માં – A Tribute to the Motherhood 4


Greetings and love on Mother day

મધર્સ ડે એટલે મમતાનો ઊત્સવ

માં – શબ્દો થી પર અને લાગણીઓના પ્રદેશના આ સંબંધને હું ખરેખર શું વર્ણવી શકું ?….જ્યારે વિચાર્યું કે મધર્સ ડે ના દિવસે…એક એવી પોસ્ટ મૂકવી છે જે મારા પોતાના બ્લોગ માટે એક સીમા ચિન્હ બની રહે….મને એ વારે ઘડીયે વાંચવાની ઈચ્છા થવી જોઈએ…..આ પોસ્ટ અત્યાર સુધીની મારી બધી પોસ્ટસ માં સૌથી લાંબી છે….પણ આ ખરેખર હ્રદયમાં થી આવે છે…અને ૧૧ તારીખે રવિવાર હોવાના લીધે મને આનંદ છે કે હું ઘરે હોઈશ અને મારી મા ને આ વંચાવી શકીશ…..મારી કદી એના માટે વ્યક્ત ન થયેલી લાગણીઓ તેને વંચાવી શકીશ…

હું આજેય યાદ કરૂં છું એ દિવસો…એ સોહામણા દિવસો…જ્યારે જ્યારે હું ખૂબ તોફાન કરતો, વાંચવામાં કે હોમવર્ક કરવામાં ચોરી કરતો, મારી માં મને મારવા વેલણ લઈને દોડતી….ક્યારેક પકડાઈ જતો તો ક્યારેક દાદા, દાદી, ફઈ કે કાકા કોઈક બચાવી લેતા….કોઈ ના હોય તો ઢીબાઈ પણ જતો….અને પછી મને રડતો જોઈને એ મને ખોળામાં લઈને રડતી, વહાલથી પંપાળતી, એક એકા એક અને એક દૂની બે યાદ કરાવતી….આરા (કૂવા પાસે કપડા ધોવાની જગ્યા) માં કપડા ધોવા બેસતી અને ઓશરીના પગથીયે બેસીને હું પાડા (પહાડા) બોલતો….એ મને ખૂબ પ્રેમ કરતી, મારૂ માથું ઓંળી આપતી, સરસ પાથી પાડી આપતી…..મને સ્કૂલ જતા નાસ્તાનો ડબ્બો ભરી આપતી…વહાલ થી બકી કરતી…..ખોળામાં સૂવડાવતી……એ માં ને યાદ કરવા કોઈ સ્પેશીયલ દિવસની જરૂર નથી….જેણે મારી ઓંળખાણ મારી સાથે કરાવી, જે મને મારી પહેલા થી ઓળખે છે….અને હું જેના અસ્તિત્વનો એક ભાગ છું એવી મારી મા ને માટે હું શું લખી શકું….મને કાંઈ સૂઝતુ નથી……શબ્દો ઓછા પડે છે….

આજે હું તેના થી છસ્સો કિલોમીટર દૂર રહું છું, મહીને કે બે મહીને તેને એક દિવસ માટે મળું છું, ઘણી વાર મારા પોતાનામાં ખોવાઈ જાઊં છું, પત્ની, બાળકો, ઓફીસના કામ અને બોસ, પ્રોજેક્ટના ટેન્શન, પૈસા અને ભાગદોડ…આ બધામાં અસંખ્ય વાર એવુ બન્યુ છે કે હું માતા પિતા ને ફોન કરવાનું કે તેમની ખબર લેવાનું ભૂલી ગયો હોઊં…પપ્પા તો એમ સમજીને ચલાવી લે છે કે બીઝી હશે….ફ્રી થશે ત્યારે ફોન કરશે….પણ મા કદી આવા સમાધાન થી ચલાવતી નથી…કે ચલાવી શક્તી નથી … આજે આ બ્લોગના માધ્યમ થી એટલું જ કહેવા માંગુ છું માં કે આ બધા માટે તારો ખૂબ ખૂબ આભાર…

“થેન્ક યુ વેરી મચ”

