ફાનસ તારા હાથમાં છે – હરીન્દ્ર દવે 6


ઘણી સદીઓ પહેલા આ વાત બની હતી એમ કહેવાય છે. કોઇ એક ગામમાં વાત પ્રસરી કે કોઇ ચમત્કારી મહાત્મા થોડે દૂર આવેલા પર્વતોમાંના એક પર નિવાસ કરી રહ્યા છે. ચમત્કારની વાત ફેલાતા વાર નથી લાગતી. લોકોને પુરુષાર્થ કરતાં ચમત્કારમાં વધુ રસ પડે એ સ્વાભાવિક છે. કોઇ સલાહ આપે કે પ્રામાણિકપણે મહેનત કરો અને તમને અવશ્ય સફળતા મળશે તો એમાં જલદી શ્રધ્ધા ન બેસે. પણ જો એમ કહેવામાં આવે કે ચોક્કસ સંત, ફકીર, મહાત્મા કે ઓલિયા તમારા માથા પર હાથ મૂકે અને બેડો પાર થઇ જશે તો તરત જ વિશ્વાસ મૂકવાનું મન થાય. સહેલાઇથી મળે તેમાં સૌ કોઇને રસ હોય છે.

એ ગામમાં એક યુવાન રહેતો હતો. તેને કાને આ મહાત્માની વાત પહોંચી. આ યુવાનને આધ્યાત્મિક સાધનામાં ઉંડો રસ હતો. ગામમાં કોઇ પણ સાધુસંત આવે તો એ માર્ગદર્શન લેવા પહોંચી જાય. આ મહાત્માની વાત સાંભળી એટલે તેને કોણ મળી આવ્યું છે એની તપાસ શરૂ કરી. મોટા ભાગના લોકો તો સાંભળેલી વાત જ કહેતા હતા. તેઓને આ સંત સુધી પહોંચવાની ફુરસદ જ નહોતી. હા, પંદર વીસ માણસો તેમને શોધવા ગયા હતા; મોટા ભાગનાને તો એ મહાત્માનો પત્તો ના મળ્યો. તેઓ પાછા ફર્યા. બે ચાર જણા જ એ મહાત્માના મુકામ સુધી પહોંચી શક્યા હતા. પરંતુ એ સ્થાનક શોધવામાં તેઓને બહુ મુશ્કેલી પડી. પહોંચ્યા પછી મહાત્માએ તો માત્ર આશિર્વાદ જ આપ્યા. ન ભભૂતિ આપી, ન સત્તા કે લક્ષ્મીની આજીજીનો જવાબ આપ્યો. તેઓ પણ હતાશ થઇને પાછા ફર્યા હતા અને આ યુવાનને આ માણસ પાછળ સમય ન બગાડવાની સલાહ આપી.

પરંતુ યુવાને તો ત્યાં જવાનો નિર્ણય કરી લીધો હતો. તેને ન સત્તા કે ધન જોઇતા હતાં, ન નામ કે ન પ્રતિષ્ઠા જોઇતી હતી. એટલે મહાત્મા પોતાને અંતરથી આવકારશે એવી શ્રધ્ધા હતી. પોતે કોઇ ભૌતિક વસ્તુની આશાએ જતો નથી એટલે એને વાંધો નહીં આવે એવું તેને લાગ્યું.

આ લોકો પાસેથી સ્થાનકની નિશાની લઇને એ શોધમાં નીકળી પડ્યો. પર્વતોમાં શોધતા રાત પડી જાય એવો સંભવ હતો એટલે સાથે ફાનસ પણ લીધું હતું…. બન્યું પણ એવું કે પર્વતમાં કોઇ રસ્તો બતાવે નહીં. સાંજ પડી ગઇ. અંધારૂ થઇ ગયું. ફાનસના અજવાળે આ  યુવાન જતો હતો. ત્યાં એની નજર પથ્થર પર બેઠેલા એક આકાર ઉપર પડી. એ જ પેલા મહાત્મા હતા. એણે ફાનસ બાજુએ મૂકીને મહાત્માને દંડવત પ્રણામ કર્યા.

મહાત્મા હસ્યા : “બેટા, આટલી રાત પડ્યે શું કામ આવ્યો છે?”

યુવાને કહ્યું : “બાપજી, મારે ધન, વૈભવ કંઇ જોઇતું નથી. મને સાક્ષાત્કારનો રસ્તો બતાવો.”

