એક સિવિલ એન્જીનીયરની જિંદગી


સૃષ્ટીના દરેકે દરેક કણમાં જેનું અસ્તિત્વ છે અને છતાંય જે સદંતર અવ્યક્ત છે તે પરમ પરમેશ્વર પરમાત્માએ સર્જન પછી જેવો નિરાંતનો શ્વાસ લીધો હશે, સંતોષનો ઓડકાર અનુભવ્યો હશે તેવો જ સંતોષ એક સિવિલ એન્જીનીયરને પોતાના સર્જન પછી તેના વપરાશને જોઈને આવે છે. હું પોર્ટ પીપાવાવમાં આ પહેલા એક જેટી બનાવવાના કામમાં હતો, દોઢ વર્ષની મહેનતના અંતે જ્યારે એ મહાકાય પ્લેટફોર્મ પર પહેલુ શીપ લાંગર્યું ત્યારે જે અનુભવ, આનંદ થયો તે શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે તેમ નથી. એ આનંદ એવા લોકો જ જાણી શકે જેણે તેમાં સીમેન્ટ કોન્ક્રીટ માં મહેનતનો પરસેવો રેડ્યો હોય…..(પછી ભલે w:c ratio વધી જાય).

મેં એક વાર મારા CRE ને કહ્યું હતું કે “A Civil engineer comes to an uncivilized place, makes it civilized for civilians and then gets out from there “, કારણકે અવિકસિત વિસ્તારોને સુવિધાઓ આપી એ કદી પોતે ભોગવવા રહેતો નથી, તેના નસીબમાં તો સતત છે નવા વિસ્તારો, નવા પ્રોજેક્ટસ અને નવા સર્જનનો આનંદ, ઓફીસમાં બેસી ડીઝાઈન કરતા સિવિલ એન્જીનીયરોની આ વાત નથી, અને એટલે મને સંતોષ છે કે સાઈટ પર આટલી નાની ઉંમર હોવા છતા આટલા સંતોષ સુધી પહોચી શક્યો છું.

સર્જન અને વિનાશ એ તો પ્રભુરચિત એક સર્વસામાન્ય પ્રવૃતિ છે, અને એક મનુષ્ય પોતાના જીવનકાળ દરમ્યાન જે કાંઈ સર્જન કે રચના કરે છે તે જ તેને અમર બનાવે છે, કે તેના નામને અમર બનાવે છે…….હું જ્યારે અમે સાત એન્જીનીયરોની કન્સલ્ટન્સીમાં બનાવેલી આ કન્ટેઈનર બર્થ જોઈએ છીએ ત્યારે લાગે છે કે હા, હવે મહેનત રંગ લાવી રહી છે. જીવન પોતાના રંગ, પોતાની મજબૂરી અને પોતાની સદા સર્વદા આગળ વધવાની કળા આમ જ ચાલતી રહે છે. પણ એક સિવિલ એન્જીનીયરની પારિવારીક જીંદગી નગણ્ય હોય છે, પરિવાર સાથે વણઝારાની જેમ પ્રોજેક્ટથી પ્રોજેક્ટ ફેરવવું, બાળકોનો અભ્યાસ, એક પોતાનું ઘર જેવા સ્વપ્નો પૂરા કરવા એ તેના વશની વાત કદાચ ન પણ હોય અને એ સ્વપ્ન પૂરા કરવા એકલા રહેવુ, પરિવારથી અલગ….આ બધામાં એક જ મહાન સંતોષ તેને મળે અને એ છે સર્જનનો….


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “એક સિવિલ એન્જીનીયરની જિંદગી