ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2) 2


આ યાત્રાનો પ્રથમ ભાગ આપે ગઇકાલે અહીં વાંચ્યો. આજે વાંચો આ અધ્યાત્મ યાત્રાનો બીજો ભાગ…

એક ઘટાદાર વડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એ વસ્તુ કદાચ માન્યામાં ન આવે પણ આ વડ વિશે એમ કહેવાય છે કે લગભગ પાંચેક કિલોમીટર દૂર તેનો મુખ્ય થડો (ઝાડનું મુખ્ય થડ) ઘણા વર્ષો પહેલા હતો. વડવાઇઓ જમીનમાં ઉતરતી રહી, નવી વડવાઇઓ આગળ વધતી રહી અને ઝાડ જાણે ચાલતું રહ્યું. આજે પણ તમે એક નજરમાં આ આખો વડ ન જોઇ શકો એટલો વિશાળ તેનો ઘેરાવો છે. તેની એક મોટી વડવાઇમાં માતાજીના આકારની આકૃતિ રચાઇ છે અને જાણે માતાજીનો નાનકડો ગોખ જોઇ લો. એ ગોખની આસપાસ લોકોએ શ્રધ્ધા અને અહોભાવથી મંદિર બાંધ્યુ હતું.

વર્ષો પહેલા કોઇક સદગૃહસ્થને એમ થયું હશે કે હું અહીં દુનિયામાં આવીને એવા કયા કામ કરૂ છું, એવી કઇ પ્રવૃત્તિ કરૂ છું કે જેમાં મારો સ્વાર્થ નથી. શું આ એ જ કામ છે જે કરવા માટે મારો જન્મ થયો છે? કે પછી માર્ગ ભૂલેલા પથિક જેમ હું રસ્તો ભટકી ગયો છું. કદાચ એમના હ્રદયમાં એ વૈભવશાળી સ્પંદનો જાગ્યા હશે જેની અસરને લીધે તેમણે સંસાર અને તેની બધી મોહ માયા, બધા સંબંધો અને બધી દુન્યવી રીત રસમોથી છેડો ફાડ્યો હશે. બાપુના પૂર્વાશ્રમ વિશે મને થોડીક માહીતી હતી, બાકીનું જાણવું હતું પણ કોઇ પણ સંતને  મહાત્માને તેમના પૂર્વાશ્રમ વિશે ન પૂછાય એવી મારી માન્યતાનું પડ હું ભેદી ન શક્યો. બાપુનું સાચું નામ તો ગમે તે હશે પણ અહીં તે જંગવડના બાપુ તરીકે પ્રસિધ્ધ છે. જંગવડની વડવાઇઓ નીચે એક નાનકડી ઓરડી, એક ધૂણી, એક ચીપીયો, થોડાક વાસણો, એક બે ગોદડી જેવા અહીં આસપાસના ગામના લોકોએ વસાવેલા સાધનો અને બાપુની નાનકડી જરૂરતોની વચ્ચે આ ઓરડી મને પ્રભુના નામની અલખ ધૂણી જેવી લાગી. મનમાં ક્યાંક અગોચર ખૂણે “ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની ને અલખના એ ધામની રે…” વાળુ ભજન જાણે વારંવાર પડઘાવા લાગ્યું. કેટલાક મિત્રો નહીં પણ માને પરંતુ જેવા અમે એ વડના ઘેરાવામાં પ્રવેશ્યા કે બધાંજ મનોભાવો શાંત થઇ ગયા, બધી જ આકાંક્ષાઓ અને દુ:ખો વિસારે પડી ગયા અને મનમાં ચોતરફ આનંદ જ આનંદ વ્યાપી રહ્યો.