મહાત્માએ કહ્યું : “રસ્તો બતાવનાર તો તારી પાસે છે. હું તો અંધારામાં બેઠો છું.”

યુવાનને સમજ ન પડી.

“બાપજી, તમારા જેવા ગુરુ વડે તો જિંદગી બદલાઇ જાય.” તેણે આજીજીપૂર્વક કહ્યું.

“હા, ગુરૂ મળે અને રસ્તો બતાવે તો જિંદગી બદલાઇ જાય એ તો હું માનું છું. પણ જેની પાસે રસ્તો બતાવનાર ગુરૂ હોય એ બીજે આંટા મારે એનો શો અર્થ?”

“મારે કોઇ ગુરૂ નથી.”

“અત્યારે અંધારૂ છે?”

“હા.”

“આવા અંધારામાં તું રસ્તો કરીને આવ્યો ?”

“હા.”

“અંધારામાં તને રસ્તો કોણે બતાવ્યો?”

“હું ફાનસ લઇને નીકળ્યો હતો.”

“તો પછી ફાનસ લઇને નીકળી પડ. રસ્તો આપોઆપ મળી જશે. તારા હાથમાં ફાનસ હોય તો તારે કોઇને પૂછવું પડતું નથી કે કેડી ક્યાં છે, વચ્ચે પથ્થર છે કે નહીં. ભગવાનના રસ્તાનું પણ એવું જ છે. જેવું ફાનસ તારા હાથમાં છે એવું તારા હ્રદયમાં છે. એને પૂછ કે રસ્તો ક્યાં છે. દુનિયાને પૂછ્યે શો દિવસ વળશે?”

યુવાન સ્તબ્ધ બની સાંભળતો રહ્યો.

મહાત્માએ વાતને દોહરાવતા કહ્યું, “ફાનસ તારા હ્રદયમાં છે, તું એને અજવાળે ચાલતો નથી અને જે અંધારામાં બેઠો છે તેની પાસે રસ્તો પૂછે છે?”

“પણ ગુરુનો મહિમા તો છે જ.” યુવાને દલીલ કરવા કોશિશ કરી.

“હા, પણ એ તારી ભીતર રહેલા ઉજાસ વિશે તને જાગ્રત કરે એટલો જ. એ ફાનસ તારે જ પ્રગટાવવાનું છે. તારે જ એ હાથમાં ઝાલવાનું છે. તારે જ એના ઉજાસને સહારે રસ્તો કરવાનો છે. રસ્તા પરના ઝાંખરા કે બીજા અંતરાયો દૂર કરવાના છે. તારી પાસે ફાનસ છે અને એનો ઉપયોગ કર. એટલું કહું ત્યાં જ મારું કામ સમાપ્ત થઇ જાય છે.”

આ કથા કોઇ ઇતિહાસમાં નથી. છતાં રોજેરોજ બનતી જ રહે છે. માણસ પોતાની પાસે જ પોતાના મોક્ષનો માર્ગ હોવા છતાં માર્ગદર્શનની તલાશમાં ભટકતો રહે છે. વહેલો કે મોડો જન્મજન્માંતર પછી પણ રસ્તો તો માણસે પોતે જ શોધવાનો છે.

બુધ્ધે કહ્યું હતું : “શાણો માણસ અજ્ઞાનીને પ્રકાશ આપનારી મશાલ છે.” વાસ્તવમાં બુધ્ધ એમ પણ કહે કે કોઇ અજ્ઞાની જ નથી. દરેક પાસે પ્રકાશ છે. માત્ર એ પ્રકાશ ક્યાંથી મેળવવો એનો શાણા માણસને ખ્યાલ નથી. આપણને ગુરુ મળે તો એ આપણામાં પ્રકાશ ક્યાં રહ્યો છે એ મેળવવામાં જ મદદ કરે છે. દતાત્રેયની માફક ગુરુ વિના પણ આ પ્રકાશ શોધી શકાય છે. મહિમા પ્રકાશનો છે.

( શ્રી હરીન્દ્ર દવેની મનગમતી ખૂબ સુંદર રચનાઓનું સંકલન કરીને તૈયાર કરવામાં આવેલા પુસ્તક સુગંધ માંથી સાભાર. સંપાદન શ્રી ગોપાલભાઇ પટેલ)


Leave a Reply to Ch@ndr@Cancel reply

6 thoughts on “ફાનસ તારા હાથમાં છે – હરીન્દ્ર દવે