શું તમે આ ખણખોદ વાંચી? (8) – સંકલિત 8


“જરા વિચારો બાળકો”, શિક્ષકે કહ્યું, “આફ્રિકામાં અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી, તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઇએ?
બાળકોનો હર્ષનાદ થયો ! “આફ્રિકા જવા માટે”

***

સ્ત્રિઓના પગરખાંની એક દુકાનમાં લટકતું પાટીયું, ” દુકાનમાં દાખલ થયા પછી દસ જ મિનિટમાં ખરીદી કરીલો તો દસ ટકા વળતર.”

***

ભાવતાલ કરવામાં સ્ત્રિઓ જે કુશળતા બતાવતી હોય છે, તેવી પતિની પસંદગીમાં પણ બતાવે, તો છૂટાછેડાના કિસ્સા નહિવત થઇ જાય.

***

દીકરીએ આવીને જાહેરાત કરી કે અમુક યુવાન સાથે એણે વૈવિશાળ કરી લીધું છે, એટલે તરત પિતાએ પૂછ્યું, “એની પાસે કાંઇ પૈસા છે?”
“તમે પુરુષો બધા સરખા જ છો “, છોકરીએ જવાબ વાળ્યો. “એણે પણ તમારે વિશે એ જ પૂછેલું.”

***

દરેક માતા એવું ઝંખે છે કે પોતાને મળ્યો તેના કરતાં સારો વર પોતાની દીકરીને મળે. પણ તે એટલું તો સમજે જ છે કે પોતાના દીકરાને, એના બાપને મળી તેવી ઉત્તમ પત્ની નહિં જ મળે.

***

પતિ : હું નાટકની ટિકિટો લાવ્યો છું.
પત્ની : વાહ ! હું હમણાં જ તૈયાર થવા માંડું છું.
પતિ : બરાબર છે, ટિકિટો આવતી કાલની છે.

***

તમારી પત્નીની વિવેક બુધ્ધિ પર ઝાઝો ભરોસો કરવા જેવો નથી ને? સાચું છે, જુઓ તો ખરા, તેણે કેવા માણસને જીવનસાથી તરીકે પસંદ કર્યો છે.?

***

એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી કે “ધોબી પાસે કપડાં ધોવરાવીને, હોટલનું ખાઇને અને કાણાંવાળા મોજા પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી ગયો.”
“માળું, કમાલ કહેવાય, ” મિત્રએ જવાબ આપ્યો, “આ જ તો કારણો  હતાં જેના લીધે મેં છૂટાછેડા લીધાં.”

***

દરેક પુરુષને પત્નીની જરૂરતો રહેવાનીજ. જ્યારે જ્યારે કાંઇક અવળું પડે તો દરેક વખતે એ કાંઇ સરકારનો વાંક થોડો જ કાઢી શકાય?

***

પતિ પત્ની એક સમાજસેવકની સલાહ લેવા ગયાં, “છ વરસના અમારા લગ્ન જીવન દરમ્યાન ” પતિએ ફરીયાદ કરી, “અમે એક પણ વાત પર સંમત થઇ શક્યા નથી….”
“છ નહીં સાત” પત્નીએ સુધારો કર્યો.

***

એક દંપતી પોતાનું નાનું બાળક લઇને નાટક જોવા ગયું. ડોરકીપરે એમને ચેતવ્યાં કે જો બાળક અવાજ કરશે તો એમણે બહાર નીકળી જવું પડશે – જો કે પૈસા પાછા મળી શક્શે.
ખેલ અરધે પહોંચવા આવ્યો હશે, પુરુષે સ્ત્રીના કાનમાં કહ્યું, “તને કેમ લાગે છે?”
“કાંઇ ભલીવાર નથી આમાં” પેલીએ જવાબ દીધો.
“બસ તો પછી, બાબલાને વળ દઇને ચીટીયો ભર.”

***

ઓર્ડર આપ્યા પછી ઘણી વારે વેઇટર આવ્યો એટલે ગ્રાહક ચીડાઇ ગયો, “જેમને મેં ઓર્ડર આપ્યો એ શું તમે પોતેજ?”
વેઇટર : હા જી સાહેબ, કેમ?
ગ્રાહક : હું કોઇક ઘરડા માણસને જોવાની આશા રાખતો હતો.

***

કુદરતી મૃત્યુ એટલે એવા પ્રકારનું મરણ જેમાં દાક્તરની કશી મદદ ન લેવાઇ હોય.

***

સામયિકના તંત્રીએ કવિને પાછા મોકલેલા ત્રણ લીટીના હાઇકુ સાથે આ નોંધ હતી : ” બહુ સરસ છે – સિવાય કે એનું લંબાણ ”

***

રણને કાંઠે આવેલા ગામને પાદર પાંચ હોટેલ ખડી હતી. એમાંથી પહેલી હોટલની આગળ પાટીયું હતું, ” ચા પીવાની છેલ્લી તક – અહીંથી આગળ ચાર હોટલ દેખાય છે તે ઝાંઝવા છે…”

***

એ હોટલનું ભલું પૂછવું, એક વખત મેં ફરીયાદ કરી કે આ ડીશ ભીની કેમ છે? તો જવાબ મળ્યો કે એ તો સૂપ પીરસેલો છે.

***

એક જુવાન સિનેમામાં કિનારાની સીટ પર બેઠો હતો, એક મહાકાય સન્નારી તેનો પગ નિર્દયતાપૂર્વક કચડીને એને બેઠકમાં દબાવીને બહાર જતાં રહ્યા, થોડી વાર પછી હાથમાં ઠંડા પીણા અને ધાણીના મોટા પડીકાં સાથે એ પાછા આવ્યાં.
“હેં ભાઇ, હમણાં તારા જ પગ મેં કચરેલાં?” એમણે પૂછ્યું.
“કચરેલા તો ખરાં, પણ હશે એ તો ભૂલથી….”
“બસ” તે બોલી ઉઠ્યાં, “આ જ મારી લાઇન છે”.

( “હાસ્ય માળાનાં મોતી” – સંપાદન : મહેન્દ્ર મેઘાણી માંથી સાભાર)


Leave a Reply to Ch@ndr@Cancel reply

8 thoughts on “શું તમે આ ખણખોદ વાંચી? (8) – સંકલિત