આ સાથે અહીં છે કેટલાક મનગમતા લેખો, જેમા આપણા પ્રિય લેખકોએ પોતાની મા વર્ણવી છે, કદાચ તેમના માધ્યમ થી, તેમના શબ્દો થી આપણેય એ માતા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી શકીએ, તેને વંદન કરી શકીએ…..આજે મધર્સ ડે ના દિવસે આ તદન ઉપર્યુક્ત બની રહેશે અને આપ સૌને ગમશે એવી આશા છે…

Mother and son is the most beautiful relation of the earth

1.       Maa…Mari Maa by Ashwini Bhatt      :      માં…મારી માં – અશ્વિનિ ભટ્ટ

“હું હીંચકે બેસું અને તે પણ સાથે આવીને બેસે, ક્યારેક હું જાણે હમણાં જ જનમ્યો હોઊં તેમ મારી સામે અનિમેષ જોતી રહે, એકાએક તેનો હાથ મારા માથે મૂકે અને ધીરેથી કહે, તું સાચે જ ઘરડો થઈ ગયો એ. મને બાળક તરીકે, ગોદમાં રમતા ભૂલકા તરીકે જોવાની તેની આદતનું એ પરીણામ હશે કે પછી સાચે જ તેને હું બદલાયો લાગતો હોઈશ ?

નાનપણમાં તેણે મને કેટલીય વાર પીટ્યો હતો, તેની હથેળી અને આંગળીઓના સોળ પણ મારે બરડે ઊઠી આવતા, હું રોષે ભરાતો, રીસાતો, ઘરની બહાર ચાલી જતો. રાત પડતી અને મારી પીઠ પર તેનો હાથ ફરતો, મારા બરડા પરના સોળ જાણે ભૂંસાઈ જતા, વાત્સલ્યની ઠંડક મારી પીઠ પર પ્રસરતી અને સોનેરી સોણલા માં હું ખોવાઈ જતો. પરીઓનો દેશ કેવો હોય છે એ આજે હું ભૂલી ગયો છું, અને હવે ગુસ્સે થઈ જાઊં છું, ક્યારેક મેં કદીય ના બોલ્યું હોય એવું બોલી નાખું છું, તેને ન ગમે તેવુ વર્તન પણ કરી બેસું છું, તે હજુય ગુસ્સે થાય છે. પણ તે હવે મને થપ્પડ મારતી નથી, મારે બરડે સોળ ઊઠતા નથી., કે પહેલાની જેમ હું રીસાતો નથી. હું મોટો થઈ ગયો છું અને એટલે ‘એ નહીં સમજે’ કહીને તજતોડ કરી નાખું છું. મારા મગજમાં જાણે કે ગણિત પેઠું છે, વાત્સલ્ય ને બદલે સમજદારી…અણસમજની મારી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હું ભણતર પામ્યો છું, મા તેવી ને તેવી જ છે, વર્નાક્યુલર ફાઈનલ ભણેલી

જીંદગીના વર્ષોએ મને રૂક્ષ બનાવ્યો છે, સંવેદનશીલતાની જગ્યા સહનશીલતાએ લીધી છે, પહેલાની જેમ કજીયો કરવાનું હું ભૂલી ગયો છું, અને એટલે મારી પીઠ પર ઠંડક નથી વળતી, ક્યારેક મા સામે જોઈ લઊં છું અને કલમ થંભી જાય છે. મને ઘાણીમા ફરતા બળદ દેખાય છે, ઘમ્મરવલોણે ઝૂમતી એક જુવાન સ્ત્રી દેખાય છે તો ક્યારેક વળી ઘંટીના પડ પર ઝૂકીને એક પગ લંબાવીને, ઘંટીની ઘરરાટી સાથે ગવાતુ ગીત સંભળાય છે.

