અગમ્ય અનુભવ – દામુભાઈ શુક્લ 5


વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીમાં એક જ ફેર છે. બુઘ્ઘી મર્યાદા પૂરી થયા પછી જે કાંઈ બને છે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટી ‘અનુકૂળ કે પ્રતિકૂળ અકસ્માત’ કહે છે. ધાર્મિક દ્રષ્ટી કહે છે કે એ મર્યાદા પછી શ્રધ્ધાનું અમર્યાદિત ક્ષેત્ર શરૂ થાય છે; અને બુધ્ધિથી ન સમજાય એવી બાબતોને, જે અગમ્ય અને અકલ્પ શક્તિ જગતનું નિયંત્રણ અને સંચાલન કરી રહી છે તેના પ્રત્યક્ષ આવિર્ભાવરૂપે એ શ્રધ્ધા ઓળખાવે છે. દ્રષ્ટિ ભેદે ભલે જુદાં નામ અપાય, સત્યને એથી કંઈ આંચ આવતી નથી. જેનો મર્મ બુધ્ધિની મદદથી હું હજુ પામી શક્યો નથી એવી નીચેની સત્યઘટના-જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિ કદાચ ‘અનુકૂળ અકસ્માત’ કહેશે -રજૂ કરું છું.

લગભગ ૬૫ વર્ષ પહેલાંની વાત છે. અમે ત્રણ કુટુંબો આબુ ગયાં હતાં. એક સાંજે, જેમ અનેક માણસો જાય છે તેમ, અમે પણ ‘સનસેટ પોઈન્ટ’ જોવા ગયાં હતાં ધરાઈને સૂર્યાસ્તનું દર્શન કર્યું અને આડાંઅવળાં ગપ્પાં માર્યા. એટલામાં તો અંધારું થઈ ગયું હતું. ચાલવા માંડ્યાં ત્યાં અમારામાંથી એકે દરખાસ્ત મૂકીઃ ‘બધા જાય છે એ રસ્તે નહિ, પાછળની કેડીને રસ્તે થઈને જઈએ.’

બીજા સભ્યોએ આનાકાની કરી, એટલે અમારી મંડળીમાંથી એક સભ્ય, જેઓ વારંવાર આબુ આવતા હતા તે, બોલી ઊઠ્યાઃ ‘આ રસ્તો મેં ખૂંદી નાખ્યો છે. સડકના રસ્તા કરતાં એ ટૂંકો છે. આ બધા મુકામે પહોંચશે તે પહેલાં પહોંચી જઈશું.’

બીજા ભાઈએ ઉમેર્યું  ‘ આપણે આટલા બધા છીએ, એટલે વાઘ આવશે તો એ પણ ગભરાઈને ભાગી જશે.’

સૂર્યાસ્ત જોવાના આનંદનો ઉન્માદ તો હતો જ. સાંજનો  સુંદર સમય હતો, સમૂહ હતો; એટલે લાંબો વિચાર કર્યા વિના બઘા એ રસ્તે ચાલવા માંડ્યા. થોડું થોડું અજવાળું રહ્યું અને કેડી દેખાઈ ત્યાં સુઘી તો કંઈ મુશ્કેલી ના પડી. રસ્તો પૂરો થયો અને નખી ઉપરની ટેકરીઓમાંની એક ટેકરીની ટોચે અમે આવી પહોંચ્યા. અંઘારું પૂરેપૂરું પથરાઈ ગયું હતું; અને રસ્તો કોઈ ઠેકાણે હતો જ નહિ.સીઘા ઊતરી પડીએ તો નખી ઉપર આવી જઈશું અને પછી સીધા ઉતારે- એમ વિચારી સીધા ઊતરવાનો પ્રયત્ન કર્યો. પણ ઊતરવા જઈએ ત્યાં ઝાડઝાંખરાં અને સીધી શીલાઓ જ દેખાય.

આમતેમ આઠ-દસ વાર રખડ્યા,ધીરે ધીરે આનંદને સ્થાને ભય વ્યાપવા લાગ્યો.

‘આપણે તો આખી રાત રખડીશું,પણ સ્ત્રી અને બાળકોનું શું? ‘ એવો વિચાર પણ અમ પુરુષોને આવી ગયો. ‘શું કરવું?’ બધા ઊભા રહી વિચાર કરવાં લાગ્યા. સંકટમાં બને છે તેમ, બધા પોતપોતાની શ્રધ્ધા પ્રમાણે વર્તવા લાગ્યા.

