સંબંધોની પેલે પાર – ડીમ્પલ આશાપુરી 7


એકમેકને ઓગાળી દઈએ આરપાર,
બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ.
શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ,
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ

ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન
અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ….

આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું
દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ …..

આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર
સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ …..

પછીતો ના ફરીયાદો, ના વિનંતિ,
આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ ……

વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત,
વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ,
તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને
‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ,….

ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ

****************

મારી અંદર વરસે છે તું
મારી અંદર વરસે છે ધોધમાર તું
પ્રણયનાં એ પહેલા વરસાદસમ તું

આજ રાધાનો કા’ન મને ફિક્કો લાગે વાલમ
એવા કા’ન ની ઈચ્છાનું કારણ થઈ તું,
મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું.

જો ! આ
ઝાકળભીનો સ્પર્શ એક તારો
ભીંજવે મારા યુગો અનેક
એવા મનની તૃષ્ણાઓનો પિયુષ તું
મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું.

– શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી

( શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી તરફથી સ્નેહ અઠવાડીયામાં પ્રગટ કરવા માટે મળેલી આ બે રચનાઓ ખૂબ ઉર્મિસભર છે અને પ્રેમમાં મગ્ન એવા એક હ્રદયની લાગણીઓ ખૂબ સરસ શબ્દોમાં કહી જાય છે. આ રચનાઓ અધ્યારૂ નું જગતને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર. )


Leave a Reply to bhavikCancel reply

7 thoughts on “સંબંધોની પેલે પાર – ડીમ્પલ આશાપુરી