એ બધું બદલાયું છે, કેરીના ઢગલા પર બેસીને કેરી ચૂસવાનો આનંદ છેલ્લ ત્રીસ વર્ષમાં ક્યારેય માણ્યો નથી, ઘઊંના ઢગલા પર ઘરના માળીયા માં થી ભૂસકા મારવાનુંય હવે બનતું નથી. કેરી હવે ગાડામાં નથી આવતી. થેલીમાં આવે છે. નંગને હિસાબે આવે છે, ઘઊંના થેલાને બદલે એલ્યુમીનીયમના ડબામાં બે કે ત્રણ કિલો ઘઊં દળાય છે. મા એ આ બધી પરિસ્થિતિ જોઈ છે. તે મહીનાની છેલ્લી તારીખે પણ હસતી હોય છે. તેણે મને જન્મ આપવાનું દર્દ વેંઢાર્યુ છે. હું સામે છું તે જ તેને માટે બસ છે. છતાંય તેની આંખોમાં ખાલીપો છે, તે હીંચકે બેસે છે અને ગૂઢ વિચારમાં પડી જાય છે, તેની આસપાસ એકલતાની જ્વનિકા ઢોળાય છે, તેનું હ્રદય ગૂંગળાય છે, છેલ્લા ચાર દાયકાથી તે એકલી છે. તેના કમરામાં એક છબી છે, મારા પિતાની, મારે માટે એ છબીનું અસ્તિત્વ આંશિક છે…ક્યારેક એ છબી પાસે હું જાઊં છું અને ઊર્મીઓ ઘેરી વળે છે, ક્યારેક…મને સમય નથી. દોડતી જીંદગીની આ ગાડીનો હું એક બેફામ મુસાફર બની ગયો છું…મારે ક્યાં જવું છે, શું કરવુ છે…કેમ દોડું છું?…શું પકડવા મથું છું?…વિચારવાનો સમય નથી….હું બસ દોડ્યા કરૂં છું…

પણ માં હીંચકે બેસીને માળા કરે છે…એના ચહેરા પર નિસ્પ્રૃહતાનો અંચળો ઘર કરી ગયો છે, તેણે વાસ્તવિકતાનો સ્વિકાર કરી નાખ્યો છે. તેના જીવનમાં થી રોમાંચ ચાલી ગયો છે, તેની યાદને પણ તેણે સ્થિતપ્રગ્ન ની જેમ સંકેલી નાખી છે…તે રાહ જુએ છે શરીરની ઘડીયાળની ચાવી ઊતરી જાય તેની…

હું ચાવી મચડ્યા કરૂં છું, ઘડીયાળની સ્પ્રીંગો તંગ કરતો જાઊં છું, મારી માને તેની ચિંતા છે, તેના ચહેરાપરનો સન્યાસ તે મને આપવા મથે છે., આંખોમાં મોતીયા છતા તેની કીકીઓનું માર્દવ ઘટ્યું નથી…એ કીકીઓમાં ઝરતું, વરસતું ઓજસ જાણે અજાણે મારા પર ઢોળ્યા કરે છે…તેની જીંદગી સંકેલાશે ત્યારે એ આંખો મીંચાશે…ઓજસ ઓસરી જશે…બરડા પરના સોળ તો ક્યારનાય ભૂંસાઈ ગયા છે…અને ચામડીની નીચે ચરબીનો થર લાગ્યો છે…
એ દિવસે હું રડીશ અને પછી…કાંઈ નહી…એ જ રફ્તારે હું ગાડી પકડવા દોડીશ…મૃગજળને પીવા મથીશ, ક્યારેક તેની છબી સામે જોઈશ, મારા બરડા પર ફરીથી સોળ સોળે કળાએ ખીલી ઊઠે તેની ઝંખના કરીશ…અને એ સોળને લૂછવા…ભુંસવા એ હથેળીનો સ્પર્શ ઝંખતો રહીશ…

મા તો દીગંત ના પ્રવાસે ચાલી ગઈ હશે, એક દિવસ મારે પણ એ પ્રવાસે જવાનું આવશે અને ત્યારે ફરી વખત એક ચકરાવો શરૂ થશે…માં ની ઝંખનામાં હું પુનર્જન્મની વાટ જોતો વિરમીશ…”

2.        Mari Maa by Bholabhai Golibar               :            મારી માં – ભોલાભાઈ ગોલીબાર

mother looking to her baby with feelings in her eyes and smiling baby“મને એ વાતની નિરાંત છે કે મારી મા એ પોતાની જીંદગીનો આખરી શ્વાસ લીધો એ પહેલા હું મા ની ને એની મમતાની ખરી કિંમત સમજી શક્યો અને એટલે મેં મારી રીતે મા ની સેવા કરવામાં, એની પાછળ સમય વિતાવવામાં કોઈ કમી કે કસર બાકી છોડી નહોતી.

