તજાશે નહીં,
બનો આજથી પ્રભુમાં મસ્તાન…. જીવન થોડું રહ્યું.

જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો,
કંઇક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,
છીએ થોડા દિવસનાં મહેમાન…. જીવન થોડું રહ્યું.

આમ આળસમાં દિન બધાં વીતી જાશે,
પછી ઓચિંતુ કાળનું તેડું થાશે,
નહીં ચાલે તમારું તોફાન…. જીવન થોડું રહ્યું.

એ જ કહેવું આ દાસનું ઉરમાં ધરો,
ચિત્ત ભોલેનાથને ભાવે ધરો,
ઝાલો ઝાલો ભક્તિનું સુકાન…. જીવન થોડું રહ્યું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *