ચોર અને રાજા – રાજસ્થાની બાળકથા


જૂના જમાનામાં કોઈ એક રાજ્યમાં એક ચોર હતો. તે ખૂબ ચતુર અને હોંશીયાર હતો. લોકો કહેતા કે તે કોઈની આંખોમાંથી આંજણ ચોરીને જતો રહે તોય ખબર ન પડવા દે. એકવાર તે ચોરે વિચાર્યું કે જો તે રાજધાનીમાં જઈને કોઈક મોટી ચોરી ન કરે તો રાજ્યના મોટા ચોરો વચ્ચે તેની ધાક નહીં જામે…

King and thief - Rajasthani story

આમ વિચારી તે રાજધાનીમાં પહોંચ્યો. આખાય નગરમાં આંટો માર્યા પછી તેણે રાજાને જ લૂંટવાનું નક્કી કર્યું. પણ મહેલની આસપાસ ખૂબ ચોકીપહેરો હતો. રાજાના મહેલ પર ખૂબ  મોટું ઘડીયાળ હતું. ચોરે થોડાક ખીલા ભેગા કર્યા અને એક અંધારા ખૂણાંમાં જતો લપાતો છુપાતો પહોંચ્યો. બાર વાગ્યાના ટકોરા પડ્યા કે ચોરે એક એક ટકોરા સાથે મહેલની દિવાલોમાં ખીલા ઠોકવા માંડ્યા, એક એક ટકોરા સાથે તેણે એક એક ખીલો ઠોક્યો અને બાર ખીલા નખાઈ રહ્યા ત્યાં તે ખીલાઓ પર ચડી મહેલમાં પહોંચી ગયો. તેણે ખજાનામાંથી ઘણા હીરા ચોરી લીધા.

બીજે દિવસે જ્યારે રાજાને તેના મંત્રીઓએ આ ચોરીની ખબર આપી ત્યારે તે અચંભામાં પડી ગયો. આટલા ચોકી પહેરા છતાંય આવું કેમ થયું? રાજાએ સિપાહીઓની સંખ્યા બમણી કરી દીધી, થોડાક સૈનિકોને તેણે ખાસ આ ચોરને પકડવાનું કામ આપ્યું અને તેણે શહેરમાં ચોરને પકડાવનાર માટે ઈનામ જાહેર કર્યું. જ્યારે આ બધી વાતો દરબારમાં ચાલી રહી હતી ત્યારે ચોર ત્યાં એક નાગરીકના વેશમાં ઉભો હતો. તેણે બધી વાતો સાંભળી, જે સૈનિકોને આ ચોરને પકડવાનું કામ અપાયું હતું તે બધાયના ઘરે તે સાધુના વેશમાં ગયો અને તેમની પત્નિઓને સમજાવ્યું કે આજે રાત્રે તેમના પતિઓ જ્યારે ચોરને પકડવા જાય પછી કોઈ દરવાજા ન ખોલે, કોઈ આવે અને તેમના પતિના અવાજમાં દરવાજો ખોલવા કહે તો અગાશી કે છજ્જામાંથી સળગતા કોલસા ફેંકવા, એ ચોર જ હશે, એ દાઝી જશે અને તેને પકડી તેઓ ઈનામ મેળવી શક્શે.

રાત્રે જ્યારે તેમના પતિઓ ચોરને પકડવા ગયા ત્યારે ચોર એક તરફ જઈ સૂઈ ગયો. સિપાહીઓ ચાર વાગ્યા સુધી ખડેપગે ફરતા રહ્યા પણ કોઈ મળ્યું નહીં એટલે થાકી તેમણે ઘરે જવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ ઘરે જઈ દરવાજો ખખડાવી ઉભા રહ્યા, તેમની પત્નિઓએ ચોરના કહેવા પ્રમાણે કર્યું. એટલે બધાંય દાઝી ગયા.

