વારિસ શાહને – અમૃતા પ્રીતમ 6


amrita-pritamઅમૃતા પ્રીતમને ભાગ્યેજ કોઈ સાહિત્યરસિક વાચક ન ઓળખે. તેમની ઘણી કવિતાઓ મેં હિન્દીમાં અનુવાદિત થયેલી વાંચી છે. મને ખ્યાલ નથી કે ગુજરાતીમાં તેનો અનુવાદ થયો હોય. હમણાં તેમની જીવનકથા રેવન્યુ સ્ટેમ્પ વાંચવાનો અવસર મળ્યો. એક લેખિકા અને એક કવિયત્રી જેમને ફક્ત “પીંજર” (તેમની નવલકથા પરથી બનેલી ફિલ્મ ) ને લીધે ઓળખતો હતો તેમની ઘણી રચનાઓ વિશે, જીવનના વિવિધ પડાવો વિશે અને તેમના જીવનનાં પ્રેરકબળો વિશે વાંચવા મળ્યું.

તેમની જીવનકથામાં તેમની અનેક રચનાઓ માંથી વારિસ શાહને સંબોધીને લખાયેલી એક કવિતાનો ખાસ ઉલ્લેખ આવે છે. પંજાબી જાણતા એક મિત્ર મારફત એ કવિતાનો હિન્દી ભાવ મેળવ્યો અને તેનો અનુવાદ કરવાનો નાનકડો પ્રયત્ન અત્રે કર્યો છે. એક થી બીજી ભાષામાં સમજતા તેનો ભાવ “વાયા” થઈને આવ્યો છે એટલે કદાચ શરતચૂક હોય પણ ખરી,  તેનો હેતુ વૈશ્વિક જાગૃતિનો છે, એક એવી તકલીફનો એમાં નિર્દેશ છે જે બધાને ક્યાંકને ક્યાંક અડે છે, પૂરી હોય કે અછડતી…..

આશા છે આપને ગમશે…

અમૃતા પ્રીતમ તેમની જીવનકથામાં કહે છે, ” પ્રાચીન ઈતિહાસમાં ભીષણ અત્યાચારી કાંડ આપણે ભલે વાંચ્યા હોય, પણ તોયે આપણા દેશના ભાગલા વખતે જે થયું એના જેવો ખૂની, બર્બર કાંડ કોની કલ્પનામાં આવે?

દુઃખની વાતો કહી કહીને લોકો થાકી ગયા હતા, પણ આ વાતો જિંદગીની પહેલા પૂરી થાય એવી નહોતી. લાશ જેવા લોકો જોયા હતા, અને જ્યારે લાહોરથી આવીને દેહરાદૂનમાં આશરો લીધો, ત્યારે નોકરીની અને દિલ્હીમાં રહેવા માટેની જગા શોધવા ત્યાં આવી અને પાછી ફરી રહી હતી, ચાલતી ગાડીમાં ઉંઘ આંખની પાસે પણ ફરકતી નહોતી.

ગાડીની બહારનું ઘોર અંધારૂ સમયના ઈતિહાસના જેવુ હતું. હવા એ રીતે સૂસવાતી હતી કે જાણે ઈતિહાસની લગોલગ બેસીને રડી રહી હોય. બહાર ઉંચા ઉંચા ઝાડ દુઃખોની જેમ ઉગેલા હતા.

વારિસ શાહની પંક્તિઓ મનમાં ઘૂમી રહી હતી, ” જે મરી ગયા છે, વિખૂટા પડી ગયા છે, એમની સાથે કોણ મિલન કરાવે ?” અને મને થયું વારિસ શાહ કેવા મોટા કવિ હતા, તે હીરના દુઃખને ગાઈ શક્યા. આજે પંજાબની એક નહીં, લાખો બેટીઓ રડી રહી છે, આજે એમના દુઃખને કોણ ગાશે? અને મને વારિસ શાહ સિવાય બીજુ કોઈ એવું ન જણાયું જેને સંબોધન કરીને હું આ વાત કહું.

એ રાત્રે ચાલતી ગાડીમાં, હાલતી અને કાંપતી કલમથી એક કવિતા લખી….. ” આજે વારિસ શાહને કહું છું …..”

