બે છેતરામણા અનુભવો 11


અમારી હરિદ્વાર, દિલ્હી, મથુરા અને વૃંદાવન યાત્રા દરમ્યાન ઘણાં સારા નરસાં અનુભવો થતાં રહ્યાં. બધાં તો નહીં પણ બે છેતરામણા અનુભવો અહીં લખી રહ્યો છું. આ અનુભવો પછી લાગ્યું કે ફરવા માટે હોય કે રહેવા માટે, ગુજરાત જેવી જગ્યા ભારતભરમાં કોઈ નથી. કદાચ આપણને આપણા શહેર કે રાજ્ય પ્રત્યેના લગાવને લીધે આમ કહેવા પ્રેરણા થાય એમ પણ હોય.

પ્રથમ પ્રસંગ છે અમારી મથુરા થી વૃંદાવન યાત્રાનો. વૃંદાવન જતાં રસ્તામાં એક જગ્યાએથી અમારી આગરા મથુરા, વૃંદાવન ટૂરના સંચાલકે એક ગાઈડને બસમાં લીધો. આવતાં વેત રાધે રાધે બોલીયે, મનકે દ્વાર ખોલીયે બોલતાં તેણે વાત શરૂ કરી. વૃંદાવનમાં કૃષ્ણ રાધાનાં પાંચ હજારથી વધુ મંદિરો છે, અહીં કૃષ્ણ ગાયો ચરાવવા આવતાં, રાધાજી સાથે રાસલીલા રચતાં અને જીવનલીલાઓ કરતાં વગેરે બોલતાં બોલતાં વૃંદાવનના રસ્તે આવતાં (ગાઈડના કહેવા મુજબ) અનેક અનાથાશ્રમો, ગાયોની ખૂબ મોટી ગૌશાળાઓ, વિધવાશ્રમો જેવા અનેક સંસ્થાનો તેણે બતાવ્યાં. અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે અને અહં ગૌદાન અને વિધવાઓ માટે દાન કરવાનું અનેરુ પુણ્ય છે વગેરે બોલતાં બોલતાં અને તાલી બજાઈએ હસતે જાઈએ જેવા તકિયાકલામ બોલતાં બોલતાં ખૂબ માહિતિ આપી. બસ વૃંદાવન પહોંચી એવો ગાઈડ કહે કે અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે (આ વાત તેણે કલાકમાં નહીંતોય પંદરેક વાર કરી હશે …. આ આખો ફકરો) અહીંની ગલીઓ ખૂબ ભૂલામણી છે એટલે સાથે ચાલશો, આપને હું સમયના અભાવે ફક્ત રાધા કૃષ્ણનું મુખ્ય મંદિર બતાવીશ. કારણકે અહીં રાધા કૃષ્ણના પાંચ હજારથી વધુ મંદિરો છે……

આખા ગૃપે ચાલવાનું શરૂ કર્યું. રસ્તામાં એક અંડર કન્સ્ટ્રક્શન ઈમારત બતાવીને કહે કે આ મીનારો મહારાણા પ્રતાપે બનાવડાવ્યો હતો જે સાત માળનો હતો ને તેના પર દીવડાઓ થતાં જે છેક દિલ્હી થી દેખાતાં (૨૫૦ કીમી !) બાદશાહને હિન્દુ ધર્મની આ વાત ન ગંમી એટલે એણે લશ્કર મોકલી ઉપરના ચાર માળ કપાવી નાંખ્યા (કાતરથી કપાય?) હવે આ ખંડેર છે. અમે કહ્યું ચાલો જોવા જઈએ તો કહે સમય નથી, છતાંય અમે ત્રણ જણા તે તરફ ગયાં તો કહે તે લશ્કરની જગ્યા છે, હાઈ એલર્ટ પર છે, એટલે ત્યાં ન જવાય. રસ્તામાં એક બે ઉંચી ઈમારતો બતાવી કહે આ ગૌશાળામાં પાંચ હજાર વૃધ્ધ અને બિન ઉત્પાદક (વૃધ્ધાવસ્થાને લીધે દૂધ ન આપી શકનારી) ગાયો પાળવામાં આવે છે.

