ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ 20


કનકાઈ અને ગીર વિસ્તાર જંગલ ભ્રમણ દરમ્યાન આ વખતે અમે થોડાક મૂળભૂત મુદ્દાઓ સાથે નીકળ્યા હતાં. અમારા પ્રયત્નોની સફળતા વિશે કોઈ ખાત્રી ન હોવા છતાં અમે એ કરી જોવા વિચાર્યું. એક રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાહેબ પણ અમારી સાથે હતાં અને તેમનો અમને ખૂબ સહયોગ મળ્યો જેમના વગર આ કરવું અશક્ય થઈ જાત.

મૂળ મુદ્દા હતા :

ગીર વિસ્તારમાં વસતા માલધારીઓ (નેસમાં રહેતા) ની તકલીફો જાણવી

નેસમાં રહેતા લોકોની સંસ્કૃતિની આછી પાતળી ઝલક મેળવવી, અને રહેણી કરણી જાણવી

કનકાઈ મંદિરમાં રાત્રી રોકાણનો પ્રતિબંધ છે, તેના કારણો શોધવા અને

જંગલ તથા કુદરતી સૌંદર્ય અને સિંહ જોવા

આ અંતર્ગત પ્રથમ બે મુદ્દાઓની ચર્ચા અત્રે કરી રહ્યો છું.

અમરેલીના વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી વિપુલભાઈ લહેરી અમારી સાથે હતાં. તેમના અને આર.એફ.ઓ સાહેબના સહયોગથી નેસ વિશે, માલધારીઓ વિશે અને તેમની સંસ્કૃતિ વિશે ઘણુંય જાણવા મળ્યું. ધારી તરફથી વન વિભાગની રેન્જમાં દાખલ થઈએ તેવા તરતજ જમણી તરફ એક વૃધ્ધ યુવાનનું ઘર આવે છે. વૃધ્ધ યુવાન એટલા માટે કે બોંતેર વર્ષની ઉંમરના એ વડીલના બત્રીસેય દાંત હજી સલામત છે, તેમની સ્ફૂર્તી ભલભલા યુવાનોનેય શરમાવે તેવી છે અને તેમની મહેમાનગતીમાં કાઠીયાવાડી સંસ્કૃતિનું અનેરૂં પ્રતિબિંબ પડે છે. નેસની શરૂઆત હોવાને લીધે અને વનમાં હોવાને લીધે તે વડીલનું ઘર જંગલના મુલાકાતીઓ અને વન વિભાગના કર્મચારીઓની અવરજવરથી ઘમઘમતું હોય છે. તે રસ્તેથી પસાર થતાં કોઈ પણ મુલાકાતીને એ ચા પાયા વગર જવા દેતાં નથી. અને એકલા દૂધની એ ચા ક્યાંય પણ પીધેલી ચ્હા કરતા અનેરા સ્વાદની છે જેનું વર્ણન કેમ કરવું? અમને સાત જણાને આવેલા જોઈ તે ખુશ થઈ ગયા. વિપુલભાઈ એ પૂછ્યું કે વસ્તારમાં શું છે? તો તે વડીલે કહ્યું કે તેમના દીકરાને બે દીકરીઓ છે અને બંને શાળાએ જાય છે. આ કહેતા તેમનું મસ્તક અનેરા ગર્વથી ઉંચુ થઈ ગયું. નેસમાં રહેતા લોકોના છોકરા (છોકરી હોય કે છોકરો) ક્યાંય ભણવા જતા નથી કારણકે નજીકમાં શાળાઓ નથી. પણ આ વડીલના ઘરના બાળકો એવા તો ભાગ્યશાળી છે કે તેમને ભણવા ભલે ગમે તેટલું દૂર જવું પડે, વ્યવસ્થા કરી આપવામાં આવે છે. વડીલનો ફોટો જુઓ અને મને કહો કે તેમના ચહેરા પર કેવી ખુમારી ઝળકે છે?

આ સિવાય પણ અમે એક નેસની મુલાકાત લીધી, તે જંગલની લગભગ પશ્ચિમ મધ્યમાં છે, તેનુ નામ છે લીલાપાણી નેસ. અહીં જુદાજુદા ઘણાંય પરિવારો રહે છે. તેમના બાળકો ભણવા જતાં નથી. સવારે છોકરાઓ ગાય ચરાવવા અને છોકરીઓ છાણા વીણવા જાય છે. પણ અહીંના એક બાળકે અનેરી પ્રતિભા વિકસાવી છે. ચારણના ખોળીયામાં તો આમેય સરસ્વતિનો વાસ હોય જ પણ આવી દુર્ગમ જગ્યાએ પણ આ છોકરો પોતાની પરંપરા જાળવી રાખે છે. કોઈ શીખવવા વાળું નથી પણ તે શીખે છે, પોતાની ઈચ્છા થી. બાર વર્ષના છોકરાને કેમ ખબર પડે કે સંસ્કૃતિ કે વંશ પરંપરા શું કહેવાય પણ તોય તે આ અદભુત કાર્ય કરી રહ્યો છે. જુઓ આ ખાસ વીડીયો, શહેરોના શાળાએ જતાં ગુજરાતી બાળકોમાંથી કેટલા આવું કરી શક્શે? ટ્વિંકલ ટ્વિંકલ લીટલ સ્ટાર તો બોલશે પણ આવું ક્યારે બોલશે? કે પછી હવે સોરઠી સંસ્કૃતિ ફક્ત આવા સ્થળોએ જ જોવા મળશે?

 

અનેરા આનંદ અને સંતોષની અનુભૂતી થી અમે સૌ ત્યાંથી પાછા ફર્યા, અને બધાંય એ બાળકને શાબાશી આપવાનું ન ભૂલ્યાં કે જેથી તે પોતાની આ કળા હજીય ખૂબ વિકસાવે અને એક દિવસ નામ કાઢે.

નામ છે કાનો……

આ પોસ્ટની પ્રિન્ટ કાઢીને કાનાને આપવી છે અને કહેવુ છે કે તે જે કાર્ય લગનથી કોઈ પણ વળતરની આશા વગર કરી રહ્યો છે તે ખૂબ ઉત્તમ અને કરવા જેવું કામ છે. આપના પ્રતિભાવો હાર્દિક સ્વાગત સાથે પ્રિન્ટ કરી કાના સુધી પહોંચાડવામાં આવશે. અમારી હવેની મુલાકાત દરમ્યાન આ પ્રિન્ટ તેને આપવામાં આવશે, જ્યારે અમારે તેને તેના ફોટોગ્રાફ્સની પ્રિન્ટ પણ આપવાની છે.


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