*******************

અજ આખાં વારિસ શાહ નૂં કિતોં કબરાં વિચોં બોલ,

તે અજ કિતાબે-ઇશક દા કોઈ અગલા વરકા ફોલ,

ઇક રોઈ સી ધી પંજાબ દી તૂં લિખ લિખ મારે વૈન,

અજ લખાં ધીઆં રોંદીઆં તૈનૂં વારિસ શાહ નૂં કહિન,

ઉઠ દરમાનદાં દિઆં દરદિઆ ઉઠ તક અપણા પંજાબ,

અજ બેલે લાશાં વિશીઆં તે લહૂ દી ભરી ચનાબ,

કિસે ને પંજાં પાણીઆં વિચ દિતા હિર રલા,

તે ઉહના પાણીઆં ધરત નૂં દિતા પાણી લા,

જિથે વજદી ફૂક પિઆર દી વે ઉહ વંઝલી ગઈ ગુઆચ,

રાંઝે દે સબ વીર અજ ભુલ ગએ ઉસદી જાચ,

ધરતી તે લહૂ વસીઆ, કબરાં પઈઆં ચોણ,

પરીત દિઆં શહિજાદિઆં અજ વિચ મ૛ારાં રૌણ,

અજ સબ ‘કૈદોં’ બણ ગએ, હુસન ઇશક દે ચોર,

અજ કિથોં લિઆઈએ લભ કે વારિસ શાહ ઇક હોર,

અજ આખાં વારિસ શાહ નૂં કિતોં કબરાં વિચોં બોલ,

તે અજ કિતાબે-ઇશક દા કોઈ અગલા વરકા ફોલ.

 – અમૃતા પ્રીતમ

The original punjabi poem can be read here.

 *************************

વારિસ શાહને

amrita_pritamઆજે વારિસ શાહને કહું છું,

કે તમારી કબર માંથી બોલો,

અને પ્રેમની પુસ્તકનું કોઈ નવું પાનું ખોલો

પંજાબની એક દીકરી રડી હતી ત્યારે

તમે એક લાંબી કથા લખી હતી

આજે લાખો દીકરીઓ રડી રહી છે,

વારિસ શાહ, તમને કહી રહી છે

એ દુખીયાઓના મિત્ર, પંજાબની હાલત જુઓ

ચોતરો લાશોથી ભર્યો પડ્યો છે,

ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે,

કોઈએ પાંચેય દરીયાઓમાં ઝેર મેળવી દીધું છે,

અને આ જ પાણી ધરતીને સીંચવામાં લાગ્યું છે,

આ સૂકી ધરતીમાંથી, ઝેરના ઝરણા ફૂટી નીકળ્યા છે,

જુઓ, સૂકું ક્યાં સુધી આવી પહોંચ્યું

અને તકલીફો ક્યાં સુધી આવી પહોંચી,

વન જંગલોમાં પાછી ઝેરીલી હવાઓ ફૂંકાવા લાગી છે

દરેક વાંસની વાંસળી, જાણે નાગ થઈ ગઈ છે,

એ નાગ લોકોના હોઠને ડંખી રહ્યા છે અને એ ડંખ વધી રહ્યા છે,

પંજાબનાં બધાં અંગો કાળા અને ભૂરા પડી ગયા છે,

બધાં ગળાનાં ગીતો સૂકાઈ ગયા છે,

બધા ચરખાના દોરા તૂટી ગયા, મિત્રો છૂટી ગયા છે,

ચરખાની મીજબાનીઓ સૂકાઈ ગઈ છે,

નાવિકોએ હોડીઓ, વહાવી દીધી છે મોજા સાથે,

પીપળાએ બધી કળીઓ ડાળી સાથે તોડી નાખી છે,

જ્યાં પ્રેમનાં ગીતો ગૂંજતા, તે વાંસળી ક્યાં જતી રહી?