બીજી એક ઉંચી ઈમારત બતાવી કહે અહીં મીરાબાઈએ ઝેર પીધું હતું (?) વચ્ચે વચ્ચે તાલી બજાઈએ, રાધે રાધે ગાઈએ ચાલું જ હતું. એક મંદિરે અમે લગભગ વીસેક મિનિટ ચાલીને પહોંચ્યા. રાત્રીના નવ વાગ્યા હતાં (મારા મતે રાત્રે આ સમય કાનજીના શયન થઈ ગયા પછીનો હોય છે એટલે દર્શન ન થાય) મંદિર જાણે ઘરનો બેઠકરૂમ, નાનકડા મકાનનાં પાછળના ભાગ જેવી જગ્યા, એક નાનો છોકરો હાર વેચે, અમને કહે આ તરફ બૂટ ચપ્પલ ઉતારો, બધાંએ કહ્યાગરા બાળકોની જેમ કર્યું, પછી કહે હવે મંદિરમાં જઈશું એટલે બધાંએ બેસી જવું, ઉભા ઉભા દર્શન કરો તો પડછાયો કાના પર પડે અને પાપના ભાગીદાર થાઓ. બધાં અંદર જઈને બેસી ગયાં. પડદો પડેલો હતો, થોડીવાર રાધે રાધે બોલાવીને પછી પડદો ખૂલ્યો, દરમ્યાનમાં પૂજારીનું ગૌદાન અને વિધવા આશ્રમ મદદ માટેનું દાન આપવાની જાહેરાત સતત થયા કરતી. દર્શન થયાં એટલે જે ભાઈ આગળ બેઠાં હતાં તેમને પુજારી કહે તમારૂ નામ બોલો, તેમણે નામ બોલ્યું એટલે કહે કેટલા લખાવવાં છે? ૫૧૧ તો ઓછામાં ઓછા લખાવજો, પેલા ભાઈ કાંઈક બોલવા જતાં હતાં પણ ચાલો જલ્દી કરો એમ કહેતા તેમનું નામ બોલી કહે, “કહીયે કાન્હા કે પ્રતિ આપકી ભક્તિ કૈસી હૈ? આજ કાન્હા આપસે પૂછતા હૈ …. પેલા ભાઈ કહે ૫૧૧ લખો, તો કહે ઈસમેં ગૌદાન નહીં હોગા, યહ તો સિર્ફ કાન્હા કી સેવા હુઈ પર જબતક ગૈયાકી સેવા નહીં કરેંગે કાન્હાકી સેવા અધૂરી હૈ …… ઈસલીયે ૧૧૨૧ લીખતા હું, રોજ રોજ થોડી યહાં આઓગે? પેલા ભાઈ ૧૧૨૧ રૂપીયા આપવા માંડ્યા તો કહે ૧૦૦ રૂપયે ઓર દીજીયે, આપકા નામ પથ્થર પર લીખકે કાન્હાકે ચરણો મેં સદા રહેગા. આમ તેમને કુલ ૧૨૨૧ અપાવ્યા. તે પછી બીજા એક ભાઈનો નંબર આવ્યો, તેમણે ૧૦૧ રૂપીયા લખાવવા કહ્યું તો પુજારી કહે “ઈતના સા લીખ્ખા નહીં જાતા, આપ દાન પેટીમેં ડાલ દો”

એક આસામી ભાઈ તેમના પરિવાર સાથે અમારા ગૃપમાં હતાં, તે ઉભા થઈ ગયાં તો અમારો ગાઈડ ગુસ્સે થઈ ગયો, “અરે યે ક્યા ખડે હો ગયે? કાન્હાજી ગુસ્સા હો જાયેંગે, ઔર આપ કો પાપ લગેગા, ચલો બૈઠ કર અપના યોગદાન દીજીયે” પેલા ભાઈ તો પણ ઉભા થઈ ગયા અને બહાર નીકળી ગયા. અમે પણ ઉભા થવા ગયાં તો મને કહે, “આપ કા કીતના લીખ્ખે? બોલીયે?” મેં કહ્યું “ઈક્યાવન રૂપયે” તો મને કહે “દાનપેટીમેં ડાલ દીજીયે, ઈતના કુછભી નહીં” અમે કાંઈ મૂક્યા વગર પાછા નીકળતાં હતાં ત્યાં બહારથી જોરજોરથી બૂમ બરાડાનાં અવાજો આવવા લાગ્યાં. બહાર પેલા પૂજારીનો છોકરો બૂટ ચપ્પલના એક જોડીના દસ રૂપીયા માંગતો હતો, ચપ્પલ પર ચાર જણ અડ્ડો જમાવી બેસી ગયા હતા અને પેલા આસામી ભાઈ પાસેથી તેમના પરિવારના પચાસ રૂપીયા માંગતા હતાં. અમે બધાં આવ્યા એટલે આસામી ભાઈ અમને પરિસ્થિતિ વિષે જણાવવા લાગ્યાં, અમે બધાં જબરજસ્તી બૂટ ચપ્પલ ખેંચી ચાલતા થયાં કારણકે અમને ઉતારતી વખતે કહ્યું હતું કે આ ફ્રી છે. અમે આગળ નીકળ્યા પણ રસ્તો બતાવવા ગાઈડ ન મળે, હું અને બીજા ચાર જણા, ગાઈડને લેવા મંદિરમાં પાછા ગયાં તો એ દાનપેટીમાંથી પૈસા કાઢતો હતો. અમે તેને રસ્તો બતાવવા આવવા કહ્યું તો કહે “જીસ રાસ્તે આયે થે ઉસી રાસ્તે ચલે જાઇએ” અમે બધાં ત્યાં ભેગા થવા લાગ્યા એટલે એ આખરે સાથે આવ્યો.

