કર્તવ્ય વિષે વેદોની રત્નકણિકાઓ 2


મનુષ્ય પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. કર્તવ્યનું યથાર્થ સ્વરૂપ એ સેવા, અર્થાત સંસારથી મળેલાં શરીર વગેરે પદાર્થોને સંસારનાં હિતમાં લગાડવાં.

પોતાનાં કર્તવ્યનું પાલન કરનાર મનુષ્યના ચિત્તમાં સ્વાભાવિક પ્રસન્નતા રહે છે, આનાથી વિપરીત પોતાના કર્તવ્યનું પાલન ન કરવામાં મનુષ્યનાં ચિત્તમાં ખિન્નતા રહે છે.

સાધક આસક્તિરહિત ત્યારે થઈ શકે છે જ્યારે તે શરીર – ઈન્દ્રિયો – મન – બુધ્ધિને મારા અથવા મારા માટે નહીં માનીને સંસારના અને સંસારને માટે જ માનીને સર્વના હિતને માટે તત્પરતાપૂર્વક કર્તવ્ય કર્મનું આચરણ કરવામાં લાગી જાય.

હાલના સમયમાં ઘરોમાં અને સમાજમાં જે અશાંતિ, કલહ અને સંઘર્ષ જોવામાં આવે છે તેનું મૂળ કારણ એ છે કે લોકો પોતાના અધિકારની તો માંગણી કરે છે પણ પોતાના કર્તવ્યનું પાલન કરતાં નથી.

કોઈ પણ કર્તવ્ય – કર્મ નાનું કે મોટું નથી હોતું, નાનામાં નાનું અને મોટામાં મોટું કર્મ કર્તવ્યમાત્ર સમજીને સેવાભાવથી કરવાથી સરખું જ રહે છે.

જેનાથી બીજાંઓનું હિત થાય છે તે જ કર્તવ્ય હોય છે. જેનાથી કોઈનું પણ અહિત થાય તે અકર્તવ્ય હોય છે.

રાગ દ્વેષને કારણે મનુષ્યને કર્તવ્યપાલનમાં પરિશ્રમ યા કઠણાઈ પ્રતીત થાય છે.

જે કરવું જોઈએ અને જે કરી શકાય છે તેનું નામ કર્તવ્ય છે. કર્તવ્યનું પાલન ન કરવું તે પ્રમાદ. પ્રમાદ તમોગુણ છે અને તમોગુણ નર્કનો રસ્તે દોરે છે.

પોતાના સુખ સગવડ માટે કરેલું કર્મ અસત હોય છે અને બીજાઓના હિતને માટે કરેલું કર્મ સત હોય છે. અસત કર્મનું પરિણામ જન્મ મરણની પ્રાપ્તિ અને સત્કર્મનું પરિણામ પરમાત્માની પ્રાપ્તિ છે.

જે નિષ્કામ હોય છે તે તત્પરતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે.

ગૃહસ્થ હોય અથવા સાધુ હોય, જે પોતાના કર્તવ્યનું પાલન બરાબર કરે છે, તે શ્રેષ્ઠ છે.

બીજાઓ તરફ જોવાવાળા ક્યારેય પણ કર્તવ્યનિષ્ઠ થઈ શક્તા નથી કારણકે બીજાઓનું કર્તવ્ય જોવું એ જ અકર્તવ્ય છે.


Leave a Reply to Dilip GajjarCancel reply

2 thoughts on “કર્તવ્ય વિષે વેદોની રત્નકણિકાઓ