૨૦,૦૦૦ ક્લિક્સ – સંતોષનો ઓડકાર


પ્રિય મિત્રો,

આજે ફરી એક અન્ય સીમાચિન્હ ની આપને જાણ કરવા આ પોસ્ટ લખી છે. શનિવાર અને ૨૪ મે, ૨૦૦૮ ના રોજ ૧૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ હતી, આજે અધ્યારૂ નું જગત બ્લોગ પર ૨૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ છે (દસ હજાર ક્લિક્સ જૂન અને જુલાઈ માં). જ્યારે આ બ્લોગ શરૂ કર્યો ત્યારે હું અને મારૂ જગત અંતર્ગત લખ્યું હતું કે મને ગમતી રચનાઓ જ પ્રસિધ્ધ કરવી, મારા પોતાના લેખન પરના અવિશ્વાસના લીધે આમ લખ્યું. સામાન્ય રીતે જેમ આપણું બાળક આપણને ગમે છે (પછી ભલે બીજા ફરીયાદ કરતા હોય કે મારા ઘરની બારીના કાચ રેગ્યુલર તૂટે છે) તેમ આપણું લખાણ, આપણી રચનાઓ આપણને ગમે જ. પણ આમાં મારા માટે ઘણી વાર અપવાદ થયા છે. મારી રચનાઓ મને ન ગમી હોય એવુ ઘણી વાર થાય છે. આવા અપવાદોને બાદ કરતા મારી રચનાઓ પણ બ્લોગમાં ક્યાંક છૂટી છવાઈ વહેંચી છે.  તમારો પ્રેમ તમારી કોમેન્ટસ અને સૂચનો તથા ટીકાઓ બધુંય મળ્યું છે. …

ખૂબ જ નાનો હતો, શાળામાં હતો ત્યારથી મને હતું કે હું ગીત ગાઈશ અને ગાયક બનીશ … શાળામાં ગીત સ્પર્ધાઓમાં જીતેલા અસંખ્ય ઈનામો આ વાતમાં ખૂબ વિશ્વાસ આપતા, તો મિત્રો પણ પ્રોત્સાહીત કરતા, પણ હવે તે આગળ વધી શક્તુ નથી, તમે તેને પણ આત્મવિશ્વાસનો અભાવ કહી શકો. નવમાં ધોરણમાં પહેલી કવિતા લખી હતી (જે ઉપર લખ્યા મુજબના અવિશ્વાસને લીધે હજી સુધી પોસ્ટ કરી નથી.) કે કદાચ એ પહેલી રચના પરના કોઈ પણ પ્રહારોને સહન કરવા જેટલી ક્ષમતા નો અભાવ છે તેમ પણ કહી શકો. પણ હવે આ અવિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. જેનું કારણ આ બ્લોગ છે, અસંખ્ય પ્રતિભાવો છે, અને સૌથી વધારે, વાચકોનો પ્રેમ છે.

બ્લોગ અને તેની પોસ્ટ, કોમેન્ટસ, નવા વિષયો શોધવા, વધારાનું વાંચન, નવુ જાણવાની ખણખોદ અને પછી જાણ્યા નો આનંદ, વહેંચવાનો આનંદ … આવી ઘણી બધી વાતો હવે જીવનનું એક અંગ છે, રોજની નોકરી પછી સાંજે ટી વી જોવાની બદલે કાંઈક મનગમતુ કરવાનો લહાવો મંળે છે, અને એક વર્તુંળ રચાય છે, મિત્રો નું, વાચકોનું, અને સુધારકોનું. આશા છે આમ જ આપ સહુ આ બ્લોગને પ્રોત્સાહન આપતા રહેશો. અને આ વર્તુંળ મોટુ થતુ રહેશે….

આપ સૌની સાથે ગુજરાતી જગતના એક અંગ બની રહ્યા હોવાની આ લાગણી જ સંતોષનો સાચો ઓડકાર છે.

ધન્યવાદ


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “૨૦,૦૦૦ ક્લિક્સ – સંતોષનો ઓડકાર