જીવનમાં ક્યારેક કોઇક એવી ક્ષણ પણ આવવી જોઇએ કે જ્યારે આપણે આપણી હયાતીના, આપણા જન્મ મરણના આ ફેરામાં આવ્યાના કાર્યને સાર્થક ઠેરવવાના ઉપાયો અને વિકલ્પો વિચારી શકીએ. ક્યાંક ડાયરીના ખૂણે મેં લખેલી એક કડી યાદ આવે છે કે

“જીવનમાં કોઇ એક ક્ષણ એવી થાય, જ્યારે થવા નદી દરીયો પાછો ઉંધો ફંટાય”

વિશ્વકલ્યાણની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઇને ઘર છોડતા બુધ્ધને કયા વિચારો આવ્યા હશે? શું તેમને તેમના સગા વહાલા, તેમના પત્ની, તેમના પુત્રની જરાય યાદ નહીં આવી હોય? આપણને કોઇ આપણું ઘર એક દિવસ માટે પણ છોડવા કહે તો આપણો પ્રતિભાવ કેવો હોય? તો જીવનભર બધાંનો ત્યાગ કરીને પર સુખ માટે સત્તત કાર્ય કરવું એ કેટલું કપરૂ હશે એ સમજી શકાય એવી વાત છે. પરંતુ એક વિશાળ વિકલ્પ સામે આવી સંત પ્રતિભાઓએ પોતાના સુખ દુ:ખની પરવા ન કરી. બધાનાં હાથની એ વાત નથી. જંગવડ બાપુ પણ સંસાર, કુટુંબ, ઘર ને માલ મિલ્કત છોડીને અહીં આવ્યા હતાં અને આ જગ્યા હવે તેમની કર્મભૂમી છે, અહીં તેઓ ઘણા વર્ષોથી જંગલની વચ્ચે એકલા રહે છે, પ્રભુભજન કરે છે અને પ્રભુભક્તિ અને સેવાની સુવાસ ફેલાવે છે એ વાત મને રસ્તામાં વીરાભાઇ અને લક્ષ્મણભાઇએ કરી.

લાંબી દાઢી, વેધક આંખો અને સરળ સ્વભાવ એ જંગવડ બાપુની લાક્ષણીકતાઓ છે. અમે જંગવડ પહોંચ્યા તે દિવસ ચૈત્ર મહીનાનો બીજો દિવસ હતો અને બાપુ નવરાત્ર દરમ્યાન નકોરડા ઉપવાસ કરે છે અને એ દરમ્યાન ગામમાં પણ નથી જતા એ વાત પણ જાણવા મળી. અમને જોઇને તે માળા કરતા ઉભા થઇ ગયા. બધા તેમનો ચરણસ્પર્શ કરી તેમની પાસે બેઠાં. બીજા બધાને તો તેઓ ઓળખતા હતા એટલે લક્ષ્મણભાઇ અને વીરાભાઇએ તેમને મારો પરિચય કરાવ્યો. અને અમારે ત્યાં રસોઇ બનાવીને જમવાનો કાર્યક્રમ છે એ પણ તેમને કહ્યો. બાપુ કહે પહેલા તમે માતાજી અને શિવના દર્શન કરી લો.

અમે માતાજીના મઢ પાસે પહોંચ્યા. બાપુએ જાળી ખોલી આપી. ઉંદરડાઓ અખંડ દીવાને ઘણી વખત પાડી નાખે છે એનાથી બચાવવા ત્યાં ગોખની બહાર લોખંડની પાતળી જાળી લગાવેલી છે. ઝાડમાં પ્રાકૃતિક રીતે ઉપસેલી બે આંખો, કપાળ, નાક કાન અને ચહેરાની હુબહુ પ્રતિકૃતિ જોઇને કુદરતની રચનાને મનોમન વંદન કરી રહ્યો. બધાં વારાફરથી ત્યાં પગે લાગ્યા એટલે બાપુએ પ્રસાદ આપ્યો અને જાળી પાછી બંધ કરી.

”વીરાભાઇ અને ખીમભાઇ શાક સુધારે, કાંતિભાઇ બળતણ કાપે અને લક્ષ્મણભાઇ અને માયાભાઇ વાસણો ગોઠવે અને ચૂલો બનાવે એવી સૂચનાઓ આપી બાપુ મને ઓરડીમાં લઇ ગયા, પછી હાક મારી લક્ષ્મણભાઇને પણ ત્યાં બોલાવ્યા.

”જો ત્યાં ઉપર બાંધેલી કોથળીમાં કાલે જંગલમાંથી ચીકુ લાવ્યો હતો એ છે, થોડાક પાકાં છે અને થોડાક કાચા, મીઠા શોધીને આ ભાઇને ખવડાવ”

લક્ષ્મણભાઇએ કોથળી ઉતારી અને મને શોધીને બે ત્રણ પાકાં ચીકુ આપ્યા.