રસ્તામાં જાણે ચાલતાં ચાલતાં બધાં ઉંઘમાંથી જાગતા હોય તેમ એક પછી એક અનુભવવા લાગ્યા. ગાઈડની ઉપર પૈસા કાઢતા જોઈ ગયેલા હું અને મારા કાકા ગુસ્સે થઈ ગયા હતાં, અમે બૂમ પાડી, “અરે અબ રાધે રાધે બુલાઓ, તાલી બજવાઓ”, પણ એ ચાલ્યા જ કર્યો, બીજા એક વૃધ્ધ કાકા કહે, અબ લક્ષ્મી મૈયા કી જય બોલો, અને એક ભાઈએ બૂમ પાડી, લક્ષ્મી મૈયા કી, અને આખી બસના બધાં મિત્રોએ જયકાર ઝીલી લીધી. વૃંદાવનની કુંજ ગલીએ પહેલી વાર આ સાદથી ગૂંજી હશે કે કેમ એ વિશે મને શંકા છે, પણ બસ સુધી પહોંચ્યા ત્યાં ગાઈડ ગાયબ, અમારો ડ્રાઈવર દેખાયો એટલે અમે બધાં તેની તરફ દોડ્યા, “યે ક્યા, કૈસે ગાઈડ કો રખ્તે હો? યે કોઈ મુખ્ય મંદિર થા યા ઉસકા ઘરકા મંદિર?” ડ્રાઈવર હવે ગાઈડની ભાષા બોલ્યો, “યહાં પાંચ હજાર મંદિર હૈ, સબમેં કાન્હાજી હી બસતે હૈ…. કહીં ભી જાઓ, સબ એક હૈ….”

મને એક તરફ લઈ જઈ એક ભાઈ કહે, “આપ જ્યાદા મત બોલના, વરના યે રાતકો હાઈવે પર બસ બીગડનેકા બહાના કરકે પૂરી રાત પરેશાન કરેગા” બીજા એક ભાઈ આ સાંભળી ગભરાઈ ગયા, “યાર મુજે તો સુબહ બરોડાકી ફ્લાઈટ લેની હૈ, યાર કુછ મત બોલના” અને આમ કાંઈ પણ ન બોલવાનો નિર્ણય કરી બધાં બસમાં બેસી ગયા અને દિલ્હી તરફ વળ્યા.

બસમાં આના વિશે વાતો ચાલતી હતી અને બધાં હજી માંડ એમાંથી બહાર આવતા હતાં કે બસ ઢાબે જમવા રોકાઈ, એવો સુમસાન વિસ્તાર કે આસપાસ ભાગ્યેજ કાઈ મળતુ હશે. અમેતો બધાં ગુજરાતી સમાજથી લીધેલા થેપલા અને અથાણાં ખાઈ બેઠા હતાં એટલે અમારા ગૃપના થોડાક લોકો ફક્ત ચ્હા પીવા ઉતર્યા. આ વિસ્તારોમાં જો ભાવ પૂછ્યા વગર કાંઈ પણ વસ્તુ લો તો પૈસા આવપી વખતે ભાવ બમણો થઈ જાય. અમે પહેલા તો ભાવ પૂછ્યો અને પછી ટેબલ પર ગોઠવાયા ને ચ્હાનો ઓર્ડર આપ્યો. પાણી પીવા માટે હાથ લંબાવ્યો તો પાણીના જગની બદલે એક બોટલ હતી, અને તેમાં કચરા વાળુ પાણી. અમે કહ્યું સાદા પાણીનો જગ નથી? તો કહે હમણાં આપીએ.

