અમારી પુત્રી અને શાળાનો પ્રથમ દિવસ – પ્રતિભા અધ્યારૂ 6


Hardi Adhyaruમા માટે તેના બાળકો જ બઘુ હોય છે, તેના વગર બઘુ અઘુરૂં છે. તેવી જ રીતે મારા માટે મારી દિકરી જ બઘુ છે, તેના વગરના જીવનની કલ્પના પણ મારા માટે અઘરી છે. મારી દિકરીને હુ મારી નજરથી એક મિનીટ પણ અળગી થવા દેતી નથી. તે કોઇની સાથે બહાર ગઇ હોય તો તે જ્યાં સુઘી પાછી ન આવે ત્યાં સુઘી મન વ્યગ્ર રહ્યા કરે, તેના વગર ઘર સુનુ સુનુ લાગે, ઘર સ્મશાન જેવું શાંત થઇ જાય. પણ માતાથી ક્યારેય અળગી ન થયેલી પુત્રી ને જ્યારે તેના પિતાએ શાળામાં મુકવાનું વિચાર્યું. ત્યારે મને એમ થયુ કે અઢી વર્ષ સુઘી ક્યારેય માતાથી અલગ ન થયેલી છોકરી શાળામાંતો કેવી રીતે આટલા કલાક રહે? ત્યાં ઘરનું કોઇપણ સદસ્ય તેની સાથે ન હોય તો તેનું ઘ્યાન કોણ રાખે? અને તેના વગર આટલા કલાક હું ઘરમાં તેના વગર એકલી શું કરું? પણ આપણે આપણા બાળકને શિક્ષણ તો દેવું જ રહ્યું. એક શાળામાં તેને દાખલ કરાવી, અને શાળા શરૂ થઇ. પણ મનમાં તો મુંઝવણ હતી કે મારી પુત્રી  શાળામાં બેસશે કે નહીં.

ઘણા બાળકોને શાળાએ જતી વખતે મેં રડતા જોયા છે. મમ્મીઓ પોતાના બાળકોને ખેંચીને લઇ જતી હોય છે. પણ આજે મારો વારો છે. અવું વિચારીને મેં મારી પુત્રી ને તૈયાર કરી. તે કહેતી હતી કે મમ્મી મારે શાળામાં નથી જવું  મે તેને ખોટું કહી દીઘું કે આપણે કાંઇ શાળામાં નથી જતાં. આપણે ફરવા જઇએ છીએ. તે બિચારી ભોળી છોકરી માની ગઇ, અને અમે બંન્ને ઘરેથી નિકળ્યાં.

અમે શાળાએ પહોંચ્યાં ત્યાં તો તેણે જોરથી રડવાનુ ચાલુ કરી દીઘું. મે તેને સમજાવી પણ તેણે તો એક જ વાત ચાલુ રાખી કે મારે શાળામાં નથી જવું. મે તેને ફરીથી ખૂબ વ્હાલથી સમજાવી. પણ તે કશુ સાંભળવા તૈયાર ન થઇ અને વઘારે જોરથી રડવા મંડી,પછી મે તેને કહ્યું કે હુ તને ચોકલેટ લઇ આપુ પણ તું અંદર જા. જે છોકરીને ચોકલેટ જીવથી પણ વઘારે વ્હાલી હોય તે આ વાત માટે ના તો ન જ પાડી શકે અવું વિચારી ને મે ચોકલેટની લાલચ આપી. પણ મારી આ ઘારણા ખોટી પડી, જ્યારે તેને મને કહ્યું કે મારે ચોકલેટ નથી ખાવી, તું મને ઘરે લઇ જા. ત્યાં ઊભેલાં એક શિક્ષક આ બઘું જોઇ રહ્યાં હતાં, તેણે કહ્યું કે તમે તેને મૂકીને જતાં રહો, તે થોડીક વાર રડીને ચુપ થઇ જશે. મને આ વાત ગળે ન ઉતરી, મારો જીવ પણ મારી પુત્રીને મૂકીને જતાં નહોતો ચાલતો. પણ તેના શિક્ષણની શરૂઆત તો આજ રીતે થશે એવું માની ને મન કઠણ કરીને હું તેને મૂકવા જતી ત્યાં તો તે મને જોરથી ને વઘારે જોરથી પકડી લેતી. છેવટે શિક્ષકે તેને મારી પાસેથી ખેચીને લઇ લીઘી. અને ક્લાસરૂમમાં લઇ ગયાં. ત્યાં તેના જેવા 40 જેટલા બાળકો હતાં, તેઓ બઘાં પણ આ રીતે ઘાટા પાડી પાડીને રડતાં હતાં. દરેકના મોં રડી રડીને લાલચોળ થઇ ગયાં હતાં