“આપણે હમણાં જમવું જ છે તો પછી આ ચીકુ?” મેં પ્રશ્નસૂચક હાવભાવ સાથે લક્ષ્મણભાઇને પૂછ્યું.

”ચીકુ મીઠા છે, જંગલમાંથી લાવેલો છું અને તમે કદાચ શહેરમાં આવા કુદરતી ફળ નહીં ખાધા હોય, ખાઇ જાવ, જુવાનીયા તો દસ દસ ચીકુ ઉલાળી જાય ને ઓડકારોય ન લ્યે” બાપુ મને જોઇ હસતા હસતા બોલ્યા.

”જો કે આજે તમારા નસીબ સારા છે, શાક પણ વીરાભાઇની વાડીનું છે અને કેરીઓ પણ” બાપુ બોલ્યા.

જો કે મને પણ ખબર ન હતી કે અમારા સીધા સામાનમાં કેરીઓ છે. એ પણ મૌસમનો પહેલો પાક જે ભગવાનને ધરવા અહીં લવાયો હતો.

હું જમવાનું થોડીકવાર ભૂલીને ચીકુ ખાવા લાગ્યો. દરમ્યાનમાં અમે સાથે લાવેલા દૂધમાંથી થોડુંક દૂધ એક તપેલીમાં ઠાલવી, તેમાં ચા ખાંડ નાખી બાપુએ ધૂણી પર ચા બનાવવા મૂક્યું. અને ચા બની ગઇ એટલે બીજા બધાને બોલાવીને પીવડાવી.

ચા પીને બહાર આવ્યાં તો હજી કાંઇ વ્યવસ્થા થઇ ન હતી. કાંતીભાઇથી બળતણના લાકડા સહેલાઇથી તૂટતા ન હતા તો વીરાભાઇ અને ખીમાભાઇ શાક થેલામાંથી કાઢી તેને સુધારવાને બદલે વાતો કરવામાં લાગી ગયા હતાં. લક્ષ્મણભાઇ તો અંદર મઢૂલીમાં હતા એટલે વાસણ પણ તૈયાર થયા ન હતા કે ન ચૂલો બન્યો હતો.

બાપુ કહે, “લક્ષ્મણભાઇ, ઓણથી ત્રણ મોટા મોટા પાણા લઇ આવો, અને વીરાભાઇ શાક સુધારવામાં થોડીક ઝપટ કરો.” અને બાપુ પોતે કાંતીભાઇના હાથમાંથી કુહાડી લઇને બળતણના લાકડા કાપવામાં લાગી ગયા. બે દિવસથી નકોરડા રહેલા આ શરીરની સ્ફૂર્તી જોઇને અમે બધાં થાક ભૂલીને કામમાં મંડી પડ્યા. ત્રણ પથ્થર ગોઠવાઇને ચૂલો બની ગયો હતો. બાપુએ બળતણના લાકડા તોડી આપ્યા અને તેમના ટમટમીયા દીવામાંથી થોડુંક કેરોસીન આપ્યું એટલે ચૂલો શરૂ થયો. દરમ્યાનમાં હું, માયાભાઇ, લક્ષ્મણભાઇ, વીરાભાઇ અને ખીમાભાઇ શાક સુધારવાના અને લોટ બાંધવાના કામમાં મચી પડ્યા.

”આ આપણે કયું શાક બનાવવું છે?” આડેધડ ગુવાર, રીંગણા, બટેટા, અને કોબીજ સુધારાતી જોઇને મેં પૂછ્યું.

”આને કહેવાય મિક્સ સબ્જી” લક્ષ્મણભાઇ વ્યંગમાં બોલ્યા.

”કેમ ભાઇ ફાવશે ને?” બાપુ મને પૂછતા પૂછતા મૂછમાં હસતા હતા.

