લધુકાવ્યો ( સંકલિત ) – જીગ્નેશ અધ્યારૂ 7


1.

એક મધરાતે

ભીંતે ટાંગેલી ઢાલને

સપનું આવ્યું

તલવાર છે તે

રૂપેરી નદી બનીને

વહી રહી છે …. – ધીરૂ મોદી

2.

જન્મદિવસ

મારો, સાદડી અને

કાણમાં વીત્યો. – રમેશ પારેખ

3.

શબ્દો

અર્થોની પાલખી

ઉપાડવાની

સાફ ના પાડી

બેઠા છે – જિતેન્દ્ર કા. યાસ

4.

અબ કે બિછડે તો

શાયદ ખ્વાબોંમેં મિલે,

જૈસે સૂખે હુએ ફૂલ

કિતાબોંમેં મિલે. – અહમદ ફરાઝ

5.

મૌસમ અહીંતો કોઈ પણ,

છલનાની હોય છે.

શ્રાવણ અષાઢ રાખીએ,

આ ઝાંઝવાનું નામ. – ભગવતીકુમાર શર્મા

6.

કવિતા લખેલ પાનું

એ તો સ્ટે ઓર્ડર છે

મૃત્યુ સામેનો – અનામ

7.

તું સંબંધમાં પણ

માપપટ્ટી રાખે છે,

મારે તો શૂન્યથી પણ

ઓછા અંતરે આવવું છે. – નરેન્દ્ર રાવલ

8.

ઉતરડાયેલાં અંધકારમાં

પ્રસવેલું શિશુ

ગુપ્તતાથી પેટીમાં પૂરી

તરતું મૂકું

ત્યાં કર્ણનો નાદ સંભળાય

ન હન્યતે! ન હન્યતે! – પ્રફુલ્લ રાવલ

9.

પહેલી વાર સ્મશાને ગયો તે પછી

કેટલીય રાત સૂઈ ન શક્યો

હવે તો મને

નનામી બાંધતા આવડી ગઈ છે! – વિપિન પરીખ

10.

અર્ધો તૂટેલ ઝરૂખો

એમાં હજીય બેઠી છે

નિષ્પલક પ્રતીક્ષા – રાજેન્દ્ર શાહ

11.

લોકશાહીના પેટમાં

દુઃખાવો ઉપડ્યો

દાક્તરે તપાસ કરીને કહ્યું

“એના પેટમાં સત્તાની ગાંઠ છે.” – ફિલિપ ક્લાર્ક

12.

શંકા રાખી

બરબાદ થવા કરતા

વિશ્વાસ રાખી

લૂંટાઈ જાવું હું પસંદ કરું છું. – શરદચંદ્ર ચટોપાધ્યાય

13.

રોજ સવારે

સૂર્ય નહીં

એક ઈચ્છા ઉગે છે – માલા કાપડીયા

14.

મૃત્યુ જેને આપણે

END સમજીએ છીએ

વાસ્તવમાં જે

AND હોય છે – ‘ખ્વાબ’


7 thoughts on “લધુકાવ્યો ( સંકલિત ) – જીગ્નેશ અધ્યારૂ

 • દક્ષેશ

  ખુબ સરસ … ખાસ કરીને છેલ્લાં બે ખુબ ગમ્યા. ઓછા શબ્દોમાં વધુ કહેવું એ ખુબ અઘરી વાત છે. એટલે જ કદાચ ગદ્ય કરતાં પદ્ય અઘરું છે અને એમાંય આ તો લઘુકાવ્યો …

  રોજ સવારે
  સૂર્ય નહીં
  એક ઈચ્છા ઉગે છે

  સવારની વાત .. એ વાંચતા યાદ આવી સાંજની વાત…

  તું કહે છે સાંજ ઢળતી જાય છે,
  હું કહું છું જીંદગી ઢોળાય છે …

Comments are closed.