જો કે જેની કૂખમાં મેં મારી જીંદગીનો પહેલો શ્વાસ લીધો હતો, જેનીઑ કૂખમાં નવ મહીના હું રહ્યો હતો, જેની મમતાની છાંવમાં મેં મારી જીંદગીના એકતાલીસ વરસ ગાળ્યા એ મા ગુમાવ્યાનું દુખ મારા દિલના ખૂણામાં આખરી શ્વાસ સુધી રહેવાનું જ ! મારી માં ફાતિમાની વાણી માં થી લાગણીનો દરિયો વહેતો, તેના વર્તનમાં થી બોધપાઠનો ખજાનો ફૂટતો, મારી માં મારા માટે એક સ્કૂલ સમાન હતી.

હું પાંચમાં ધોરણમાં હતો ત્યારે રાબેતા મુજબ રોઈ ધોઈને હું નિશાળે જવા નીકળ્યો. રસ્તામાં મારી પોળના છોકરાઓ કે જે મારી સાથે મારી નિશાળમાં ભણતા હતા, એ મળ્યા, નદીએ નહાવા જવાનો પ્રોગ્રામ બન્યો હતો, એમની સાથે જવાનું મારૂં મન તો હતું પણ મરજી નહોતી, એમણે ખૂબજ દબાણ કર્યુ એટલે હું નિશાળમાં થી ગુલ્લી મારી ભાગી ને નદીએ નહાવા પહોંચી ગયો.

નદીએ નહાવા ધોવાની અને કૂદકા મારવાની મજા પડી પણ ગમે તે કારણે દિલમાં બેચેની થતી હતી, ગમતું નહોતું, મનમાં થતું કે મા ને ખબર પડશે તો? તો વળી તરતજ થયું કે એને ક્યાં ખબર પડવાની છે?

પણ ધરે પહોંચતા જ મારા તેલ વિનાના કોરા વાળ માં પાસે ચાડી ખાઈ ગયા, માં અભણ હતી પણ તેની આંખો અનુભવી હતી, ગરીબી અને તકલીફોએ તેને જબરી કોઠાસૂઝ બક્ષી દીધી હતી, પણ એ વિશે કાંઈ પણ પૂછ્યા વિના મા એ મને જમવા બેસાડ્યો, એ ચૂપચાપ ગરમ રોટલી શાક અને અડદિયા પીરસવા લાગી, હું માં સાથે વાત કરતો પણ એની સાથે આંખ મિલાવ્યા વિના. નીચી ડોક કરીને હું જમતો હતો, પણ જમવા ખાતર. માં ની સથે વાત કરતો હતો પણ દિલ ને ધ્યાન વિના.

માં એ મને ધીમે થી સાચવીને ફોસલાવીને પૂછ્યું “ભોલા ! આજ તું મારી સાથે આંખ મિલાવીને વાત  કેમ કરતો નથી ? કાંઈક ખોટું બન્યું છે? મેં ડોક નીચી રાખી, માથુ ધુણાવી ને “ના” કહ્યું. મા એ મારો ચહેરો દાઢી પાસે થી ઊંચો કર્યો, મારો ચહેરો અધ્ધર કરી મને દબડાવ્યો, “મારી સાથે આંખ મિલાવીને વાત કર…આજે નિશાળમાં નથી ગયો ને? નદીએ નહાવા ગયો હતો ને?”

મેં મા પાસે બધી સાચે સાચી વાત કહી દીધી

થોડીક વાર સુધી માં મારી સામે એમ જોઈ રહી કે જાણે મને જીંદગીમાં પહેલી વાર જોઈ રહી હોય, પછી એની આંખોમાં ઝળહળીયા ડોકાયા અને પછી એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી…હું પણ પોક મૂકીને રડી પડ્યો