”અરે પણ એક મિનિટ, મીઠું અને મસાલા વાળુ પડીકું તો ખીમાભાઇ દુકાનેજ ભૂલી ગ્યા લાગે છે.” કાંતિભાઇ થેલીમાંથી લોટ, વાસણો અને અન્ય સામગ્રી કાઢતા બોલ્યા

“કાંઇ વાંધો નહીં, ઝનાને કહીને દુકાન ઉઘડાવવી પડશે” લક્ષ્મણભાઇ બોલ્યા. તે અને કાંતિભાઇ પાછા ચિખલકૂબા જવા નીકળ્યા. રાતના લગભગ બાર વાગ્યા હતાં પણ અહીંયાં કોઇને કોઇ પ્રકારની ઉતાવળ ન હતી. કુદરતે પણ કેવી રચનાઓ કરી છે. જેને ભોગવવા બધું મળ્યું છે તેને એ સગવડો વાપરવાનો સમય જ નથી અને જેની પાસે અહીં આવા વખતે પણ ઉતાવળ નથી તે બધું છોડીને બેઠા છે.

”જાવ છો તો ઘેરથી થોડાક રોટલાંય લેતા આવજો, સાહેબને કે માયાઆતાને આપણી પૂરી ન ભાવે તો રોટલા ચાલે” ખીમાભાઇ બોલ્યા.

એ મસાલો લઇને આવ્યા ત્યાં સુધીમાં અમે શાક સુધારી દીધું, તેલ લોટ અને અન્ય બધી સામગ્રી તૈયાર કરી રાખી અને મેં વડના તથા મંદીરના થોડાક ફોટા પાડ્યા. બાપુના પણ બે ત્રણ ફોટા તેમને વિનંતિ કરીને પાડ્યા. તેમને એ ફોટાના પ્રિવ્યુ બતાવ્યા તો તે કહે “લે, મારી તો અવસ્થા થઇ ગઇ છે. હું તો વૃધ્ધ લાગવા માંડ્યો.” જો કે તેમની પાસે પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો ન હતો, કદાચ એમનું પ્રતિબિંબ અને તેઓ બંને એક જ વ્યક્તિત્વ હતા, આપણી જેમ બેવડુ વ્યક્તિત્વ નહીં, અરે આપણે તો કેટકેટલા આયામો માં જીવીએ છીએ? એંજીનીયર, પુત્ર, પિતા, બ્લોગર, ભાડુઆત, જૂનીયર, સિનીયર….. ગણ્યા ન ગણાય એટલા મહોરા લઇને આપણે જીવીએ છીએ જ્યારે બાપુનું કોઇ મહોરૂ નહીં, કદાચ આસ્થાની સીડીનું પહેલું પગથીયું એ જ છે કે બધાં મહોરા ફગાવી દેવા. પણ એ સહેલું છે?

મસાલો આવ્યો એટલે સૌપ્રથમ શાક બન્યું, પછી લોટ બંધાયો એટલે સાથે લાવેલા પૂરી વણવાના (લોટના બનાવેલા લૂવા દબાવવાના) મશીનમાં હું પૂરી દબાવવા બેઠો અને બે જણ તેને તળવા અને ગોઠવવાના કામમાં લાગ્યા. પૂરી થઇ રહી એટલે સાથે લાવેલા દૂધ અને કેરીના રસ સાથે અમે થાળી તૈયાર કરી. બધાં ભેગા જમવા બેઠાં. રોટલા, પૂરી, કેરીનો રસ, શાક અને દૂધ, કોણ જાણે કેટલી પૂરીઓ અને કેટલા વાડકા કેરીનો રસ ખાઇ ગયો હોઇશ, શાક અને રોટલા પણ એવા જ સરસ અને છેલ્લે પીધું દૂધ. બાપુએ પણ મન દઇને જમાડ્યા.

જમી લીધા પછી વાસણ સાફ કર્યા, ચૂલો ફરી પથ્થરોમાં ફેરવાઇ ગયો અને પથ્થરો તેમની જગ્યાએ પહોંચ્યા. જગ્યા સાફ થઇ ગઇ અને સમય થયો રાત્રીના બે.

અમે માતાજીના મઢ પાસે બેઠાં. લક્ષ્મણભાઇને માવો મસાલો અને પડીકી ખાવાની ટેવ છોડાવવાની વાત વીરાભાઇએ બાપુને કહી. લક્ષ્મણભાઇ તે માટે તૈયાર ન થયા.

