એક આંખની અજાયબી – કુમારપાળ દેસાઇ


1961ની પહેલી જુલાઇનો એ દિવસ હતો. આખો દિવસ મેચ રમ્યા પછી ક્રિકેટ – ખેલાડી મનસૂરઅલી ખાન પટૌડી મોટરમાં બેસી ઉતારા તરફ જઇ રહ્યા હતા. એમના સાથી વિકેટકેપર રોબિન વૉટર્સ એકઘારી ગતિએ મોટર હાંક્યે જતા હતા. એવામાં વચ્ચેના એક રસ્તા તરફથી બીજી એક મોટર ઝડપથી ઘસી આવી. બન્ને મોટરો અથડાઇ. રૉબિન વૉટર્સને કપાળે વાગ્યું અને પટૌડીના જમણા હાથ તથા જમણા ખભા પર ઇજા થઇ. બીજે દિવસે સવારે પટૌડી ઉઠ્યા ત્યારે દાક્તરે કહ્યું કે એમની જમણી આંખમાં મોટરના આગળના કાચની કણી ઘુસી ગઇ છે. આથી ઑપરેશન કરવું પડશે. તાબડતોબ સર્જનને બોલાવવામાં આવ્યા. ઑપરેશન થયું. તરતજ બીજી વાર ઑપરેશન કરવું પડ્યું. ગંભીર ઇજાને કારણે પટૌડીની જમણી આંખ રહી તો ખરી, પણ એનું તેજ સદાને માટે વિલીન થઇ ગયું.

પટૌડીએ સ્કૂલ – ક્રિકેટમાં એની નિશાળની ટીમની આગેવાની સંભાળી હતી. એ સમયથી જ એમણે છટાદાર બેટિંગના શ્રીગણેશ માંડ્યા હતા. સૌથી વઘુ રનના ચાલીસ વર્ષના વિક્રમને એમણે તોડી નાખ્યો હતો. એ પછી યુનિવર્સિટી – સ્પર્ઘામાં પણ એમણે કાબેલ ગોલંદાજોનો સામનો કરીને સુંદર રમત બતાવી હતી. એમણે સતત ત્રણ સદી લગાવીને પોતાની તાકાતનો પરચો બતાવી દીઘો હતો.

બરાબર આજ ગાળામાં જ પટૌડીને અકસ્માત થયો. જેની શાનદાર રમતે ક્રિકેટના અનેક શોખીનોને ખુશ કર્યા હતા, એ છટા ફરી જોવા નહીં મળે?

એક આંખે બીજી કોઇ રમત કદાચ રમાય ખરી, પણ ઘુમતા આવતા દડાની કોઇ રમત ખેલવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ ગણાય. દડાની રમતમાં તો બન્ને આંખની જરૂર પડે. એય વળી ચપળ આંખ હોવી જોઇએ. વળી, પટૌડીને કોઇ સામાન્ય ગોલંદાજીનો સામનો કરવાનો ન હતો. ક્રિકેટના ઉત્કૃષ્ટ ગોલંદાજો સામે ઝીંક ઝીલવાની હતી.

ક્રિકેટના લાંબા ઇતિહાસમાં આ અગાઉ એક આંખવાળા ચાર ખેલાડીઓની નોંઘ મળતી હતી. પણ એકે ખેલાડી એક આંખે બેટિંગમાં સફળતા મેળવી શક્યો નહોતો. આ ચારમાં એક આંખવાળો એક ખેલાડી તો ક્રિકેટના જાદુગર તરીકે ઓળખાયેલા જામ રણજિતસિંહ હતા. એક અકસ્માતમાં રણજિતસિંહે જમણી આંખ ગુમાવી હતી. એ પછી એ પ્રથમ કક્ષાની માત્ર ત્રણ જ મેચ રમી શક્યા. આ ત્રણ મેચ રમવા પાછળ પણ રણજિતસિંહનો હેતુ જુદો જ હતો. એમની ઇચ્છા એક આંખે બેટિંગ કઇ રીતે કરી શકાય તે વિષય પર પુસ્તક લખવાની હતી. જે વિષય પર રણજિતસિંહ પુસ્તક લખવાના હતા તે કરી બતાવવાનો પડકાર યુવાન પટૌડી સામે ઉભો થયો.

