શિક્ષા શાણાને… – દયારામ 1


સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી;
સકલ કામના – સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે.
શિક્ષા શાણાને….

પરોપકાર, પ્રીતિ, મૃદુ વાણી; મોટા જન તે જાણોજી;
નિર્દય, આપસ્વારથી, જૂઠા; તે નીચા પરમાણો.
શિક્ષા શાણાને…..

ખરી મેહેનતનું દ્રવ્ય જોડિયે, નીચ નજર ના કરિયે જી;
પાછલથી પસ્તાવો ઉપજે, હાણ હાંસીથી ડરિયે.
શિક્ષા શાણાને…..

વિના વિચાર્યું કામ કરે તે પાછલથી પસ્તાય જી;
બગડી બૂંદ ન હોજે સઘરે, મળે ન તક જે જાય.
શિક્ષા શાણાને…..

ઋણ કાઢીને ખરચ ન કરિયે, દાટી ન સહિયે દુ:ખજી;
જેહેવી સંપત તેહેવું ભોજન, સદા પામિયે સુખ્ખ.
શિક્ષા શાણાને……

સુખ આવ્યે છાકી ન જૈયે, દુ:ખ આવ્યે નવ ડરિયે જી;
આપણાથી અઘિકાંને જોઇને ગરવ ક્લેશને હરિયે.
શિક્ષા શાણાને…..

લાખ ગમાવી સાખ રાખજો, સાખે મળશે લાખ જી;
લાખ ખરચતાં સાખ નહિ મળે, સાખ ગયે સહુ ખાખ.
શિક્ષા શાણાને……

(’દયારામ રસઘારા’ – 3 વ્યવહાર ચાતુરીનો ગરબો – માંથી સંપાદિત)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “શિક્ષા શાણાને… – દયારામ

  • Ch@ndr@

    લાખ ગમાવિ સાખ રાખજો , સાખે મળશે લાખિ જિઃ
    લાખ ખરચતા સાખ નહિ મળે , સાખ ગયે સહુ ખાખ
    શિક્શા શાણાને.
    ખરેખર સત્ય છે.
    ચન્દ્રા