પહેલી પૂતળીની વાર્તા – સિંહાસન બત્રીસી 6


પહેલી પુતળી રત્નમંજરી રાજા વિક્રમ ના જન્મ તથા તેના સિંહાસન પ્રાપ્તિ ની કથા કહે છે. આર્યાવર્ત માં એક રાજ્ય હતુ, જેનું નામ હતુ અમ્બાવતી. ત્યાંના રાજા ગંધર્વસેને ચારેય વર્ણ ની સ્રિઓ સાથે ચાર વિવાહ કર્યા હતા.

બ્રાહ્મણી ના પુત્ર નું નામ બ્રહ્મવીત,  ક્ષત્રાણી ના ત્રણ પુત્ર – શંખ, વિક્રમ તથા ભર્તૃહરિ, વૈશ્ય પત્ની નો ચન્દ્ર નામક પુત્ર તથા શૂદ્ર પત્ની ને ધન્વન્તરિ નામક પુત્ર થયા. બ્રહ્મવીત ને ગંધર્વસેને દીવાન બનાવ્યો, પણ તે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શક્યો નહીં અને રાજ્ય માંથી પલાયન કરી ગયો. થોડા સમય ભટક્યા પછી ધારાનગરી માં ઊઁચા હોદ્દા પર નિયુક્ત થયો. તથા એક દિવસ રાજા નો વધ કરીને પોતે રાજા બની ગયો.  ઘણા દિવસો બાદ તેણે ઉજ્જૈન જવાનો વિચાર કર્યો. પણ ઉજ્જૈન આવતા જ તેનું મૃત્યુ થઈ ગયુ.

ક્ષત્રાણી ના મોટા પુત્ર શંખ ને શંકા થઈ કે તેના પિતા તેને નહીં ગણીને વિક્રમને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કરી દેશે. તેથી એક દિવસ તેણે સૂતેલા પિતાની હત્યા કરી નાખી અને પોતાને રાજા જાહેર કરી દીધો. હત્યાના સમાચાર સર્વત્ર દાવાનળની જેમ ફેલાઈ ગયા અને તેના બધા ભાઈઓ જીવ બચાવીને ભાગ્યા. વિક્રમ સિવાય બીજા બધા ભાઈઓની માહિતિ શંખને મળી ગઈ અને તે બધાને તેણે મરાવી નાંખ્યા. અથાક પ્રયત્નોને અંતે તેને ખબર પડી કે વિક્રમ ઘનઘોર જંગલમાં એક તળાવના કિનારે નાનકડી ઝૂંપડી માં રહે છે અને કંદમૂળ ફળ ખાઈને ઘનઘોર તપસ્યા કરી રહ્યો છે. શંખ તેને મારવાની યોજના બનાવવા લાગ્યો અને તેણે પોતાના આ પ્રયાસમાં એક તાંત્રીકને પણ શામેલ કરી લીધો.

યોજના મુજબ તાંત્રીક વિક્રમ પાસે જઈ ને તેને દેવી આરાધના માટે મનાવવાનો હતો અને જેવો વિક્રમ દેવી ભગવતી સામે નમન કરવા માથુ ઝુકાવે કે મંદિર માં છુપાયેલો શંખ તેને તલવારથી મારી નાખવાનો હતો, પણ વિક્રમને આ વાતની ગંધ આવી ગઈ. તેણે તાંત્રીકને એ વિધિ કરી બતાવવા કહ્યૂં અને તાંત્રીક જેવો ભગવતી સામે નમ્યો કે વિક્રમના ભુલાવામાં શંખે તાંત્રીકનું મસ્તક ધડથી અલગ કરી દીધું. વિક્રમે શંખ પર વળતો પ્રહાર કર્યો અને તેની તલવાર લઈને તેનું માથુ કાપી નાખ્યું. શંખના મૃત્યુ પછી તેનો રાજ્યાભિષેક થયો અને તે રાજા બન્યા.

એકવાર વિક્રમ શિકાર કરવા જંગલમાં ગયા અને મૃગનો પીછો કરતા કરતા ઘણે દૂર આવી ગયા, તે પોતાના રસાલા થી અલગ પડી ગયા. તેને એક મહેલ દેખાયો અને પૂછતા ખબર પડી કે તે તૂતવરણ નો મહેલ છે. તૂતવરણ રાજા બાહુબલી નો દિવાન હતો. તૂતવરણે વિક્રમનો ભવ્ય આદર સત્કાર કર્યો અને કહ્યું કે જો રાજા બાહુબલી તેનો રાજ્યાભિષેક કરે તો વિક્રમ યશસ્વી થશે અને જો બાહુબલી ભગવાન શિવે તેને આપેલુ સ્વર્ણ સિંહાસન વિક્રમને આપે તો તે એક મહાન ચક્રવર્તી રાજા બની શકે છે. વિક્રમની પ્રાર્થના ને માન આપી બાહુબલીએ તેનો રાજ્યાભિષેક કર્યો અને તેને સિંહાસન આપ્યું જેના પ્રતાપે તે એક મહાન ચક્રવર્તી અને પ્રભાવશાળી શાસક થયા.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

6 thoughts on “પહેલી પૂતળીની વાર્તા – સિંહાસન બત્રીસી