કોથળો ભરી રૂપિયા – જિગ્નેશ અધ્યારૂ 8


મેં સાંભળ્યુ છે કે જો વિશ્વ અર્થતંત્ર આમ જ ખાડે જતુ રહ્યું અને ભાવો આમ જ વધતા રહ્યા તો એ દિવસ દૂર નથી કે સામાન્ય લોકો અને સગવડો એક બીજાથી એવા દૂર થઈ જશે જેવા અત્યારે સલમાન અને ઐશ્વર્યા છે. રૂપિયાનું અવમૂલ્યન ફરી શરૂ થઈ ગયું છે, ડોલર ની સરખામણીએ રૂપિયો ફરી ગગડવા માંડ્યો છે.

 

જો આમ જ સતત ચાલતુ રહ્યુ તો એક દિવસ એવો આવશે કે ભાવો ખૂબ વધી જશે, રૂપિયાનું અવમૂલ્યન પણ પાર વગરનું હશે….એક ડોલર ના પાંચસો થી છસ્સો રૂપિયા થશે…..અને ત્યારનું ચિત્ર વિચારો તો ખરા ! !

 

સૌ પ્રથમ તો સરકાર ને નવી ચલણી નોટો બહાર પાડવી પડશે…પાંચ લાખ ની, દસ લાખ ની, પચાસ લાખની કે એક કરોડ ની. પણ આ જેટલા મોટા આંકડા અત્યારે લાગે છે એટલા ત્યારે નહીં હોય….ત્યારે ભાવ વધારો પણ તો ભયંકર હશે…

 

જેમ કે તેલનો ડબ્બો હશે પંચોતેર હજાર રૂપિયા, ઘઊં નો ભાવ હશે નવ – દસ હજાર રૂપિયા કિલો, તો એક ગુણ ધઊં લેવા તમારે એક ગુણ પૈસા આપવા પડશે. તમારો છોકરો પૈસા માંગશે, ખીસ્સા ખર્ચી માટે, પણ તમે જે આપશો તે એના ખીસ્સા માં નહીં સમાય, તે બેગ કે થેલી માં પૈસા લઈ જશે…તમારી વાઈફ રોજ સવારે શાકભાજી લેશે તો રોજ ના ચાર પાંચ હજાર ખર્ચી નાખશે, કચરો વાળવા વાળો કહેશે સાહેબ, આ મહીનાના પંદર હજાર થયા, તો દૂધ વાળાના હશે કાંઈક ત્રણ ચાર લાખ, મહીને,

 

તમારા પગારના દિવસે તમે ઘરે રીક્ષા કરી કોથળામાં પગાર લાવશો, અને પગારના દિવસ થી બે દિવસ તમારે ત્યાં નોટ્સ અલગ કરવાનું કામ ચાલશે કારણ કે બેંક તમને નોટો સ્ટેપલ કરીને નહીં, કોથળામાં એડજસ્ટ કરીને આપશે. બેંકમાં પૈસા ભરવા જશો ત્યારે કોથળાના વજન પરથી નક્કી થશે કે તેમાં કેટલા રૂપિયા થશે…દા.ત. સો સો ની નોટ નો કોથળો પાંચ કિલો વજન કરે તો એક લાખ થાય (કોથળાના ચાર હજાર અલગ). વાળ કપાવવા માટે હજામ પાંચ પાંચ હજાર લેશે, તો રેલ્વેની પ્લેટફોર્મ ટીકીટ હશે સૌથી સસ્તી, ફક્ત ચાર હજાર, શ્રી લાલુ પ્રસાદ યાદવ ત્યારેય રેલ્વે મિનિસ્ટર હશે.

 

લેપટોપના પોણા ત્રણ કરોડ અને ડેસ્કટોપના અઢી કરોડ. અને પાન ના ગલ્લે આવા સંવાદો પણ સાંભળવા મળશે.

 

“એક બ્રિસ્ટોલ આપજે ને….અને કહે આ અઠવાડીયાના કેટલા થયા?”

 

“સાહેબ આજની બ્રિસ્ટોલના અઢારસો સાથે કુલ સત્યાવીસ હજાર ચારસો એંશી, ચારસો એંશી જવા દો…પરચૂરણ સાચવવાની જગ્યા નથી….”

 

છાપા વાળાના હશે કાંઇક બેંતાલીસ હજાર રૂપિયા તો કેબલ વાળાના એક લાખ એંશી હજાર, પેટ્રોલ ના નવ હજાર રૂપીયે લીટર, અને મૂવી ટિકીટ હશે એકાદ લાખ રૂપીયા. આ સમયમાં લોકોને કોથળાની સાચી ઉપયોગીતા સમજાશે, જ્યાં ને ત્યાં લોકો કોથળા ભરી પૈસા લઈ જતા દેખાશે, પણ એનો મતલબ એમ નહીં કે ચોરી નહિં થાય, ચોરો ટ્રક લઈને ફરશે ને ચોરી કરશે. મકાન ના ભાવો તો હશે પંદર વીસ અબજ રૂપિયામાં વન બી.એચ.કે. લોન લેશો તો EMI હશે પંચોતેર હજાર રૂપીયા દર મહીને.

 

તમે બધાય ત્યારે કરોડપતિ હશો કારણ કે ત્યારે કોઈ મધ્યમ વર્ગ કે ગરીબ નહીં હોય, ત્યારે હશે જસ્ટ હાયર ક્લાસ, અપર લેવલ હાયર ક્લાસ અને મીડલ લેવલ હાયર ક્લાસ. સરકારી લોકો કે નેતાઓ પછી લાખો કરોડો ની બદલે અરબો અને ખર્વો રૂપિયામાં લાંચ માંગશે અને એ રૂપિયા સ્ટોર કરવા માટે ખાસ ગોડાઊન બનાવશે.

 

કોઈકના લગ્ન માં જશો તો તમારા શ્રીમતીજી કહેશે; “સાંભળો, પેલા જોષી ભાઈ પાંચ લાખ નો ચાંદલો કરે છે તો આપણે કમ સે કમ પંચાવન લાખ રૂપિયા તો કરીએ…” તમે કહેશો ચાલ એના કરતા તો મેકડોનાલ્ડસમાં જઈએ ત્યાં હેપી પ્રાઈઝ મેનુમાં છે ફક્ત દસ હજારમાં આલૂ ટીક્કી અને સત્યાવીસ હજાર માં કોક…તમારા છોકરાવ ભણવાની બુક્સમાં એક, બે, પાંચ, દસ કે સો રૂપિયાના ચલણોના ફોટા જોઈ એટલું જ આશ્ચર્ય અનુભવશે જેટલું આજે આપણે એક કે બે આના કે બે-ત્રણ પૈસા ના સિક્કા જોઈને અનુભવીએ છીએ.

 

જો કે આ બધી વાત ત્યારની છે જ્યારે તમારા ખીસ્સામા મનમોહન અને ચિદમ્બરમ સાહેબ  રૂપિયા રહેવા દેશે તો….. નહીતર અનિલ કે મુકેશ (અબાણીસ્તો !!), રતનજી કે આદિત્યો પ્રકાશતા રહેશે, ધોનીઓ જૂડતા રહેશે અને આપણે ઓબરાહીયા લેતા રહીશુઁ…….  કાયમની જેમ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “કોથળો ભરી રૂપિયા – જિગ્નેશ અધ્યારૂ