ત્રણ કવિતાઓ – જીગ્નેશ ચાવડા 12


1. આભાસ એક સંબંધનો

એક ધૂંધળી તસ્વીર મેં જોઇ પાણી તરંગમાં,
જોતો હતો હું ને દેખાતું મુખ આપનું એ ભ્રમરમાં,

શબ્દોનો સહારો લઇ તે વર્ણવા જો કલમ તાકી
તે ક્ષણ એક અજાણ જણે પથ્થર નાખ્યો એ વમળમાં
એક ધૂંધળી …

સૂર્યની કિરણ એમાં રંગો પૂરતી દેખાતી હતી,
જેમનો આભાસ પડતો હતો તે, જળ અને ગગનમાં
એક ધૂંધળી …

મનડામાં તમારૂ મુખારવિંદ જોવાની તલપ હતી,
આશા અધૂરી રહી એ માછલીના હલબલાટમાં.
એક ધૂંધળી …

કડી મહેનતના અંતે એ ચિત્રના પામી શક્યો ‘જીગ’
નિઅર્થ ગડમથલ પૂરી થઇ એ ત્યારે અંધકારમાં.
એક ધૂંધળી …

2. એક પ્રાર્થના

એક પ્રાર્થના, એક પ્રાર્થના, નિત્યે કરું એ પ્રાર્થના
વિધિ વિડંબના એ વિચરું છું
તારી એક તસ્વીર તરસું છું,
તવ સ્મરણ રહે નિતદિન મનમાં … નિત્યે કરું …

પ્રત્યેક સંબંધોમાં રાચું છું,
યાદ નિત્યે તુજને કરું છું,
આપ બિરાજો મુજ અંતરમાં … નિત્યે કરું

સમે સમેના કાર્ય કરું છું,
આપ પ્રતાપે આજ સફળ છું,
તૂં ના ભુલાયે મુજ ગુમાનમાં … નિત્યે કરું

સર્વ શક્તિ તુજને માનું છું,
ગદ ગદ ભાવે તમને અર્ચું છું,
થાય તુજ દર્શન ‘જીગ’ જીવનમાં … નિત્યે કરું …

3. અંતરનાદ

આજ ગૂંજે એવા તરંગ અંતરે,
જાણે સ્વ -જાત ઝણકાર જતાયે.
આ તે કેવો કસબ છે કુદરત નો ?
કોઇક તો મુજને કહી સમજાવે.

લોક કોલાહલ નો ડર નહી મનને,
ઝૂમુ હું મસ્ત બની નિત્યે.
શોધવા મથુ સાર એ વાતનો,
કે ડર લાગે એ અંતે – એકાંતે ?

સ્નેહ સબંધો નિત્યે સર્જાયે,
જોત જોતા જમાના વીતી જાયે.
સર્વને મળે એ સ્પર્શ મંઝીલનો,
કા મુજ સ્મરણે સૂનામી આવે ?

આજ અટક્યો સૃષ્ટિ તોફાને,
બચવાનો માર્ગ બંધ અત્યારે.
પ્રભુ નામે પાર આ દુઃખનો,
કેમ ના આવે ઇ’ મારા આવાજે ?

સાકાર સપના કરી આ લોકે,
માનવો મૃત્યુ પળ-પળ પામે,
વિના સફળતા આનંદ અંતનો,
‘જીગ’ સાદ યમ પણ ના સાંભળે !

( શ્રી જીગ્નેશ ચાવડા અમારી કંપનીમાં મિકેનીકલ ઇજનેર ( ગુણવત્તા નિયંત્રણ વિભાગ) છે અને અહીંના ઘણા સહકર્મીઓની જેમ કવિતા એ તેમનો શોખ છે. તેમની એક કવિતા આ પહેલા મિત્ર વિકાસ બેલાણીના બ્લોગ પર પ્રસિધ્ધ થઇ ચૂકી છે. પોતાની ક્ષમતાઓ અને કળાને કવિતાના રૂપે ઢાળવાનો તેમનો પ્રયત્ન આપની સમક્ષ છે.

પીપાવાવથી મહુવા આવવા અને જવાનો અમારો રોજીંદો ઉપક્રમ ઘણી રચનાત્મક પ્રવૃત્તિઓ અને શોખ પોષવાની સગવડ છે. પોતાને ગમતુ સંગીત સાંભળતા મહત્તમ મિત્રો ઉપરાંત મારી જેમ કોઇક પુસ્તક વાંચતા અને ક્યારેક આવી રચનાઓ કરતા જોવા મળે. પહેલા અધ્યારૂ નું જગત અને હવે અક્ષરનાદની બધી કૃતિઓ વિશે વાંચન અને વિચારો આ બસ યાત્રાની ઉપજ છે. મિત્ર જીગ્નેશ ચાવડાને આવી જ એક બસ યાત્રા દરમ્યાન કવિતા લખવાનું કામ આગળ ધપાવવાના આપેલા આમંત્રણને તેમણે સહર્ષ સ્વીકાર્યું અને એ રચનાત્મક કાર્ય ફરી શરૂ કર્યું તે ખૂબ આનંદની વાત છે. આ માટે તેમનો ખૂબ આભાર.

– જીગ્નેશ અધ્યારૂ )


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “ત્રણ કવિતાઓ – જીગ્નેશ ચાવડા