“હું પાણી મૂકું અને પછી કોઇક નબળી ક્ષણે જો માવો કે મસાલો ખવાઇ જાય તો ગૌહત્યાનું પાપ લાગે, અને એક આહીરનો દીકરો હોવાને લીધે મારે જીવન છોડવું પડે એના કરતા હું એટલી ખાત્રી આપું છું કે હું એ બધુંય છોડવાનો પૂરો પ્રયત્ન કરીશ.” તેમણે ખૂબ શ્રધ્ધાથી બાપુને કહ્યું

”પણ બાપુ, પાણી નહીં મૂક્યું હોય તો એ આજે નહીં તો કાલે પાછો ખાવાનો જ એના કરતા કાયમનું છોડી દેવુ શું ખોટું?” વીરાભાઇ હજીય પોતાની વાતમાં અડગ હતા. પોતાના મિત્ર પ્રત્યેનો અદમ્ય ભાવ અને લક્ષ્મણભાઇની પોતાની આદત છોડવા પ્રત્યેની તેમણે બતાવેલી દલીલ અમે સાંભળી રહ્યા.

”ઇ છોડી દે એટલું જ હારૂ, નીં’કર એક પછી બે, ખરાબ ટેવોને આવતા ક્યાં વાર લાગે છે, અને એમાંને એમા કટુંબ ને પૈસા બધીય રીતે માણસ ખુવાર થૈ જાય” માયાભાઇએ પણ વીરાભાઇની વાતમાં સુર પૂરાવ્યો.

”જો, એક તો લક્ષ્મણ ટેવ છોડવાની ના પાડતો હોય તો તમારી વાત સાથે હું પૂરો સંમત, પણ એ છોડવાનો પૂરો પ્રયત્ન કરશે એમ કહે છે એ મારા માટે ઘણું છે, અને પાણી મૂકે એ પછી એ વાત ન જ કરે એવા ધખારા કરતા એના મનની ખાત્રી છે એ ઘણું છે. બાકી તો મારી માવડી એને મદદ કરશે” બાપુએ જાણે છેલ્લો નિર્ણય સંભળાવ્યો અને બધાં તેમને અહોભાવથી જોઇ રહ્યા.

થોડી વાર થઇ એટલે બધાંએ કાંતીભાઇને ભજન સંભળાવવા કહ્યું અને રાત્રે સાડા ત્રણ વાગ્યે ગીરના એ જંગલના મધ્ય ભાગમાં, એક સંતના સાનિધ્યમાં અને બે જળધારાઓના સંગમસ્થળે સાંભળેલું એ નરસૈયાનું પ્રભાતિયું આજેય મને એટલું જ તાજુ છે જેટલું એ સાંભળતા અનુભવ્યું હતું. “જા જા નિંદ્રા હું તને વારું…” એ શબ્દો જાણે વ્યાપી રહ્યા અને થોડીક વાર હરણાં ને તમરાંના અવાજો પણ બંધ થઇ ગયા. વાતાવરણની પવિત્રતા જાણે વધી રહી અને બધાં અનેરા આનંદનો અનુભવ કરી રહ્યાં.

ચાર વાગ્યે અમે ત્યાંથી ઉભા થયા, બધાં બાપુને પગે લાગ્યા અને આશિર્વાદ લીધાં.

“આ ફોટા મને જરૂર મોકલજો, મારી માવડીનો ફોટો કોઇ માંગે તો એને આપવા થાય” બાપુ મને વળાવતા બોલ્યા.

”ચોક્કસ બાપુ, તમને જરૂરથી મોકલીશ” મેં તેમને કહ્યું, પણ મનમાં થયું, અહીં કયુ કુરીયર કે ટપાલ આવશે?

જાણે મારા મનની વાત જાણતા હોય એમ બાપુ કહે, ”આ લખમણને આપી દેજો, એ ઘણે આંય આવે છે.”

બાપુને રામરામ કરી અમે ચિખલકૂબા જવા નીકળ્યા. ફરી એ જ રસ્તો, પથરાળ અને નદી પસાર કરી પાછાં ઉભો રસ્તો પથ્થર ચડીને પસાર કરવાનો હતો.

