એક આંસુ – ભાનુશંકર આચાર્ય 2


હું ઈશ્વરનો પરમ ઉપાસક, અનન્યાશ્રયી ભક્ત કે દ્રઢશ્રધ્ધ પૂજક ન હતો અને નથી. માણસ ઈશ્વર પ્રત્યે દરકારી કે બેદરકારી ગમે તે બતાવી રહે છતાં ઈશ્વર કલ્યાણમૂર્તિ છે, તે સર્વનો રક્ષક અને સહાયક છે તેમ તો હું એક અનુભવ પછી માનતો થયો છું.

પ્રત્યેક વ્યક્તિને જીવનની કોઈ એક ક્ષણ ધન્ય બની હોય તેવો અનુભવ મળે છે જ. એક ક્ષણની તેવી સ્મૃતિ વારંવાર યાદ કરવામાં આવે તો નાસ્તિક મનુષ્ય આસ્તિક બની જાય છે. પાપી જન પુણ્યાત્મિકા ભાગીરથીથી પણ વધુ પવિત્ર બની જાય છે.

ઈશ્વર સમદ્રષ્ટિવાળો છે; તે પાપી કે પુણ્યવાન, આસ્તિક કે નાસ્તિક, ભક્ત કે અભક્ત, દરેકને કોઈવાર પ્રત્યક્ષ થઈને અગર પરોક્ષ રીતે સાન્નિધ્યનું ભાન કરાવે છે. દર્શન દે છે. માત્ર ઈશ્વરનું દર્શન થયા પછી તેનું સ્મરણ જ, પછીથી મનુષ્ય જાગૃત રહે તો, તેના ઉધ્ધાર માટે સ્વતંત્ર અવલંબન બની શકે છે. બલ્કે મનુષ્ય તે દર્શનને ન વિસ્મરે તો તે ક્ષણ તેના જીવનની ધન્ય પળ બની જાય છે.

આખું જગત સ્વાર્થી છે. હું કેમ સ્વાર્થી ન હોઉં? પરંતુ આસ્તિક અને શ્રધ્ધાળુ માતાપિતા પાસેથી ઈશ્વરનું સ્મરણ ગમે તે મુશ્કેલ પળમાંથી પણ ઉગારી લે છે તેવો ઉપદેશ મળેલો. નાનપણમાં જ મળેલો આ ઉપદેશ મને હજી યાદ છે. સંકટમાં ઈશ્વર સ્મરણ હું કદી ચૂકતો નથી.

હું વિદ્યાર્થી હતો. ઈશ્વર સ્મરણ માત્ર સ્વાર્થ પૂરતું જ મારો આધાર હતું. પણ મુશ્કેલીમાં પાર ઉતારવા ઈષ્ટનું સ્મરણ અમોઘ શસ્ત્ર છે તેમ તો સ્વાર્થ ભાવનાની સાથે જ હું અત્યંત વિશ્વાસપૂર્વક માનતો. ઈષ્ટદેવનું સ્મરણ કર્યા સિવાય નિશાળે ન જવું કે ઘર બહાર પગ ન મૂકવો તે ટેવ માતાપિતાના ઉપદેશથી નાનપણથી જ પડી હતી. ઈચ્છાએ કે અનિચ્છાએ, શ્રધ્ધાથી કે અંધશ્રધ્ધાથી ઈરાદાપૂર્વક કે નિન ઈરાદે અગર યંત્રવત  પણ ઈષ્ટસ્મરણ પછીથી જ હું ઘર બહાર પગ મૂકતો હતો. રસ્તામાં એક શિવાલય આવતુ, તેમાં દર્શન કર્યા પછીજ કોલેજ જવાય તેવો અચૂક નિયમ હું પાળતો.

સને ૧૯૩૫ની વાત છે. હું એફ.વાય આર્ટસમાં અભ્યાસ કરતો. તે વખતે એફ.વાય આર્ટસમાં સાયન્સનો વિષય ફરજિયાત હતો. અમારે ફીઝીક્સ શીખવું પડતું જ. સાયન્સમાં પ્રેક્ટીક્લ-પ્રયોગ સિવાય તે વર્ષના અભ્યાસક્રમના તમામ પ્રયોગો આવડતા. યાદ છે ત્યાં સુધી કુલ ૧૯ પ્રયોગો અમારે શીખવાના હતાં. તેમાંય ૧૮ પ્રયોગો ખૂબ જ સારી રીતે હું જાણતો. માત્ર ઉપરોક્ત એક જ પ્રયોગથી અજ્ઞાત હતો. પરીક્ષામાં ૧૯માંથી ઉપર જણાવેલા પ્રયોગ સિવાય કોઈ પણ પ્રયોગ આવે તો હું સારા ગુણાંક મળવી શકું તેમ નથી.