ચોતરફ હતાશા ફેલાયેલી હતી. પટૌડીની છટાદાર બેટિંગ જોવા મળશે એવી સહુની આશા પર પાણી ફરી વળ્યું હતું. બઘા માનતા હતા કે હવે પટૌડી સફળ બેટિંગ કરે એ અશક્ય જ છે.

પણ પટૌડીના હદયમાં શ્રદ્ઘા હતી કે પોતે ક્રિકેટના મેદાન પર પાછો આવશે એટલું જ નહિ, પણ એ બેટ્સમેન તરીકે પોતાની તાકાતનો પરચો બતાવીને જ જંપશે.

પટૌડી મનોમન વિચાર કરે : ‘મુસીબત સામે શું હારી ખાવું? ના, ગમે તેટલી આફત આવશે તોપણ હું ક્રિકેટના મેદાન પર પાછો ફરીશ.’

19 વર્ષના પટૌડી અશક્યને શક્ય કરવાનો નિરઘાર કરીને બેઠા હતા. પણ એની આપત્તિનો પહાડ ઊભો હતો. એને ડગલે ને પગલે મુશ્કેલી પડવા લાગી. બે આંખથી કામ કરવા ટેવાયેલા માણસને એક આંખે કામ કરવું શી રીતે ફાવે? એ કુંજામાંથી ગ્લાસમાંથી પાણી રેડે અને માને કે ગ્લાસમાં પડે છે, પણ હકીકતમાં પાણી ગ્લાસમાં પડવાને બદલે ટેબલ પર પડતું હોય ! આવાં રોજિંદાં કામોમાં તો વારેઘડીએ મુશ્કેલી આવે; પણ પટૌડી અની કશી પરવા ન કરે.

આંખના ઑપરશન પછી ત્રણ – ચાર અઠવાડિયાં બાદ પટૌડીએ બેટિંગ કરવાનો પ્રયત્ન કર્યો. પણ  આ શું? બેટ બરાબર વીંઝે પણ દડા સાથે એનો મેળાપ જ ન થાય! દડાની ગતીને પારખીને રમવા જાય તો તેમાં પણ થાપ ખાય. બેટ ઘુમાવીને જોરદાર ફટકો લગાડવા જાય તો બેટ હવામાં ઘૂમે અને દડો પાછળ ચાલ્યો જાય. પટૌડીની પરેશાનીનો પાર નહોતો, પણ એ પરેશાનીથી પાછા પડે તેવાન હતા.

બેટ બાજુ પર મુકી કપાળે હાથ દઇને એ બેસી ન ગયા. એમણે તો રમવાનું ચાલુ જ રાખ્યું. ‘કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે’ એમ માનીને એ વઘુ ને વઘુ રમતા જ ગયા. અનુભવને આઘારે એમણે એક આંખે કેવા દડા ખેલી શકાય તેમ નથી તેનો ક્યાસ કાઢ્યો. એક આંખે દડાની ગતિ પારખવી હોય તો કેવી રીતે ઊભા રહેવું જોઇએ એ એમણે તપાસી જોયું. એમણે બેટ પકડી ઊભા રહેવાની પોતની રીત ફેરવી નાંખી. દડાને પારખવાની પદ્ઘતિમાં ફેરફાર કર્યો. પોતાની મર્યાદાઓ શોઘવા લાગ્યા અને એ મર્યાદાઓને કેવી રીતે ઓળંગી જવી એની સતત મથામણ કરવા લાગ્યા.

એમની આ મથામણ જોઇને કેટલાકે સલાહ આપી: “ભાઇ, તું આ મફતની માથાકુટ છોડી દે.”

કોઇ કહે : “બેટિંગને બદલે બૉલિંગ પર હાથ અજમાવ; એમાં તને આંખની ખામી આડે નહિ આવે.”