હવે રાંઝાના ભાઈઓ, વાંસળી વગાડવાનું ભૂલી ગયા છે,

ધરતી પર લોહી વરસ્યું અને કબરો ટપકવા લાગી,

અને પ્રેમના રાજકુમારો, મઝારોમાં ટળવળવા લાગ્યા,

આજે બધા કૈદો* બની ગયા છે, હુસ્ન અને ઈશ્કના ચોર,

હું ક્યાંથી એક વધુ વારિસ શાહ શોધીને લાવું

આજે વારિસ શાહને કહું છું,

કે તમારી કબર માંથી બોલો,

અને પ્રેમની પુસ્તકનું કોઈ નવું પાનું ખોલો

( *કૈદો હીરનો કાકો હતો જે તેને ઝેર આપી દે છે.)

પાકિસ્તાનમાં અહમદ ફૈઝનું એક પુસ્તક પ્રસિધ્ધ થયેલું, તેની પ્રસ્તાવનામાં અહમદ નદીમ કાસમીએ લખ્યું કે આ કવિતા એમણે પોતે જેલમાં હતા ત્યાં વાંચી હતી. બહાર આવીને તેમણે જોયું તો લોકો આ કવિતાને ખિસ્સામાં રાખતા, વારેવારે વાંચતા અને રડતાં. એક કવિતા માટે, હ્રદયમાં ક્યારેક ઉઠેલા ભાવ માટે આનાથી વધારે શ્રધ્ધા, સમ્માન બીજુ કયું હોઈ શકે? કયો એવોર્ડ તેને આવા સમ્માનથી નવાઝી શકે?  એક કવિ માટે, અરે કલાના કોઈ પણ ક્ષેત્રમાટે આ સર્વોચ્ચ સમ્માન કહી શકાય?


Leave a Reply to Heena ParekhCancel reply

6 thoughts on “વારિસ શાહને – અમૃતા પ્રીતમ

  • મીના છેડા

    મારી પ્રિય અમૃતા પ્રીતમને એક વાર મળી શકી હતી એનો આનંદ અને એના પુસ્તકો થકી એનું સાંનિધ્ય મારા માટે મારી અમૂલ્ય મિરાત છે.

  • Heena Parekh

    લગભગ ધોરણ ૧૧ કે ૧૨માં અમૃતાજીની એક કવિતા અભ્યાસક્રમમાં આવી ત્યારથી હું અમૃતાજીની કલમની ચાહક છું. ત્યાર બાદ તો એમનાં ઘણાં પુસ્તકો મેં વસાવ્યા છે. “અમૃતા પ્રીતમ-પ્રતિનિધિ કવિતા” એ નામે એમની કવિતાઓનો અનુવાદ જયા મહેતાએ કર્યો છે. જેની પ્રથમ આવૃત્તિ ૧૯૮૭માં પ્રગટ થઈ હતી. હમણાં કદાચ અપ્રાપ્ય હશે. આ પુસ્તકમાં ઉપરોક્ત કવિતા પણ છે. સુરેશ દલાલે સંપાદન કરીને “અમૃતા વિશેષ” ના નામે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. જે પણ હાલ અપ્રાપ્ય છે. જો કે મારી પાસે બન્ને પુસ્તકો છે. મારી અતિપ્રિય સાહિત્યકારની કવિતા આપના બ્લોગ માં પોસ્ટ કરવા બદલ આભાર.

  • વિવેક ટેલર

    રેવન્યૂ સ્ટેમ્પ અમૃતા પ્રીતમની પોતાની આત્મકથા છે…. ખુશવંતસંઘ સાથે ક્યારેક વાત નીકળી હશે ત્યારે ખુશવંતસિંઘે મજાકમાં કહ્યું હતું કે તારા જીવનમાં છે શું? તું તારી આત્મકથા લખે તો એક રેવન્યૂ સ્ટેમ્પની પાછળ આવી જાય… એટલે અમૃતા પ્રીતમે જ્યારે આત્મકથા લખી ત્યારે એનું નામ રેવન્યૂ સ્ટેમ્પ રાખ્યું હતું…

  • Raj Adhyaru

    Presently the situation of India is same… but it is very unfortunate with us that neither we’ve Varis Shah nor Amruta Pritam…
    Since we all became heartless and only using our mind to think about our selves and not for others…..

    For we readers, Jignesh you effort is not less than Amruta Pritam …..

    It is just touching….Raj