પરીક્ષાનો દિવસ આવ્યો. ‘પ્રેક્ટીક્લ’ મારે અમારી ‘બેચ’ લેબોરેટરીને બારણે એકઠી થઈ. પરીક્ષક લેબોરેટરી રૂમના બારણામાં ઊભા. લેબોરેટરી માં ટેબલો ગોઠવ્યાં હતાં. દરેક ટેબલો ઉપર નંબરો લખેલા હતા. પરીક્ષકના હાથમા ચિઠ્ઠીઓ હતી. ચિઠ્ઠીઓ વાળેલી હતી, જેથી ધડી ખોલ્યા સિવાય તેમાં લખેલ નંબર વાંચી શકાય નહીં. એકેક વિદ્યાર્થી આવતો જાય અને પરીક્ષક વગર જોયે તેને એક ચિઠ્ઠી આપે. તે ચિઠ્ઠીમાં જોઈને તેમાં જે નંબર લખ્યો હોય તે પ્રયોગ કરવાનો. પરીક્ષક તો જોયા સિવાય જ ચિઠ્ઠી આપતા, એટલે  જેના ભાગ્યમાં જે હોય તે નંબરની ચિઠ્ઠી તેને મળે અને તે ટેબલ ઉપર જઈ તેણે પ્રયોગ કરવાનો હોય.

મને પરીક્ષકે ચિઠ્ઠી આપી.મે ખુલ્લી કરીને જોઈ, તેમાં ‘૬’ લખેલ હતું. હું ‘૬’ નંબર ના ટેબલે ગયો. તો ત્યાં બોઈલ્સ લોના પ્રયોગ માટેનાં સાધનો હતાં.

 ટેબલ જોઈને હું ગભરાય ગયો-મુઢ બની ગયો. મને થયું કે મારૂ પરીણામ તો નિશ્ર્ચિત થઈ ગયું –  નાપાસ

પ્રયોગ માટે ૩૦ મિનીટો અપાતી તેમાંથી ૨૦ મિનીટો તો વ્યતીત થઈ ગઈ હતી.  હું તો પ્રયોગ કરી શક્યો જ નહી. માત્ર ૧૦ મિનીટ બાકી છે, તેમ પરીક્ષક આવીને મને કહી ગયાં. હે પ્રભુ! કેવી નિર્દય કસોટી! મારૂ હદય પોકારી ઉઠ્યું. આંખમાંથી આંસુ સરી પડ્યું . ઈષ્ટ્નું સ્મરણ્ કર્યું, ઈષ્ટ સહાય નહીં કરે? હદયમાં પ્રશ્ર્ન ઊઠ્યો.

 બીજી જ  ક્ષણે વિચાર આવ્યો કે મને જ આવડતું હોય તેમાં ઈષ્ટ દેવ શું કરે?  ઈષ્ટ દેવ કંઈ થોડોજ પ્રયોગ કરી દેવાના હતાં?

બીજું આંસુ નેત્રમાંથી ટપકી પડ્યું. એકદમ મારો હાથ ટેબલના ખાના ઉપર પડ્યો, અજાણતાજ મે ખાનું ખોલ્યું તેમાં પેન્સિલથી લખેલ એક કાગળ હતો.  તેમાંજ પ્રયોગના ફળના આંકડાઓ તૈયાર હતાં. કાગળ હાથમાં લીધો ઈષ્ટ દેવ ને સ્મરીને ફરી હું રડી પડ્યો.  આ રુદન હર્ષનું હતં મે તો ઉતાવળે આંકડા અને લખાણની નકલ કરી લીધી માત્ર બે જ મિનીટ બાકી રહી. તે બે મિનીટ વગર મહેનતે મળેલા ફળથી કાગળને પકડી હું મુઢ જેવો ઉભો રહ્યો. આખરે પરીક્ષકે આવી કાગળ ઝુટવી લીધો ત્યારે હું પરિક્ષા રૂમમાં હતો તેવું મને ભાન આવ્યું.

 પરિણામ બહાર પડ્યું.  હું પાસ જાહેર થયો, ઈશ્ર્વરના અસ્તિત્વની દ્ર્ઠ શ્રધ્ધા માટે આવો નાનકડો પ્રસંગ પણ જીવન માં મહાન બની રહે છે. ઈશ્ર્વર તો સ્વાર્થથી ભજનારને પણ ક્યાં ભૂલે છે? નાનુ કે મોટું ગમે તે કાર્ય ઈશ્ર્વર માટે તો અલ્પ જ છે, અને તે તો શરણાગતની શઠતા કે સ્વાર્થ વ્રુતીનો વિચાર કર્યા સિવાય તે કાર્ય કરી ચુકે છે. કર્યાનો બદલો પણ ઈશ્ર્વર ક્યાં માંગે છે? કરે તે ઉપકાર કરી બતાવે પણ ખરો કે? માટે જ ભગવાન શ્રી શંકરાચાર્ય કહે છે કે:

आपत्सु मग्नः स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवे शिवे l

नैतच्छठत्वं मम भावयेथाः क्षुधातुषार्ताः जननी स्मरन्ति ll

 – ભાનુશંકર આચાર્ય

( “અતરનાં પૂમડાં” માંથી સાભાર, સંપાદક પુનિતપદરેણું, પ્રકાશન ઃ પુનિત પ્રકાશન, સંત પુનિત માર્ગ, મણિનગર, અમદાવાદ )


Leave a Reply to Vikas BelaniCancel reply

2 thoughts on “એક આંસુ – ભાનુશંકર આચાર્ય