Daily Archives: February 24, 2009


નમ્ર નિવેદન – જીગ્નેશ અધ્યારૂ 14

અધ્યારૂ નું જગત ની રચનાઓને પોતાના બ્લોગ પર સ્થાન આપતા મિત્રોને સવિનય વિનંતિ કે પોસ્ટ થયાના બે ત્રણ દિવસ સુધી મહેરબાની કરી પોસ્ટ કોપી કરી બ્લોગ પર પ્રસિધ્ધ ન કરે. જ્યારે પણ અન્ય બ્લોગ પર કે અન્યત્ર પ્રસિધ્ધ કરો ત્યારે પોસ્ટની લીન્ક આપે. એક બ્લોગ પર કે વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલી પોસ્ટ તે જ દિવસે કોપી પેસ્ટ કરી અન્ય બ્લોગ પર પ્રસિધ્ધ કરવાની જરૂરત મને દેખાતી નથી. એક જ પોસ્ટ એક જ સમયે બે બ્લોગ પર મૂકવાથી, તેની પસંદગી અને વિવેચનમાં થયેલી મહેનત લેખે લાગતી નથી, તો સામા પક્ષે  પસંદગીની પોસ્ટ અન્ય સાથે વહેંચવાની  લાગણી ધ્યાનમાં રાખતાં આખી પોસ્ટ કોપી ન કરતાં તેની લિન્ક તમે પોતાના બ્લોગ પર વહેંચી શકો છો. ગુજરાતી બ્લોગ જગતમાં આપવા માટે, વહેંચવા માટે લખલૂટ સાહિત્ય પડ્યું છે, આશા છે આપણે બધાંય કોપી પેસ્ટ પ્રવૃત્તિને રોકી કાંઈક નવું આપી શકીએ તો તે યોગ્ય હશે. મારા મતે કોપી પેસ્ટથી કે બીજાની પોસ્ટ પોતાના નામે કરવાથી કોઈ ઉદ્દેશ્ય ફળતો નથી. ક્ષણિક ફાયદો કદાચ હોઈ શકે પણ તે આપણામાંથી કોઈનો હેતુ નથી એમ મને લાગે છે. આ નિવેદનથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે માટે ક્ષમા માંગું છું. – જીગ્નેશ અધ્યારૂ


હ્રદયની પ્રાર્થના – રવિન્દ્રનાથ ટાગોર ( ગીતાંજલી માંથી ) 2

મારી તને આ પ્રાર્થના છે હે મારા પ્રભુ! મારા હ્રદયની પામરતાને જડમૂળથી ઘા કરીને ઉખેડી નાખ, મારા આનંદને તેમજ શોકને હું તદન સહેલાઈથી સહી શકું, એટલું બળ મને દે. શોક સહેવાનું જેને માટે શક્ય છે એને માટે પણ આ આનંદ સહેવાનું અઘરું છે, મારા નાથ, એટલે હું પ્રાર્થું છું કે આ આનંદને હું સહી શકું, એ બળ મને દે ! મારો પ્રેમ, મને કોઈ ને કોઈ સેવાના સફળ કાર્ય તરફ પ્રેરનાર બને, એવી શક્તિ મને આપ મને, હે નાથ! આ બળ આપ, કે હું કોઈ પણ ગરીબને કદી પણ તિરસ્કારું નહીં અને મોટા ચમરબંધી, ગર્વિષ્ઠ ઉધ્ધતને ચરણે મારું માથું નમાવું નહીં. નિત્યની નિર્માલ્ય વાતોને પણ, હું મારા મન માટેની ઉન્નતિનું એક સોપાન બનાવી શકું, એવી શક્તિ તું મને આપ ! અને છેવટે મને તું એ શક્તિ આપ સ્વામી ! કે મારું સામર્થ્ય, તારી ઈચ્છાને પ્રેમથી આધીન થવામાં, પોતાની શક્તિની પરાકાષ્ઠા જુઓ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર (ગીતાંજલી માંથી) શાંત તોમાર છંદ (સંકલિત રચનાઓ માંથી સાભાર)