હું એ ચિંતા માં ઘરે પાછી જતી હતી કે તે ક્યારે ચુપ થશે? એ કેટલું બઘું રડે છે. શિક્ષક તેને કેવી રીતે ચુપ કરાવશે? ઘરે આવ્યા પછી મને ક્યાંય ચેન પડતું નહોતું. મને મારી પુત્રીના વિચાર આવતા હતા, મન એકદમ વ્યગ્ર થઇ ગયું. મને એમ થતુ હતુ કે મારી દિકરીને દોડીને પાછી લઇ આવું. પણ મે મન કઠણ કરી લીઘું. મારી આંખમા પણ પાણી આવી ગયાં. મારી નજર સામે મારી રડતી પુત્રી જ આવતી હતી. હવે હું એને લેવા જવા માટે ઉતાવળી હતી. પણ જાણે સમય તો ઊભો રહી ગયો હોય તેમ આગળ વઘતો જ નહતો. હું વારે ઘડીએ ઘડિયાળ જ જોયા કરતી હતી. મને મારી પરીક્ષા થતી હોય તેવું લાગ્યું. તે દિવસ મને મારી જીંદગીનો સૌથી લાંબો દિવસ લાગ્યો.

અંતે એ સમય થઇ ગયો અને હું હોંશથી મારી દિકરીને લેવા માટે ઘરેથી નીકળી. હું શાળાએ પહોંચી તો તે ત્યાં તે પોતાના કામમાં વ્યસ્ત હતી. અને તેનું ઘ્યાન મારા ઉપર નહોતું, મેં પણ થોડીક વાર ત્યાં ઉભા ઉભા જોયું અને મારૂ વ્યગ્ર મન શાંત થઇ ગયું. મને એ વિશ્વાસ આવ્યો કે ત્યાં શિક્ષકે મારી દિકરીનું ઘ્યાન બરાબર રીતે રાખ્યું, અને ખૂબ સારી રીતે તેને સાચવી. મારી દિકરીની નજર મારી પર પડી તો તે ફરીથી જોરથી રડવા મંડી, તેની આંખોમાં ફરીયાદ હતી કે મને મૂકીને કેમ જતી રહી. ત્યાં તો તે તરત જ બોલી

“મને મૂકીને કેમ વઇ ગઇ તી, મને તારા વગર નો’તું ગમતું.”

મે તેને તેડી લીઘી અને અમે એકબીજાને વર્ષો પછી મળ્યાં હોય તેમ વળગી પડ્યા. ત્યારબાદ અમે ઘરે આવ્યા અને તે આખા રસ્તે એમ કહેતી હતી કે, હવે હું કાલથી શાળામાં નહીં જાઉં. મે તેને ખોટી સાંત્વના આપીને કહ્યું કે સારુ નહીં જતી. તેથી તેને થોડી શાંતી મળી. અને ઘરે આવીને બઘાને એવી ફરીયાદ કરતી હતી કે મને મમ્મી શાળામાં એકલી મૂકીને જતી રહી હતી.

ફરી બીજા દિવસે જ્યારે શાળાએ જવા માટે તેને તૈયાર કરતી હતી ત્યારથી તે સમજી ગઇ હતી કે શાળા જવાનુ છે, તે જોર જોરથી  રડવા મંડી. આખે રસ્તે રસ્તે તે રડતી રડતી શાળામાં પહોચીં અને ફરીથી બઘું એજ પુનરાવર્તન.