કોઈ પ્રાર્થના બોલવા મંડ્યું, તો કોઈ બૂમો પાડવા, કોઈ આમતેમ ઝડપથી ફરીને માર્ગ શોધવા મંડ્યું, તો ગભરાઈને સ્થિર ઊભા રહી ગયાં.

એટલામાં એક જણે કહ્યું : ‘કંઈક અવાજ આવ્યો. કોઈ બોલાવે છે!’

બૂમો પાડનારા એવા તાનમાં આવીને બૂમો પાડતા હતા કે કાને પડ્યું સંભળાય જ નહિ. ‘કોઈ બોલે છે’ એવી પેલા ભાઇની વાત પણ કોઈએ સાંભળી નહીં અને બૂમો ચાલુ રહી. થોડીવારમાં બેત્રણ જણે કહ્યું ; ‘ચોક્ક્સ, કોઈ બોલાવે છે. બધા શાંત થાઓ.’

અને સાચે જ, શાંત થયા પછી, નીચેથી આ પ્રમાણેના શબ્દો આવ્યાઃ

‘ગભરાઓ નહીં. ઊભા છો ત્યાંથી ડાબી બાજુએ થોડું ચાલો, એટલે કેડી આવશે. એ કેડીએ કેડીએ નીચા ઉતરી આવો .’ અવાજ  મૃદુ, સ્પષ્ટ અને શુધ્ધ ગુજરાતી હતો.

અમે ફરીથી બઘા એકસામટા પૂછવા લાગ્યાઃ

‘ફરીથી કહોને, ક્યાં થઈને આવીએ?’

ફરીથી એટલી જ સ્પસ્ટતાથી, એ શબ્દો આવ્યા. હર્ષ પુલકિત થઈને અમે ચીંઘેલા રસ્તે વળ્યા અને જોતજોતામાં નીચે નખીને કિનારે આવીને ઊભા રહ્યા!

નીચે આવીને એ ઉપકારક ભાઈને અમે બોલાવવા લાગ્યા અને આમતેમ શોઘવા લાગ્યા. પણ ભાઇનો પત્તો જ નહીં! બેત્રણ બાજુ અમારી ટોળીના જુવાનિયાઓ શોધી વળ્યા, પણ કોઈનું નામનિશાન નહીં.

ટેકરી ઉપર પાડતા હતા એવી બૂમો પણ  પાડી જોઈ. રામ તારું નામ!  મુકામ તરફ જતાં હનુમાનજીના મંદિરનો પૂજારી જુવાન બાવો મળ્યો. એ સ્થાન, અમે નીચે ઊતર્યા એની તદન પાસે જ હતું. એણે કોઈને જતાં જોયો હ્શે એમ ધારી અમે એને પૂછ્યું.

એણે કહ્યું  ‘ હમ તીન ઘંટેસે ઈઘર ઠહરે હૈ. ઈઘરસે કોઈ અભી ગયા નહીં હૈ.’ 

 આ ભેદ ઉકેલવા અમે બઘા અમારી રીતે પ્રયત્ન કરતા હતા.

અમારી ટોળીમાંના વયોવૃધ્ધ, શ્રઘ્ઘાળુ સજ્જ્ન બોલી ઊઠયાઃ

‘ભગવાને જ આપણી પ્રાર્થના સામું  જોયું. આપણને રસ્તો બતાવીને ભગવાન ચાલ્યા ગયા. એ ડાબી બાજુએ તો આપણે કેટલીય વાર ગયા હતા. પ્રભુએ જ કેડી બતાવીને આપણાં છોકરાંને બચાવ્યાં’

– દામુભાઈ શુક્લ

( અત્તરનાં પૂમડાં માંથી સાભાર, પુસ્તક પ્રાપ્તિની વિગતો સંપાદક પુનિતપદરેણું, પ્રકાશક પુનિત પ્રકાશન, સંત પુનિત માર્ગ, મણિનગર, અમદાવાદ ૦૮, મૂલ્ય – ૪૦ રૂ. )


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “અગમ્ય અનુભવ – દામુભાઈ શુક્લ