કવિ થવું એટલે – તરુણભાઈ મહેતા 5


દરેકના જીવનમાં ધારેલી બધીજ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એવું કાંઈ નથી. દરેકને કોઈક વાતનો અભાવ તો રહેવાનોજ. પરંતુ કવિ બનવું તે નાની સૂની વાત નથી. આમ તો દરેક વત્તા ઓછા અંશે કવિ તો હોય જ પરંતુ તેની કલ્પનાશક્તિ કુંઠિત કરી દેવામાં સમાજનો ખૂબ મોટો ફાળો છે. એમ છતાં નીવડેલા કવિને સમાજ ઈનામ અકરામોથી નવાજે છે. કવિને પ્રથમ ઈનામ તો દર્દ – ઝખ્મો અને સહનશક્તિનું મળે છે. સમાજ, ગામ અને ઘરનાં સભ્યો ખુદ ઘરવાળી પણ તેને છટકેલ મગજનો ગણે છે. ઘણી વખત તેના મગજ હોવા અંગેની અફવા પણ તે ફેલાવે છે. પણ એ જ ઘરવાળી જ્યારે પરણી ન હોય ત્યારે કવિને “કવિ” બનાવવાના મૂળમાં રહેલી હોય છે. એથીજ કવિઓ પોતાના સંગ્રહમાં કોપીરાઈટના હક્કો ઘરવાળીના નામે જ કરી દેતા હોય છે. આમ તો માણસ માત્રમાં ઉદારતા રહેલી હોય છે. સામાન્ય માણસ બેન્ક બેલેન્સ, મકાન કે મીટર ઘરવાળીના નામે કરે છે, જ્યારે કવિ તો પોતાની વિચારોની મૂડી પણ ઘરવાળીના નામે કરી તેના નિર્દંભ વ્યક્તિત્વનો પરિચય કરાવે છે.

કવિ હોવા માટે કવિ કહેવડાવવું આવશ્યક છે. જેમ કે તેમાં પ્રેમિકા અને પત્નિ કવિ તરીકે ઓળખે તેમજ પ્રસ્થાપિત કવિ થઈ શકાય. મારા ઘણા મિત્રો કવિ છે પરંતુ જાતને કવિ તરીકે ઓળખાવવા જેટલા અપલક્ષણોના અભાવે તેની કવિતા ડાયરીના પાનાની શોભા વધારી બાળમરણ પામી છે અથવા તો પોતે અગરબત્તીની જેમ બળીને અન્યની નાસિકા સુધી ગાંઠીયા અને ચટણી જેવા નયનરમ્ય અને મનોહર ફરસાણની સુવાસ પાથરનાર બની રહે છે.

આમ તો સહન કરે તે સંત, રાજી થાય તે ઋષિ. કવિને સંસ્કૃતમાં कविभीः परिभू स्वयंभू मनीषी કહીને ઋષિ સમાન ગણાવ્યા છે, કારણકે મોહ માયા ન મળવાથી સહજ ત્યાગ વૃત્તિ સાધ્ય બની છે અને વધારામાં કોઈની સામે બોલવા જેવું રહ્યું ન હોય તેથી બધાનું સહન કરી લેવાનું તેમ તે માને છે. ક્યાંક જાત સાથે સંવાદ કરી સમાજનો વિવાદ વહોરી લે છે. આમ કોઈને કોઈ રીતે કેન્દ્રમાં રહેવું તે કવિના પ્રસાર પ્રચાર માટે અનિવાર્ય ઘટના છે.

આમ તો કવિના મૌનનો મહીમા ગવાયો છે, કારણકે કવિને સમયભાન ન રહેતું હોવાથી સમાધિ માંથી ઋષિને બહાર નીકળતા જેટલી વાર લાગે તેટલી વાર એક કવિને કવિતાના વાતાવરણમાંથી બહાર નીકળતા લાગે છે. કારણકે કવિતા સિવાય તેની પાસે યાદ રાખવા જેવું બીજુ શું હોય? કરીયાણા વાળો કે વેપારી કવિ મહાશયને યાદ રાખે છે અને પનારો પડ્યો છે તેથી પત્ની ભૂલી ન શકે પણ અરધી બીડેલી આંખોના પોપચાં માંથી નવા નવા દ્રશ્યો જોઈ રાત્રે ઉજાગરો કરવાની ટેવ કવિ માટે પ્રિલીમીનરી પરીક્ષા જેવી છે. આટલું કર્યા પછી પણ દયા દેખાડવી, સમાજના માણસો ને ઉદારતાથી માફ કરી દેવા, પોતાનું ન સાંભળનાર ને તુચ્છ કે અસમર્થ ગણી તેના તરફ ઉદારચરિતનો પરિચય કરાવવો, સમારંભો કે મેળાવડામાં ડીસ્કાઉન્ટ વાળી ખાદી માંથી બનાવેલ બે જોડી કફની-લેંઘા ને ઈસ્ત્રિ કરાવવી, પોતે જે કવિતા બોલે તેના ઓડીયન્સનું ધ્યાન રાખવું, કાંઈ ન મળે તો ઓડીયન્સને જ કમાણી ગણવી, કોઈ તેની કવિતાને કેટલી દાદ આપે છે તે યાદ રાખી વ્યાજ સાથે પરત કરવી, દાદ મેળવવાની લાયકાત કેળવવી આ બધું કરવામાં કવિ ને એક સફળ બિઝનસમેન જેટલી જ કાળજી રાખવી પડે છે એટલે તો દિવસ રાત જોયા વગર તે શબ્દોનો સરવાળો, બુરાઈની બાદબાકી, ને ગમ નો ગુણાકાર કર્યા કરે છે.

પૈસા કે પુરસ્કારની પરવા વગર માણસોને પોતાના ઘરે બોલાવી, ચા નાસ્તો કરાવીને કવિતા સંભળાવનાર ઉદાર ચરિત કવિ થવાનું ભાગ્યમાં લખાયું હોય તેનાથી મોટી ઉપલબ્ધી બીજી શી હોઈ શકે? હમણાં જ મારા યુવાન મિત્રએ લગ્નના પાંચ વર્ષ સુખદ પસાર કર્યા છે તેથી મેં પ્રથમ તેની પત્નીને અભિનંદન આપેલા, જાણો છો શું કામ? અલબત્ત, કવિ જેવા કવિને પાંચ વર્ષ સુધી સુખદ રીતે નિભાવી લેવા માટે જ તો !

– તરુણભાઈ મહેતા

*****************

(શ્રી તરૂણભાઈ મહેતા  મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે ફરજ બજાવે છે. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. અધ્યારૂ નું જગત માટે  હાસ્ય અઠવાડીયા માટે ઉપરોક્ત લેખ બદલ તેમનો હાર્દિક આભાર. આપ તેમનો સંપર્ક mtarun82@gmail.com પર કરી શકો છો. )


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “કવિ થવું એટલે – તરુણભાઈ મહેતા