એક પતિનો પ્રથમ પ્રેમપત્ર – મૈત્રેયી દેવી (અનુ. નગીનદાસ પારેખ) 4


કુમારીશ્રી,

આપ જીવનસાથીની પસંદગી કરવાનાં છો એવું જાણવામાં આવતા એ ખાલી જગ્યા માટે હું મારી જાતને એક ઉમેદવાર તરીકે રજૂ કરવાની રજા લઉં છું. મારી લાયકાતની બાબતમાં જણાવવાનું કે હું નથી પરણેલો કે નથી વિધુર. ખરું જોતા હું અસલી માલ છું. – સાચો કુંવારો માણસ છું, એટલું જ નહીં, હું પાક્કો એકલો માણસ છું કારણ હું લાંબા સમયથી કુંવારો છું.

ન્યાયની ખાતર મારે મારી ગેરલાયકાતો પણ જણાવવી જોઈએ. હું નિખાલસ ભાવે કબૂલ કરું છું કે આ કામમાં હું તદ્દન નવો છું. અને આ લાઈનમાં પહેલાનાં કશા અનુભવનો દાવો કરી શકું તેમ નથી., કારણ પહેલા કોઈ સાથે આવી ભાગીદારીમાં જોડાવાનો મને કદી પ્રસંગ મળ્યો નથી. મારો અનુભવનો આ અભાવ મને ડર રહે છે કે, નડતરરૂપ અને ગેરલાયકાત ગણાવાનો સંભવ છે. તેમ છતાં હું એટલું જણાવવાની રજા લઉં છું કે ‘અનુભવનો અભાવ’ એ જીવનમાં બીજા કોઈ ક્ષેત્રોમાં ગેરલાયકાત હોવા છતાં જીવનનું આ એક જ એવું ક્ષેત્ર છે જેમાં એ બધી રીતે ઈચ્છવાયોગ્ય ગણાય, એથી પણ મોટી નડતર કદાચ એ હકીકત ગણાય એવો સંભવ છે કે હું લાંબા સમયથી કુંવારો માણસ છું અને કુંવારાપણાની મારી ટેવો દ્રઢ થઈ ગઈ છે. રખેને નવી પરિસ્થિતિને અનુકૂળ થવાની મારી શક્તિ વિશે શંકા સેવવામાં આવે એટલા ખાતર હું એ હકીકત તરફ આપનું ધ્યાન દોરવાની રજા લઉં છું કે મારો કેસ સર પી સી રાયના જેટલો છેક આશા છોડી દેવા જેવો નથી.

વધુ માહિતી માટે હું આપને આપના માતાને મળવાની વિનંતી કરું છું જેઓ જેમણે કોઇ વિરલ મમીને તપાસતા કોઇ વિખ્યાત મિસરવિદને પણ જેબ આપે એટલી જિજ્ઞાસા અને રસપૂર્વક મારો અભ્યાસ કર્યો હતો.

અંતમાં હું આપને ખાતરી આપું છું કે આપને દરેક વાતે સંતોષ આપવાનો મારો સતત પ્રયત્ન રહેશે.

હું છું,

કુમારી શ્રી,

આપનો અત્યંત આજ્ઞાંકિત સેવક હોવામાં ગૌરવ માનનાર.

 ૧૭મી જૂન ૧૯૩૪

****************************

સમયનો સમુદ્ર વટાવીને

જે જીવન ખોવાઈ ગયું છે

તે જો ફરીથી પાછું આવે

મનનાં આકાશમાં પ્રકાશ બનીને

અને ચંદ્રતારકોની સાથે

એક આસન પર બેસે

તો તે સૂર્યરૂપ

મને વિશ્વરૂપનું દર્શન કરાવશે

ત્યાર પછી બીજો રસ્તો નથી

પ્રણિધાય કાય

પ્રસન્નતા ઈચ્છું છું.

*********************************

( અતિશય સફળ અને ઘણાંય યુવાન હૈયાની ખૂબ નજીક એવી ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” જે નવલકથા પરથી બની છે તે શ્રીમતી મૈત્રેયી દેવીની “ન હન્યતે” નો ગુજરાતી ભાવાનુવાદ શ્રી નગીનદાસ પારેખ દ્વારા આ જ શીર્ષક હેઠળ થયો છે. ખૂબ જ વર્ણનાત્મક અને ઉર્મિસભર આ કથાના અમુક પ્રસંગોને લઈને ફિલ્માવાયેલી “હમ દિલ દે ચુકે સનમ” નું આ મૂળભૂત સ્વરૂપ અને ખૂબ સરસ નવલકથા છે. સાહિત્ય અકાદમીના ઉત્તમ અનુવાદનો પુરસ્કાર મેળવનારી આ કૃતિ ખૂબ સરસ ભાવનાસભર સ્નેહ વિશ્વમાં વિહાર કરાવે છે.

શ્રીમતી મૈત્રેયી દેવી દર્શનશાસ્ત્રના વિશ્વવિખ્યાત અધ્યાપક સુરેન્દ્રનાથ દાસગુપ્તાનાં પુત્રી હતાં. ૧ સપ્ટેમ્બર ૧૯૧૪ ના રોજ જન્મેલા તેમણે દર્શનશાસ્ત્રનો મુખ્ય વિષય લઈને સ્નાતક પદવી મેળવી. કવિતાનું પહેલું પુસ્તક ઉદિતા રવિન્દ્રનાથ ટાગોરની પ્રસ્તાવના સાથે ૧૯૩૦માં પ્રગટ કર્યું હતું. એ પછી બીજા ચાર કાવ્યસંગ્રહો, નવ પુસ્તકો રવિન્દ્રનાથ વિશે બંગાળી અને અંગ્રેજીમાં અને આ ઉપરાંત પ્રવાસ, તત્વજ્ઞાન અને સમાજસુધારાને લગતા પાંચ પુસ્તકો લખ્યાં છે. ‘ન હન્યતે ‘ પુસ્તકને ૧૯૭૬માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.

આ પત્ર નાયિકાને તેના પતિ તરફથી લગ્ન પછીના દિવસે મળે છે. ફિલ્મની વાત આ નવલકથાના મૂળ ભાવથી થોડી અલગ પડે છે. પરંતુ ફિલ્મ એ વિચાર છે જ્યારે આ નવલકથા તેમનાં પોતાનાં અનુભવ છે. પ્રસ્તાવનામા ઉમાશકર જોષી કહે છે તેમ કથાનું મુખ્યલક્ષણ એ છે કે અહીં કશુંય કૃતક નથી, બનાવટનો પ્રયત્ન નથી. અને આ કથા વાંચતા જઈએ તેમ એક વધુ ને વધુ સાચો ચહેરો ઉપસતો આવે છે. અને અઠ્ઠાવને પહોંચ્યા પછી એકાએક ચેતનાનાં સર્વ પડ ભેદીને સોળ વર્ષની ઉંમરે થયેલા પ્રણયાનુભવની સબળ સ્મૃતિ તેમને ઉછળી આવે છે. સ્નેહ અઠવાડીયા માટે આ પોસ્ટથી વધુ સારી પસંદગી કદાચ કોઈ ન હોઈ શકે. પુસ્તક પ્રાપ્તિ માટે રન્નાદે પ્રકાશન, હંમેશ મનહર મોદી, ૫૮/૨, બીજે માળ, દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ )


Leave a Reply to dinkeshCancel reply

4 thoughts on “એક પતિનો પ્રથમ પ્રેમપત્ર – મૈત્રેયી દેવી (અનુ. નગીનદાસ પારેખ)