અમારા બન્નેની સાથે મારી બહેનો કે જે નિશાળમાં મારી સાથે ભણતી હતી એ પણ રડવા માંડી. કોણ જાણે કેટલીય વાર સુધી અમે રડ્યાં હોઈશું ? આંખો લાલ થઈ ગઈ, ચહેરો રાતોચોળ થઈ ગયો, પછી માં રડતા રડતાં અટકી ગઈ, તરતજ પોતાના આંહું ખાળી લીધા અને અમારા આંસું લૂછ્યાં. અને મને ખોળામાં લઈને બોલી “ભોલા તું નદીએ નહાવા ગયો તે મને ના ગમ્યુ, નિશાળમાં થી ભાગી ગયો, ભણતર બગાડ્યુ એ મને ના ગમ્યુ, પણ તેં મને બધું સાચે સાચું કહી દીધું એ મને ગમ્યું, જિંદગીમાં કદી જુઠ્ઠું ના બોલતો, ખોટું ના કરતો, મારા અને બહેનોના માથે હાથ મુકીને કસમ ખા કે તું હવે મારાથી છુપાવીને કે જુઠ્ઠુ બોલીને કાંઈ કરીશ નહીં અને તારૂ ભણતર નહીં બગાડે”

માં ના મોઠે આ વાત સાંભળ્યા પછી મારા આંસુઓનો બંધ પાછો તૂટી પડ્યો, હું ડૂસકે ડૂસકે રડી પડ્યો, રડતાં રડતાં કસમ ખાધી, બહેનો એ મને પાણી આપ્યું, મા એ માથે મમતા ભર્યો હાથ ફેરવી સાંત્વન આપ્યું અને ચૂપ કર્યો…

પછી તો મા એ સૂખડી બનાવી, હું અને બહેન ભજીયા લેવા દોડ્યા અને અમે બધાંએ ભેગા મળીને ઉજાણી કરી જાણે મમતા નો તહેવાર ઉજવ્યો…”

માં વિષે લખવા બેસીએ તો આવા કાંઈ કેટલાય પાના લખાયા કરે અને એ વાતનો અંત કરવાની ઈચ્છા જ ન થાય…પણ હજીય એક વિચાર નથી છૂટતો કે આપણે જે વ્યક્તિની ગેરહાજરીમાં તેને કાયમ યાદ કરીએ છીએ તેની હાજરીમાં તેને કેટલી વાર કહીએ છીએ કે તમે છો તો અમારે છાંયડો છે…..તમે છો તો અમે સુખી છીએ…તમારા આશિર્વાદ અને અમારા સૌભાગ્ય….

શું તમે ક્યારેય તમારી માં ને “આઈ લવ યુ મમ્મા ” કહ્યું છે ?


Leave a Reply to hemant r. doshiCancel reply

4 thoughts on “માં – A Tribute to the Motherhood

  • jayeshupadhyaya

    જીગ્નેશ ભાઇ
    તમારા બ્લોગની મુલાકાત આજે મા ના સંદર્ભે થઇ માએ મુલાકાત કરાવી આપી સરસ લાગણીથી નીતરતા લેખો વાંચી આનંદ થયો આ એવું ઝરણું છે જે મહાસાગરની પરવા નથી કરતું
    http://jayeshupadhyaya.wordpress.com

  • Harsukh Thanki

    જિગ્નેશભાઈ,

    પહેલાં તો મા વિષેના અતિ સુંદર બ્લોગ બદલ અભિનંદન. મને એવું લાગે છે કે કેટલાક અપવાદને બાદ કરીએ તો મોટા ભાગે મા સાથેની બાળપણની સ્મૃતિઓ લગભગ એકસરખી જેવી હોય છે. તેનું કારણ એક જ છે કે મા તે મા જ છે. એટલે જ તમારો બ્લોગ વાંચતી મને મારું બાળપણ પણ સાથે ને સાથે દોડાદોડી કરતું હોય એવું લાગ્યું. અશ્વિની ભટ્ટ અને ભોલાભાઈ ગોલીબારે પોતાનાં મા વિષે જે લખ્યું છે તે મન પ્રફુલ્લિત કરી દે તેવું છે. આ બંન્ને સર્જકો પોતે જ એટલા સ્નેહાળ છે કે એક વાર પણ તેમના પરિચયમાં આવનાર હંમેશ માટે તેમના ચાહક થઈ જાય. ટોચના સર્જકોએ પોતાની માતા વિષે લખેલા લેખો “માતૃવંદના” પુસ્તકમાં છે. વાંચવા જેવું પુસ્તક છે.

    -હરસુખ થાનકી