ચ્હા આવી ગઈ પણ જગ ન આવ્યો. અમે ઉભા થઈ પાસે પડેલા મોટા માટલાં માંથી પાણી પીધું અને પછી ચ્હા. પૈસા આપવા કાઉન્ટર પર ગયા તો એક ભાઈ માથાકુટ કરતા હતા. દુકાન વાળો કહે ટેબલ પર પાણીની બોટલ હતી એના પંદર રૂપીયા. પેલા ભાઈ કહે એ તો સીલ વાળી ન હતી, તો કહે એ તમારે પહેલા કહેવું જોઈએ. પેલા ભાઈ કહે, અમારે ત્યાં તો કોઈ પણ હોટલે પીવા પાણી મળે અને એ પણ જગમાં. તો દુકાનદાર અમને બતાવીને કહે “આ જુઓ, આ ભાઈ સાદુ પાણી જ પીને બેઠા છે.” મેં કહ્યું એ તો બોટલમાં પાણી ગંદુ છે એટલે, અને એ વળી ક્યાં સીલ હતી?” તો કહે “એ વિશે મેન્યુફેક્ચરરને કમ્પ્લેઈન કરો.” પછી તો એક પછી એક પાંચ ટેબલ પર આવું જ થયું અને અંતે કોઈએ પૈસા ન આપ્યા. અમારા ડ્રાઈવરને મેં કહ્યું કે કોઈક સારી વ્યવસ્થિત જગ્યાએ બસ ઉભી ન રખાય, તો કહે “આપણે જોઈને પાણી પીધું હોય તો કોઈ થોડા પૈસા માંગે?, ભૂલ તમારી અને બીજાને કહો છો?”

આમ આ બે છેતરામણા પ્રસંગોએ યાત્રાની મજા થોડીક ખાટી કરી. શ્રી ગુજરાતી સમાજ, દિલ્હીના પ્રવાસી કેન્દ્રથી અમે આ બસમાં બેઠા હતાં એટલે ત્યાં કમ્પ્લેઈન કરવા વિચાર્યું, પણ ટ્રાવેલ્સના કાઉન્ટર પર બેઠેલો માણસ કહે “યે તો યું હી ચલતા હૈ, આપકો થોડાસા ધ્યાન રખના ચાહીએ.”

સાચી વાત છે, ભૂલ તો અમારી કારણકે છેતરાયાં તો આપણે…


Leave a Reply to Heena ParekhCancel reply

11 thoughts on “બે છેતરામણા અનુભવો

  • Jayesh Ladani

    મને પણ આવોજ અનુભવ થયેલ…મારું માનવું છે કે બીજા રાજ્ય માં તમે ફરવા જાઓ અને જેવી સ્થાનિક લોકોને ખબર પડે કે આવેલ પ્રવાસી ગરવી ગુજરાત નો છે…એટલે લુંટ પ્લાન active……….પેલી વાંદરા અને ટોપીવાળા ની વાર્તા ની જેમ આપને પણ આપણી પેઢીઓને પાઠ ભણાવવા પડશે….બહાર ના રાજ્ય માં પ્રવાસ કરો તો ચેતતા રેહજો બાકી લુંટાવવા માં કસું બાકી નહિ રહે………

  • mansoor n nathani

    I LIKE YOUR “BE CHETRAMANA ANUBHAVO” FROM YOUR “PRAVAS VARNAN” WRITTEN ON DECEMBER 29, 2008.
    I HAVE GONE THROUGH YOUR ALL TRAVLS DETAILS AND FIND THAT THIS IS NOT ONLY HAPPENED WITH YOU BUT EVERYBODY SUFFERING FROM THIS TYPE OF CHEATING. ALL RELIGIOUS PLACES NOWDAYS BECOME PERMANENT “ADDA” OF THESE TYPE OF CHEATERS AND THEY HAVE ALWAYS LOOKING FOR THE “BAKRA” WITH WHOM THEY DETACH ANYTHING TO EVERYTHING.

