૪૦૦૦૦ ક્લિક્સ અને ૩૦૦ પોસ્ટસ


પ્રિય મિત્રો,

અધ્યારૂ નું જગત અંતર્ગત ગુજરાતી સાહિત્યજગતની મારી આ યાત્રા આજે ૪૦૦૦૦ ક્લિક્સ પાર કરી ગઈ છે. અને સાથે બુધવારે તે ૩૦૦ પોસ્ટના સીમાચિન્હ પર પણ પહોંચશે. આ શરૂઆતમાં મારું જગત હતું કારણકે હું જ પોસ્ટ કરતો અને હું જ વાંચતો. પહેલી પાંચ પોસ્ટમાં મહત્તમ દસ ક્લિક્સ મેળવી હતી….જોડણીની ભૂલો કે સાહિત્યના વિવિધ પ્રકારોની ઓછી માહિતિ જેવા ઘણાં કારણો હશે. પણ પડતાં આખડતાં આખરે બાબલો ચાલતા શીખ્યો છે. આશા છે સૌ વાચક મિત્રો, પ્રશંશકો અને રાહબર મિત્રોની આંગળી ઝાલી સાહિત્યની કુંજગલીઓમાં ફર્યા કરીશું.

આ સાથે આજથી અધ્યારૂ નું જગત મારી પત્ની અને મિત્ર પ્રતિભા અધ્યારૂ ને સોંપી રહ્યો છું. સમયની ખેંચતાણ અને અન્ય કેટલીક પ્રવૃતિઓને લીધે હવેથી આ બ્લોગ તે સંભાળશે. છેલ્લા ત્રણ દિવસની પોસ્ટસ (ગુરુવાર, શુક્રવાર અને શનિવાર) પ્રાયોગિક રીતે તેણે કરી હતી. આશા છે આ પ્રવૃતિ તેના યથાયોગ્ય સ્વરૂપમાં અને સૌની વાંચન અપેક્ષા પૂર્ણ કરી શકે તે રીતે આગળ વધશે.

વળી તા. ૩૦ નવેમ્બર થી ૧૨ ડીસેમ્બર સુધી અમે હરિદ્વારની યાત્રાએ જઈ રહ્યા છીએ. આ યાત્રાની રોજેરોજની અપડેટ્સ અધ્યારૂના જગત પર વિડીયો સ્ટ્રીમીંગ સાથે મૂકવાના પ્રયત્નો ચાલુ છે. જો બધુંય ધાર્યા પ્રમાણે થયું તો એક દિવસ તમને સૌને ગંગા આરતી લાઈવ બતાવી શકીશ. નહીંતો વિડીયો તો ખરોજ…..

૪૦,૦૦૦ ક્લિક્સનો આંકડો હવે એક પડાવ છે. દસ હજાર ક્લિક્સ મળે તો ભયો ભયો એવી પ્રાર્થના અને આશા હતી.. જે અપેક્ષાઓથી ઘણુંય વધારે છે, અને સાથે સંતોષ છે કે હવે મારી પાસે અભિવ્યક્તિનું એક નવું માધ્યમ છે, અસંખ્ય સહ્ર્દયી મિત્રો અને શુભેચ્છકો છે અને એક અનોખો આનંદ છે. …… આને કહેવાય મંઝિલ થઈ ગઈ પડાવ અને યાત્રા થઈ આનંદની….

જય અલખધણી….


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “૪૦૦૦૦ ક્લિક્સ અને ૩૦૦ પોસ્ટસ