”બાપુ હવે નહાઇને ધ્યાનમાં બેસી જશે” ખીમાભાઇ બોલ્યા. મને થયું હુંય થોડોક સમય બાપુની પાસે જ રહી જાઉં અને આ લોકો મને અહીં જ છોડી દે…… અને પછી પોતાની જાત પર હસવું આવ્યું. શું એ બધું છોડવુ એટલું સહેલું છે?

કેરીના રસ અને રોટલાએ પોતાનું જોર બતાવ્યું અને અમે ચિખલકૂબા આવી જ્યાં સાંજે બેઠા હતા એ જ જગ્યાએ ખાટલા ઢાળીને ડેલા પાસે સૂઇ ગયા, ખીમાભાઇ અમને ઓશીકા ને ગોદડા આપી ગયા. અને ક્યારે ખાટલે સૂતો અને ક્યારે ઉંઘમાં સરી પડ્યો એ ખબર જ ન પડી.

મોરલાના ટહુકે ને ગાયોના ભાંભરવાના અવાજે મારી સવાર પડી. સૂર્યનારાયણ આકાશમાં ઉંચે આવી રહ્યા હતા અને સવારના સાડા દસ વાગી ગયા હતા. માયાભાઇ અને લક્ષ્મણભાઇ વાતોએ વળગ્યા હતા. હું ઉઠ્યો એટલે એક ભાઇ મને મીઠું અને પાણીનો લોટો આપી ગયા. દાતણપાણી કરી રહ્યો ત્યાં લોટો ભરીને ગાયનું દૂધ આવ્યું એ પછી પાણી અને પછી ચા પીને અમે નહાવા વિશે વિચારતા હતા ત્યાં ખીમાભાઇ આવ્યા. રામરામ કરીને બેઠા. તેઓ ખેતરે આંટો મારી પાછા ઘરે આવતા હતા. તેમણે લક્ષ્મણભાઇને સૂચન કર્યું કે સાહેબને રાવળમાં નવડાવો. તેમણે મારી સામે જોયું અને મારી આંખોમાં આનંદ જોઇને તે પણ જાણે ઉત્સાહમાં આવી ગયા.

”બેનને કે’જો પાણી ગરમ થાવા ન મૂકે, અમે ધૂને જાઇ છે.” તેમણે સાદ પાડ્યો. અને તે પછી તરત અમે આગલી રાત્રે જે રસ્તે ગયા હતા એ જ રસ્તે પાછા થોડેક સુધી ગયા, પછી નદીની સમાંતર થોડુંક ચાલ્યા અને ગામથી દૂર આવ્યા. થોડુંક વહેતું અને ઉંડુ પાણી મળ્યું એટલે કપડા કાઢી ધૂબાકા માર્યા પાછા બહાર આવી, એક પથ્થર પર ચઢી પાણીમાં પાછા ઠેકડા માર્યા. નાના હતા ત્યારે શાળાએથી પ્રવાસમાં જતા ત્યારે ઉત્કંઠેશ્વર નામના સ્થળે આમ જ પાણીમાં નહાતા પણ આ તો વહેતી નદી….

ખૂબ ધરાઇને પાણીમાં નહાયા પછી પાછા ચિખલકૂબા આવ્યા. ફરીથી ચા પીધો અને બધાની વિદાય લઇ અમારો સંઘ ઉપડ્યો એક નવા સ્થળની શોધમાં.

ચિખલકૂબાની બહાર નીકળ્યા કે તરતજ લક્ષ્મણભાઇ બોલ્યા, “જીજ્ઞેશભાઇ, બાપુ પાસે મજા આવી કે નહીં?”

