Daily Archives: July 9, 2008


મીઠી ભેટ – બાળવાર્તા

શહેનશાહ અકબરે એક દિવસ બઘા દરબારવાસીયો માટે ભોજન રાખ્યુ, બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી-કરીને જમાડી રહ્યા હતા. બીરબલ ખાઈ ખાઈને પરેશાન થઈ ગયો આથી તેને શહેનશાહ જોડે માફી માગી અને કહ્યું કે. “મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહિ ખાઈ શકુ, તમારી આજ્ઞા માની નહી શકુ.” એટલામાંજ એક સેવક કેરી કાપીને લાવ્યો, બીરબલનું મન કેરી જોઈને લલચાયું. બીરબલે પોતાનો હાથ લંબાવીને, કેરીની થોડી ચીરીઓ પેટમાં ઉતારી લીધી. તેને આ રીતે કેરી ખાતો જોઈને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે. તેમણે તરતજ ગુસ્સામાં બૂમ પાડીને બીરબલ ને બોલાવ્યો. બીરબલ સમજી ગયો એમના ક્રોઘનું કારણ, તે અકબર ની સામે જઈને ઉભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો “જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે, અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બઘાએ પોતાની મેળે જગ્યા બનાવીને તમને રસ્તો આપવો પડે છે. તેવીજ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે એ પણ છે તમારી જેમ જ છે ફળોનો રાજા તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે”. તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા, તેમણે મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બીરબલને આપી. બીરબલ આ મીઠી ભેટ મેળવીને ઘણો ખુશ થઈ ગયો.