રાજાને જ્યારે બીજે દિવસે આ વાત ખબર પડી તો તેણે  સેનાપતિને આ માટે મોકલ્યો. રાત્રે જ્યારે સેનાપતિ ગશ્ત પર હતો ત્યારે એક છોકરી તેની પાસે આવી અને કહે “હું ચોર છું”. સેનાપતિ હસવા લાગ્યો, પેલી છોકરીએ તેના લટકા ઝટકાથી તેને રીઝવવા લાગી, સેનાપતિ તેને છટકું નાખવાનું હતું ત્યાં લઈ ગયો, તે કહે “સાહેબ, આપ કઈ રીતે આમાં ચોરને પકડશો?” સેનાપતિ જેવો તેને બતાવવા લાગ્યો તેણે સેનાપતિને તે છટકામાં પૂરી દીધો. પાસેથી જ ચોર નીકળ્યો, તેણે પેલીને થોડાક પૈસા આપ્યા અને પેલા સેનાપતિને રામ રામ કરી ચાલ્યો ગયો.

બીજે દિવસે સવારે રાજાને આ વાતની ખબર પડી, તે ગુસ્સાથી ધુંઆપુંવા થઈ ગયો. તેણે જાતે જ ચોરને પકડવાનું નક્કી કર્યું. તે રાત્રે ઘોડા પર નીકળ્યો. લગભગ અડધી રાત થવા આવી, તે ઘોડાપર ફરતો ફરતો રાજ્યના પાદરે પહોંચ્યો, ત્યાં એક સાધુ ધૂણી ધખાવી બેઠા હતાં. રાજાને તેમણે જોયો નહીં કારણકે તે ધ્યાનમાં હતાં. રાજાએ તેમને બે વખત પૂછ્યું કે તમે કોઈને અહીં આવતા જતાં જોયા છે, પણ તેમણે જવાબ આપ્યો નહીં. રાજા ઘોડા પરથી ઉતરી તેમને પગે લાગ્યો અને ફરીથી પૂછ્યું, તેમણે કહ્યું કે તેમણે ધ્યાનમાં હોવાને લીધે આવી કોઈ નોંધ કરી નથી. રાજાએ તેમને કહ્યું કે તમે મારા વસ્ત્રો પહેરી અહિંથી ચોરને શોધવા જાઓ, જોઈએ તો મારો ઘોડો પણ લઈ જાઓ, તમે અંતર્યામી છો, એટલે તમે ચોરને તરત પકડી શક્શો, ત્યાં સુધી હું તમારા વસ્ત્રોમાં અહીં બેસું છું. સાધુએ એમ કરવાની ખૂબ ના પાડી પણ રાજાના અત્યંત આગ્રહને વશ થઈ તે માની ગયો. વસ્ત્રોની અદલાબદલી પછી તે રાજાનો ઘોડો લઈ મહેલે ગયો અને રાજાના શયનકક્ષમાં જઈ સૂઈ ગયો.

સવાર થઈ પણ સાધુ આવ્યો નહીં એટલે રાજા મહેલ તરફ જવા નીકળ્યો, પણ રાજા તો અંદર રાત્રેજ આવી ગયા તેવા ભ્રમમાં સૈનિકોએ રાજા હોવાનો દાવો કરતા સાધુજેવા દેખાતા માણસને ચોર સમજી માર્યો અને તેને જેલમાં પૂરી દીધો. રાજાએ જેલમાં સંત્રીઓને પોતાની ઓળખ આપી એટલે તેને છોડવામાં આવ્યો અને બધાં તેની માફી માંગવા લાગ્યા. રાજા પાછો આવ્યો ત્યાં સુધી પેલો ચોર રફુચક્કર થઈ ગયો હતો.

રાજાએ  આ પછી ઢંઢેરો પીટાવ્યો કે જો એ ચોર પોતાની મેળે રાજા પાસે આવી જાય તે રાજા તેને ઈનામ આપી નવાજશે. આ સાંભળતાજ સભામાં નગરજનો વચ્ચેથી નીકળી ચોર રાજાની સામે આવ્યો. રાજાએ તેની પાસે કદી ચોરી ન કરવાની શરત કબૂલ કરાવી તેને તેની ચતુરાઈને લીધે પોતાના દરબારમાં માનભર્યું સ્થાન આપ્યું.


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “ચોર અને રાજા – રાજસ્થાની બાળકથા