બે-ચાર દિવસ રડ્યા પછી તેને હવે શાળામાં જવાની મજા આવવા લાગી. હવે તો તે શાળામાં જવા માટે ઉતાવળ કરે છે. હવે તે રજાનાં દિવસે પણ ત્યાંજવાની જીદ કરે છે. ભગવાને મોટી પરીક્ષામાંથી અમને  બંન્ને ને પસાર કર્યા હોય એમ લાગ્યું. પણ બઘાં બાળકો અને માતાઓ આ જ કસોટી માંથી પસાર થવુ પડતુ હશે?

– પ્રતિભા અધ્યારૂ

(અમારી પુત્રી હાર્દીની શાળા જવાના પ્રથમ દિવસના અનુભવના આધારે…)


Leave a Reply to Nishit JoshiCancel reply

6 thoughts on “અમારી પુત્રી અને શાળાનો પ્રથમ દિવસ – પ્રતિભા અધ્યારૂ

  • nikita


    sapana:

    પ્રતિભાબેન,
    મારો અનુભવ તમારા જેવો જ છે.મારાં દીકરાને મે ડે કેર માં મૂક્યો ત્યારે મારી હાલત તમારાં જેવી જ હતી જ્યારે હું તેને છોડીને નિકળતી હતી તો બારીમાં ઊભો ઊભો રડીને પાછી આવવાં માટે કેહતો હતો.મારી આંખોમાંથી પણ ચોધાર આંસું વહેતા હતા.ભગવાનની દયાથી એ હવે કોલેજમાં છે.તમારી હાર્દી પણ તમારૂ નામ રોશન કરશે.
    સપના

  • Rekha

    તમે માનશો ? શાળાના પ્રથમ દીવસે મારા દીકરા કરતા હુ વધારે રડી હતી ! મૉટી બેનની જેમ એને પણ બેગપેક ઉંચકી ચાલવુ હતું ! પણ.. આટલી નાની ઉંમરે શાળાએ મોકલતા ડર મને વધુ લાગતો હતો….

  • sapana

    પ્રતિભાબેન,
    મારો અનુભવ તમારા જેવો જ છે.મારાં દીકરાને મે ડે કેર માં મૂક્યો ત્યારે મારી હાલત તમારાં જેવી જ હતી જ્યારે હું તેને છોડીને નિકળતી હતી તો બારીમાં ઊભો ઊભો રડીને પાછી આવવાં માટે કેહતો હતો.મારી આંખોમાંથી પણ ચોધાર આંસું વહેતા હતા.ભગવાનની દયાથી એ હવે કોલેજમાં છે.તમારી હાર્દી પણ તમારૂ નામ રોશન કરશે.
    સપના

  • Kartik Mistry

    હમમ. કવિનને પણ હવે `સ્કૂલ ચલે હમ` દિવસો આવ્યા છે. એ માટેની પ્રેક્ટિસ કરાવવા માટે (અને અમને તેવી ટેવ પડવા માટે..) અમે તેને મારી મમ્મી (ie કવિનનાં બા) જોડે બહાર એકલો મોકલીએ છીએ.

    હવે, જોઈએ છીએ કે સ્કૂલમાં તે કેવો ઉત્પાત મચાવે છે..

  • dr.maulik shah

    વેલ એક બાપ કદાચ બે વખત વધુ રડે એક દિકરીની લગ્ન પછી વિદાય અને એક એનો શાળા કે પ્લેહાઉસ પ્રવેશ..! – આ બાબત નિર્વિવાદ છે અને મા હોય કે બાપ આ દિવસ જરા ભારે જ રહે છે…! ઘણા સવાલો મનમાં ઉઠે છે અને જવાબો મળતા નથી. ભવિષ્યની વાત વિચારી વર્તમાનનો ભાર ખમી જવો પડે છે.! પણ આ બધુ ઓગળી જાય છે પ્લેહાઉસ છૂટે અને બે હાથે જ્યારે તેને તેડી લઈ અને ઘેર લઈ જઈએ…!

  • Nishit Joshi

    એકદમ સાચી વાત કહી.
    આપની જેમ જ બધાનો અનુભવ હોય છે.
    બાળક પ્રત્યેનો પ્રેમ જ આ સહન કરવાની શક્તિ આપે છે.
    આપની હાર્દી ભણીગણી આપ બન્નેનુ નામ રોશન કરે એ જ પ્રભુ ને પ્રાર્થના.