  • Bhupendrasinh R. Raol,Piscataway,New Jersey,U.S.A

    સાચી વાત છે,મને પણ આવાજ અનુભવો ત્યાજ થએલા છે.ગુજરાત જેવું કશે ના મળે.ઉત્તર ભારતમાં તો ખાસ સાચવવાનું.ધાર્મિક સ્થળોએ લુંટફાટ જ ચાલતી હોય છે.લસણ ડુંગળી ખવાઈ જાય તો નરક માં જવાય પણ કોઈને લુંટી લો તો ચાલે.

  • Heena Parekh

    વૃંદાવનમાં ભલે ૫૦૦૦ મંદિરો હોય પણ સ્વયં પ્રગટ ત્રણ જ સ્વરૂપ છે. 1. બાંકે બિહારીલાલ મંદિર, 2. શ્રી રાધાવલ્લભ મંદિર અઠખંભા, વૃંદાવન, 3. રાધારમણ મંદિર, રાધારમણ ઘેરા, વૃંદાવન. તે સિવાય બીજા ઘણાં મંદિરો છે પરંતુ ઈસ્કોનનું મંદિર જોઈ શકાય.
    હું તો મોટેભાગે જ્યાં જાઉં છું ત્યાં શું શું જોવાલાયક છે તેનો પહેલેથી અભ્યાસ કરીને જાઉં છું. પ્રવાસ વિષયક પુસ્તકો કે ઈન્ટર નેટ પરથી આ પ્રકારની માહિતી સરળતાથી મળી રહે છે. બાકી ધૂતારાઓ તો બધી જ જગ્યાએ હોવાના. આપણે સાવધ રહેવું જરૂરી.

  • vasant

    Just last week we were also at the same places, but we went at our own, we have a car/taxi. At the time of entering in Mathura lot of guides were ready to harresh us but luckily i was firm that we will visit the places without Guide only.Firse the guide told us that first he will show us Gokul, boz mathura temple is close at this moment & Gokul temples will be closed after one hour time.
    There he has made a mistake & i have take decision that without guide only v wl visit the places.
    Really at all holy places this kind of chitting is there.

  • Pranav

    શ્રદ્ધા જ્યારે અંધ બને ત્યારે છેતરાવવાનું ચોક્કસ રહેવાનું!
    વિજ્ઞાન વિનાનો ધર્મ અંધ છે, અને ધર્મ વિનાનું વિજ્ઞાન પાંગળુ છે!

    પ્રણવ શેઠ
    સાઉદિ અરેબિયા.

  • વિનય ખત્રી

    લગભગ બધાજ ધાર્મિક સ્થળોએ અને ટુરિસ્ટ સ્પોટ પર વત્તે ઓછે અંશે, આજ પરિસ્થિતિ છે.

    ચેતતો નર સદા સુખી.

    અને હા, સુરેશ જાની સાહેબની આ વાત સાથે ૧૦૦% સંમત છું.

  • સુરેશ જાની

    મથુરામાં તો આમ જ હોય.

    એના કરતાં આપણા વીસ્તારના ગરીબ લોકોને રકમ આપવી સારી.

  • યશવંત ઠક્કર

    ગુજરાતી યાત્રાળુઓની સાથે રહેલો ભોમિયો તાલીઓના કોડવર્ડથી જે તે જગ્યાવાલાને સમજાવી દે છે કે ” ગુજરાતી આયે હૈ ..લૂટના હૈ”. ગુજરાતીઓને યમુનાજીમાંથી આચમન લેવું હોય તો સત્તર જાતની વિધિ.. અન્યને આખેઆખા ખાબકવું હોય તો છૂટ! ધન્ય છે આપણાં વડિલોની આસ્થાને. એમને આ બધું કઠતું નથી.ગુજરાતીઓનો આવી રીતે વપરાતા પૈસાથી ગુજરાતમાં નવી યુનિવર્સિર્ટી બંધાઈ જાય. asaryc.wordpress.com પર ‘ ચપટી ભરીને વાર્તા ‘ કેટેગરીમાં — લીલા— વાર્તા વાંચવા કાજે આમંત્રણ . અને હા. લેખ બદલ ધન્યવાદ.

  • Malay

    I ve been living in Delhi from last 2 yrs and I feel that Gujarat is the best place to live. Even I ve gone to these places but I was lucky that I had local friends to guide me. But, I know how people get deceived here.