ભજન કરે તે જીતે – શ્રી મકરન્દ દવે 8


વજન કરે તે હારે રે મનવા,

ભજન કરે તે જીતે

તુલસી દલથી તોલ કરો તો,

બને પર્વત પરપોટો

અને હિમાલય મૂકો હેમનો

તો મેરુથી મોટો

આ ભારે હળવા હરિવરને

મૂલવવા શી રીતે ! –

રે મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે

આ જીવતરને ઘાટે,

સાચખોટના ખાતાં પાડી

એમાં તું નહીં ખાટે,

સહેલીશ તું સાગર મોજે કે

પડ્યો રહીશ પછીતે?

રે મનવા, ભજન કરે તે જીતે

આવ, હવે તારા ગજ મૂકી,

વજન મૂકીને, વરવા,

નવલખ તારાં નીચે બેઠો

ક્યાં ત્રાજવડે તરવા ?

ચૌદ ભુવનનો સ્વામી આવે

ચપટી ધૂળની પ્રીતે

રે મનવા, ભજન કરે તે જીતે

 – મકરન્દ દવે.

ભજન અને દુન્યવી વેપારની સરખામણી તો શક્ય જ નથી, શ્રી મકરન્દ દવે અહીં કહે છે કે વજન કરે તે હારે અને ભજન કરે તે જીતે, જીવનનાં વેપારમાં કયા ત્રાજવા કાટલા વાપરીશ? કવિ પોતાના મનને સમજાવે છે કે પ્રભુ તુલસીદલની સામે હળવાફૂલ પરપોટા જેવા થઈ જાય છે તો સામે પર્વતથી પણ ભારે થઈ શકે છે. આ હળવા ભારે હરીને મૂલવવાની કોઈ રીત નથી એમ તેઓ મનને સમજાવે છે.

જીવતર માટે માંડ એક ઘડી મળી છે, તો એમાં સાચ ખોટની, દુન્યવી સરખામણીઓ કરવાની છોડીને આનંદ સાગરની સહેલ માણવા તેઓ મનને સમજાવે છે. તેઓ મનને સમજાવતા કહે છે કે પ્રભુ માપવાનાં ગજ – ત્રાજવા મૂકી દે, નવલખ તારા નીચે બેસીને પ્રભુને કયા ત્રાજવે તોળીશ? ચૌદ ભુવનના સ્વામી પ્રભુ એક ચપટી ધૂળથી પણ જો સાચો પ્રેમ હોય તો, દોડતા આવે છે, આમ આ કાવ્યમાં કવિશ્રી મનને સાંસારીક વાતોમાંથી મુક્ત થઈ ભજનમાં મન લગાડવા કહે છે.


Leave a Reply to Rushang Trivedi Cancel reply

8 thoughts on “ભજન કરે તે જીતે – શ્રી મકરન્દ દવે