કોઇએ સામે ચાલીને સલાહ આપી : “કદાચ તું એક આંખે બેટિંગ કરી શકે અને એથી તને નાની મેચોમાં સફળતા મળે, પણ મોટી મોટી મેચોમાં તો ખૂબ ઝડપી અને ખૂબ કસાયેલા ગોલંદાજોનો સામનો કરવાનો હોય. જ્યાં બે આંખવાળા પણ દડાને પારખવામાં નિષ્ફળ જાય છે, ત્યાં એક આંખવાળો તું કેવી રીતે ફાવશે?”

પટૌડીને આવી આવી ઘણી સલાહ મળે. પણ એમને તો મક્ક્મ મનોબળથી નિશ્ર્વય કર્યો હતો કે મારે બેટિંગ જ કરવી છે અને બેટ્સમેન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કામયાબી મેળવવી છે.

એવામાં એક આનન્દના સમાચાર આવ્યા: ઇ.સ. 1961 – 62 માં ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેડની ટીમ સામે ભારતીય ક્રિકેટબોર્ડના પ્રમુખની ટીમનું સુકાનીપદ પટૌડીને સોંપવામાં આવ્યું. હૈદ્રાબાદમાં રમાયેલી એ મેચ ખેલવા માટે પટૌડી મેદાને પડ્યા. ત્યાં વળી મેદાન પર જ મોટી આફત આવી. એમને છ ઇંચના અંતરે એકસાથે બે દડા પોતાની સામે વીંઝાતા દેખાવા લાગ્યા. છતાં એ હિંમતભેર રમ્યા એટલું જ નહિ, પણ એ પોતાની ટીમ તરફથી સૌથી વઘુ જુલમો નોંઘાવનાર ખેલાડી બન્યા.

પટૌડીની રમવાની છટા અને હિંમતને કારણે કોઇને એમની ઇજાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો નહિ. હજી તો એ ઇજા પામેલા જમણા ખભાથી હાથ ઘુમાવીને દડો ઉછાળી શકતા ન હતા.

એ પછી નવી દિલ્હીની ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ – ટીમના એક ખેલાડી તરીકે પટૌડીની પસંદગી થઇ. ત્યારબાદ પટૌડીએ ટેસ્ટ ક્રિકેટમાં કદી પાછા ડગ ભર્યા નથી. એમણે ઇ.સ. 1961 – 62 ની આ ટેસ્ટ શ્રેણીની પાંચમી ટેસ્ટમાં મદ્રાસમાં શાનદાર સદી કરી. 16 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અઢી કલાકમાં સદી કરીને ભારતને વિજય આપવામાં મહત્વનો ફાળો આપ્યો. આ ટેસ્ટમાં વિજય મળતાં ભારત ઇંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી માં પ્રથમવાર વિજયી બન્યું. હવે પટૌડીએ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્વિત કરી લીઘું. આશ્વર્યની વાત તો એ છે કે આ બઘું એમણે ગંભીર મોટર અકસ્માત પછી માત્ર છઠ્ઠે મહિનેજ કર્યું! એક આંખનું તેજ ઘરાવતા પટૌડીએ બેટિંગની સાથે ફિલ્ડિંગમાં પણ કામયાબી મેળવી. 21 વર્ષની નાની વયે પટૌડીને શિરે ભારતીય ટીમના સુકાનીપદની મોટી જવાબદારી બજાવવાની આવી હતી. એ સમયે એ ક્રિકેટજગતના સૌથી નાની વયના ટેસ્ટ સુકાની બન્યા. આ પછી બેટિંગમાં મનસૂરઅલી ખાન પટૌડીએ  કેટલીય યાદગાર સિદ્ઘિઓ મેળવી. જે કદી બેટિંગ કરશે નહિ એમ માનવામાં આવતું હતું તે પટૌડીએ છટાદાર બેટિંગ, ચપળ ફિલ્ડિંગ અને હિંમતભરી આગેવાની માટે ક્રિક્રટજગતમાં અનોખું સ્થાન મેળવ્યું. રમતગમતની દુનિયામાં પુરુષાર્થના બળે અશક્યને શક્ય કરનારા આ ખેલાડી ‘એક આંખની અજાયબી’ તરીકે હંમેશા યાદ રહેશે.

(‘અપંગના ઓજસ’માંથી સંપાદીત)

આપનો પ્રતિભાવ આપો....