”ખરેખર આવી જગ્યાઓ જ આપણા યાત્રાધામો છે, “ મેં તેમને જવાબ આપતા કહ્યું “આપણે ખોટા લોકોને માથે ચઢાવી દીધા છે, ખોટા બાપુઓને આપણે મોટા માન આપીએ છીએ, દેખાડાઓથી અંજાઇને આપણે ફલાણાને ઢીકણા પંથોમાં જોડાયે જ જઇએ છીએ, પંથ પછી તેમાં ફાંટા પછી તેમાં પાછા ફાંટા અને અંતે ઠેરના ઠેર, લક્ષ્મીના પ્રભાવે આવા કહેવાતા સાધુઓ સાધુપણુ લજવે છે અને તેમના કહેવાતા આશ્રમો કોઇક સંસારીના શયનકક્ષથી પણ વધારે લીલાઓના સાક્ષી બને છે, તેમના કોઠારો સોના ચાંદીથી છલકાય છે અને મન અભિમાન અને ઘમંડ થી. જ્યારે જંગવડ બાપુ જેવા પવિત્ર, સાચા અને ગુણીયલ સંતો કોઇના ધ્યાનમાંય નથી આવતા, મારી જ વાત લો ને, મને જો તમે અહીં ન લઇ આવ્યા હોત તો કોણ બાપુ પાસે લઇ જાત અને કોણ આવો સરસ જીવનભરનો યાદગાર આનંદ કરાવત?”

“સાહેબ, સોરઠી ભૂમી આમેય સંતોની ભૂમી છે, અને એમાં આવા મહાત્માઓ એ ભૂમીની મહત્તાને ઓર વધારે છે, કોણ કહે છે કે આજના સમયમાં પહેલાના જેવા સંતો નથી રહ્યા, એ તો છે જ, પણ આપણી પાસે તેમને જોવાની દ્રષ્ટી નથી રહી, કે સાચા ખોટાની ઓળખ નથી રહી. આ સંતોને કોઇ પ્રસિધ્ધિની નથી પડી, પોતાની પ્રસિધ્ધિની ફીકર કરતા પાખંડીઓ અને પોતાનું બેંક બેલેન્સ વધારવામાં કાયમ મગ્ન રહેતા કહેવાતા સાધુઓને આપણે જ રસ્તો દેખાડ્યો છે. આપણી અંધશ્રધ્ધા, અશ્રધ્ધા અને શ્રધ્ધા વચ્ચેનો ભેદ પાડવાની અણસમજ આવા પાખંડીઓને ખુલ્લુ મેદાન આપે છે અને જ્યારે એ લોકો પોતાની લીલાઓ રચાવે છે ત્યારે આપણે વીલા મોઢે જોયા કરીએ છીએ કારણકે આપણે સાચા માણસોને ઓળખી નથી શક્તા. સંત કે મહાત્મા તો કેવા હોય, પહેલાના યુગોમાં જ્યારે જંગલમાં રહેતા અને યજ્ઞો કરતા ઋષિઓની વાત આવે તો કેવુ પવિત્ર વાતાવરણ મન પાસે ખડું થઇ જાય, અને આજના જમાનામાં કોઇ સાધુ કે બાપુની વાત કરે તો મોટરગાડીઓમાં ફરતા ને લાખો કરોડોનો કારોબાર કરતા, કેસરી કપડાઓમાં વીંટળાયેલા કાળા કરતૂતો, ધર્મના નામે ભોળા ભાવિકોને ભરમાવતા, પોતે જેનો એક અક્ષર પણ પાળતા નથી એવા તદ્દન જૂઠાં ભાષણો ઠોકનારા ને પ્રપંચી કામલીલાઓમાં રચ્યા રહેતા તદ્દન અસામાજીક ઢોંગીઓ જ દેખાય” લક્ષ્મણભાઇનો આવો સચોટ પ્રતિભાવ કદાચ મને એટલે જ ગમ્યો કે હવે હું જાણતો હતો કે સાધુ બધું ત્યાગી દીધું એમ ક્યારે કહી શકે.,,, ?

આ યાત્રાનો ત્રીજો અને અંતિમ ભાગ માણો આવતીકાલે….


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2)

  • Chirag Mehta

    Dear Jignesh, thank you very much for posting article about Gir.I wish could you please upload the pictures as well. I am living in Australia but whenever I read about our Matrubhoomi and specially about “Sorthbhoomi”,Some special kind of feelings running through the body.Last year we went to see Girnar,I got some nice snaps as well if you want upload on your site please do let me know and will send you.May be this way we can spread the fragrance of our “Matrubhoomi”.You can reach me on above mail address any time.

    Regards
    Chirag Mehta

  • gopal h parekh

    સાચા સઁતોને ઓછા લોકો મળે ને ઓળખે તો સારુઁ,વધુ પ્રચાર સાધુને સાચો સાધુ રહેવા દેતો નથી.