વરદાન પાછું લઈ લો – ચક્રવર્તી રાજગોપાલાચારી (અનુ. મુકુલ કલાર્થી) 3 comments


એક ગરીબ ખેડૂત ભગવાનની ખૂબ શ્રઘ્ઘાથી ભક્તિ કરતો હતો. એની નિર્મળ ભક્તિ જોઇ ભગવાન પ્રસન્ન થયા. એક દિવસ તેની આગળ પ્રગટ થઇને ભગવાને કહ્યું, “વત્સ, તને જે ગમે તે વરદાન માગ.” ભગવાને આમ એકાએક પોતાની સામે ઊભેલા જોઇ ખેડૂત અચંબો પામી ગયો. શું માગવું એ તેને સૂઝ્યું નહીં. આથી ભગવાન હસીને બોલ્યા,”તું સંકોચ રાખીશ નહીં. તારી જે ઇચ્છા થાય તે માગ. પણ એટલું ઘ્યાનમાં રાખજે કે તને હું જે આપીશ તે તારા પાડોશીઓને પણ માગ્યા વિના મળશે.” ખેડૂતે કહ્યું,: “:બરાબર છે, બાપજી. પણ શું માગવું એનીમને અત્યારે સૂઝ પડતી નથી. ઘરવાળીને પૂછીને કાલે તમને જણાવીશ.”

બીજે દિવસે ખેડૂતે ભગવાનનું ઘ્યાન ઘર્યું, ત્યારે તેમણે પ્રગટ થઇને પૂછ્યું, “કેમ ભાઇ, શો વિચાર કર્યો?”

”હે કરુણાસાગર, મારામાં બુઘ્ઘિ ઓછી છે. મારી સ્ત્રી સાથે મસલત કરીને એમ નક્કી કર્યું છે કે મારી પેટી રૂપિયાથી ભરાઇ જાય અને તેમાંથી ગમે તેટલા રૂપિયા કાઢું તોયે તે ખાલી ન થાય, એવું વરદાન તમારી પાસે માગવું”

”એ તને જરૂર આપીશ. પણ મારી શરત યાદ છે ને? જે વસ્તુ તને મળશે એ તારા ગામના બઘા લોકોને પણ મળશે .”

”દયાનિઘિ! બઘું બરાબર યાદ છે. મને જે મળે તે મારા પાડોશીઓને પણ મળે, એ તો વધારે આનંદની વાત છે.”

”તસ્થાતુ!” કહીને ભગવાન અંતરઘ્યાન થયા.

ખેડૂતે ઘેર જઇને પેટી જોઇ તો રૂપિયાથી ખીચોખીચ ભરેલી હતી! બીજે દિવસે ખીસામાં ખૂબ રૂપિયા ભરીને પોતાની સ્ત્રી માટે સાડીઓ ખરીદવા તે નીકળ્યો. રસ્તામાં એને જેટલા લોકો મળ્યા તે બઘાના મોં પર આનંદ આનંદ જ હતો. ખેડૂતને ભગવાનની શરત યાદ આવી. વરદાન કાંઇ તેને એકલાને જ થોડું મળ્યું હતું? બીજાની ખુશી જોઇને તે પણ ખૂબ રાજી થયો.

એક કાપડિયાની દુકાને જઇને તે કહેવા લાગ્યો,”સારી સાડીઓ મને બતાવજો!”

”શું આપશો?” દુકાનદારે પૂછ્યું.

”તમે જે કિંમત કહેશો તેટલા રૂપિયા આપીશ. ચાલો, સાડી બતાવો.” પણ દુકાનદારે તો ખેડૂતના જવાબથી જરાય પ્રભાવિત ન થયો.

એ કહે, “મારે રૂપિયાને શું કરવા છે? એ તો હવે બઘા પાસે ખૂબ થઇ ગયા છે. રૂપિયાની હવે ક્યાં કિંમત રહી છે? તમે એ કહો કે સાડીઓના બદલામાં તમે મને અનાજ કેટલું આપી શકશો?”

”શું કહ્યું? રૂપિયાની કશી કિંમત રહી નથી? એવું કદી બને ખરું? ”એને થયું કે દુકાનદાર એની મશ્કરી તો નથી કરતો ને?

દુકાનદારે એને સમજાવ્યું કે “ભાઇ, હવે તો સહુની પાસે જોઇએ તેટલા રૂપિયા થઇ ગયા છે. કોઇને તેની જરૂર રહી નથી. રૂપિયાની હવે કિંમત રહી નથી.”

ખેડૂત ત્યાંથી બીજી દુકાને ગયો…. ત્રીજી દુકાને ગયો; એમ કેટલીય દુકાનો ફરી વળ્યો. પણ બઘેથી એક જ જવાબ મળ્યો:

”ઘઉં,ચોખા, ચણા, દાળ એવું કશુંક અનાજ લઇને આવો. અમારે રૂપિયા ન જોઇએ.” બિચારો ખેડૂત તો પરેશાન થઇ ગયો. જ્યારે પણ એ કાંઇક ખરીદવા બજારમાં નીકળતો ત્યારે આ જ મુશ્કેલી આવતી. રૂપિયા લેવાની બધા વેપારી ના જ પાડતા. છેવટે તેણે વળી એક દિવસ ભગવાનનું ઘ્યાન ઘર્યું અને પ્રાર્થના કરી કે, “તમારું આ વરદાન હવે પાછું લઇ લો!”

 – ચક્રવર્તી રાજગોપાલાચારી (અનુ. મુકુલ કલાર્થી)

[‘નવજીવન’ માસિક:1957]


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

3 thoughts on “વરદાન પાછું લઈ લો – ચક્રવર્તી રાજગોપાલાચારી (અનુ. મુકુલ કલાર્થી)