ખાબોચીયામાં રમો, ખુશાલભાઈ – શ્રી મકરંદભાઈ દવે 3


ખાબોચિયામાં રમો, ખુશાલભાઈ,

ખાબોચીયામાં રમો

પેટ ફુલાવી, પહોળા થઈને,

જીવ જંતુડા જમો, ખુશાલભાઈ,

ખાબોચીયામાં રમો

 

સૌથી મોટું ખાબોચીયું,

તમ મોટો દોરદમામ,

એમાંયે આ એક તમારું

શું મોટુંમસ કામ !

સૌથી મોટા તમો, ખુશાલભાઈ,

ખાબોચીયામાં રમો

 

રૈયત તો છે રાંક, બિચારી

બિલ્લી, બકરું ઘેટું,

કોઈ ભલે માથું કાઢે

શું કરશે મારું બેટું?

દાંત ભીંસીને દમો, ખુશાલભાઈ,

ખાબોચીયામાં રમો

 

ધમધખતો જો ધોમ ધખે તો

સૂરજને શું કે’વું?

તમ દરિયાનો દાટ વળે તો

બોલો ક્યાં જઈ રે’વુ?

ટીપું જળ માટે ટળવળતા,

નીચા થઈને નમો, ખુશાલભાઈ,

ખાબોચીયામાં રમો

 – શ્રી મકરંદભાઈ દવે

એક જ રચનાના અનેકવિધ અર્થો કાઢી શકાય એવી શ્રી મકરંદભાઈની રચનાઓમાં આ એક રચના મારા હ્રદયની ખૂબ નજીક છે. તેની મારી સમજ આ પ્રમાણે થઈ છે.

પ્રાથમીક રીતે એક દેડકાના ખાબોચીયામય જીવન વિશે, તેની સંપતિ અને તેના મનોભાવો વિશે લખાયેલી આ કવિતા તેના ગૂઢ અર્થમાં જીવનનું એક અદમ્ય રહસ્ય સમજાવે છે.

ખુશાલભાઈ ના નામે, તેમના ઉદાહરણ દ્વારા શ્રી મકરંદભાઈ આપણને જીવનની એક કડવી વાસ્તવિકતા બતાવે છે. આપણે બધાં, પોતપોતાના ખાબોચીયામાં, આપણા ‘હું’ પણામાં જીવીએ છીએ. આપણું ખાબોચીયુંજ સૌથી મોટું અને આપણો દોરદમામ, આપણી નાની વાત પણ જાણે ખૂબ મહત્વની હોય તેમ આપણે સાહજીક રીતે માની લઈએ છીએ. પણ એક દરીયો થોડેક જ દૂર વસે છે, એક અફાટ સાગર કે જે આપણા નાના ‘હું’ પણાથી ખૂબ ઉંચે, ખૂબ મોટો છે તેને આપણે સમજવા માંગતા નથી. જીવનના રસ્તે થોડેક જ આગળ મુક્તિ છે પણ આપણે રસ્તાને જ મંઝિલ માની લઈએ છીએ, કોઈ આપણી વિરુધ્ધ કાંઈ પણ કહે, અરે આપણો કોઈ વાંક કે ભૂલ પણ બતાવે તો આપણે જાણે સો ટકા સાચા જ હોઈએ અને તે ખોટા હોય, આપણે તેના માલિક હોઈએ તેમ ઉકળી ઉઠીએ છીએ, અન્યને રાંક સમજી પોતાને જ સર્વસ્વ માની જીવવાની આપણી પધ્ધતિ પર પણ અહીં માર્મિક કટાક્ષ છે.

ઉનાંળામાં, જ્યારે ખાબોચીયામય દરીયો સૂકાતો જાય છે ત્યારે, એક એક ટીપાં માટે ટળવળતા દેડકાને થોડે દૂર દરીયામાં જવાની બુધ્ધિ કોણ આપે? આપણે જો ‘હું’ નો ત્યાગ કરી, દરીયા તરફ પ્રયાણ કરીએ, ટીપું જળ માટે પણ જો નીચા વળીએ તો ઘણુંય પામી શકીએ. માનવીને સંકુચિત મનોવૃત્તિ ત્યજીને ઉંચે ઉઠવા, જીવન સફળ કરવા ખૂબ સરળ ભાષામાં સમજાવતી આ કવિતા મને ખૂબ ગમી.

 – જીગ્નેશ અધ્યારૂ

( શ્રી મકરંદભાઈની રચના “કવિતા” સામયિક, વર્ષ ૩૩, સળંગ અંક ૧૯૩, ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૯ માંથી સાભાર )


Leave a Reply to Raj AdhyaruCancel reply

3 thoughts on “ખાબોચીયામાં રમો, ખુશાલભાઈ – શ્રી મકરંદભાઈ દવે

  • Raj Adhyaru

    આપણા રાજ્કા૨ણે અને સરકાર ચલાવતા સત્તાધિશો ને સારી રીતે લાગુ પડે.
    સરસ રચના— રાજ